ગુજરાતના અનેક જગ્યાએ ધીમીધારે વરસાદ શરૂ, અમદાવાદના નારોલ-અસલાલીમાં ભારે વરસાદ
હવામાન વિભાગ આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થાય તેવી સિસ્ટમ સક્રિય થઈ છે.
અમદાવાદ: બે દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોનું વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે. આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણને કારણે હિલસ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો છે.
આ ઉપરાંત ઘુમા, બોપલ, જોધપુર, સેટેલાઈટ અને પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે જેના કારણે સવારે નોકરી જતાં લોકોને તકલીફ પડી હતી. જોકે નારોલ-અસલાલી અને વિષલા સર્કલ પાસે ભારે વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદ શહેરના એસજી હાઈવે, શ્યામલ, વસ્ત્રાપુર, વેજલપુર, એલિસબ્રિજ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણને પગલે નોકરી-ધંધે જતાં લોકોએ પોતાના રેઈનકોટ પહેરીને જવું પડ્યું હતું.