અમદાવાદમાં અવિરત મેઘવર્ષા, મીઠાખળીમાં વૃક્ષ ધરાશાયી થતાં હાલાકી

અવિરત વરસાદને કારણે સોમવારે શહેરની મોટાભાગની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. વરસાદને પગલે પાણીની ભારે આવક થતા વાસણા બેરેજના ચાર દરવાજા ખોલાયા હતા. 137 ફુટે ઓવરફ્લો થતા વાસણા બેરેજની સપાટી હાલ 128.75 ફુટ પહોંચી છે. વહેલી સવારથી જ વરસાદ શરૂ થતાં નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઇ ગયા હતા.
અમદાવાદઃ સતત પાંચ દિવસથી અમદાવાદમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. હાલ પણ અમદાવાદમાં વરસાદ ચાલું જ છે, ત્યારે સવારે નોકરી-ધંધે જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં અવિરત વરસાદ પડી રહ્યો છે, ત્યારે મીઠાખળીમાં એક ઝાડ પડી ગયું હતું. આ ઝાડને દૂર કરવા માટે ફાયરબ્રિગેડના જવાનો કામે લાગ્યા હતા.
રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મેઘમહેર ચાલું રહી હતી. આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદમાં વરસાદ યથાવત્ રહેવાની શક્યતા છે. જો કે, 24 અને 25મી જુલાઇનાં રોજ છૂટાછવાયા વરસાદી ઝાપટાં ત્યારબાદ 26 અને 27મીનાં રોજ હળવોથી મધ્યમ વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.