હાર્દિકે પત્ર લખીને કેજરીવાલને પૂછ્યા સીધાસટ ને સણસણતા સવાલ, જાણો શું લખ્યું છે પત્રમાં ?
મહેસાણા ખાતેના પાસ કન્વીનરોએ શનિવારે કેજરીવાલને હાર્દિક પટેલનું આવેદનપત્ર આપ્યું હતું. કેજરીવાલે સવારે આજે મહેસાણા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી અને ત્યારે જય સરદારના નારા લગાવાયા હતા. સુરત ખાતે આજે સાંજે કેજરીવાલની જાહેરસભા યોજાવાની છે.
હાર્દિકે લખ્યું છે કે ‘ગુજરાતમાં લોકશાહીને ભાજપે ખતમ કરી છે. તમે દેશની રાજધાની દિલ્હીના મુખ્ય પ્રધાન છો ત્યાંથી ઉઠાવેલો તમારો અવાજ આખા દેશમાં મહત્વનો અવાજ બની શકે છે માટે પાટીદાર સમાજના હિતમાં જે કાંઇ થતુ હોય તે કરવા અપીલ કરું છું.”
અમદાવાદ: ‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ગુજરાતની મુલાકાતથી રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ ‘પાસ’ના કન્વીનર હાર્દિક પટેલે કેજરીવાલને પત્ર લખીને કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરવા કહ્યું છે.
હાર્દિકે આ પત્રમાં ‘પાટીદારોને અનામત અપાવવા તથા ન્યાય અપાવવા શું પગલાં લેશો? ’ તેવો સવાલ કરીને તેનો સ્પષ્ટ ખુલાસો કરવા કેજરીવાલને અનુરોધ કર્યો છે. કેજરીવાલ અગાઉ હાર્દિક પટેલનું ખુલ્લું સમર્થન કરી ચૂક્યા છે.
હાર્દિક પટેલે કેજરીવાલને સંબોધીને લખેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ”શું તમે પાટીદાર સમાજને ન્યાય અપાવી શકશો? અમારી મુખ્ય માંગ પાટીદાર સમાજને અનામત મળે તેની તમારા તરફથી આ બાબતે યોગ્ય નિર્ણય લેવાશે? ”
આગામી વિધાનસભાની ચૂંટણી માટે ‘આપ’ અને ‘પાસ’નું ખાનગીમાં ગઠબંધન થઈ રહ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. હાર્દિક પટેલ ટ્વીટર અને ફેસબુક પર પણ આમ આદમી પાર્ટીના સમર્થનમાં પોસ્ટ કરે છે ત્યારે આ પત્ર મહત્વનો છે.