ઉત્તર ગુજરાતના કયા દિગ્ગજ નેતાએ કોંગ્રેસની ચૂંટણી સમિતિમાંથી ધરી દીધું રાજીનામું? ભરતસિંહ સામે કર્યા કેવા ગંભીર આક્ષેપો?

અમદાવાદ: રાજ્યસભાના પૂર્વ સભ્ય અને કોંગ્રેસના સિનિયર નેતા સાગર રાયકાએ આજે નવરચિત પ્રદેશ ઇલેકશન કમિટી (પીઇસી)માંથી રાજીનામું આપી દેતાં કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. સાગર રાયકાએ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સામે ગંભીર આરોપો મુક્યા છે.
સાગર રાયકાએ ઉમેર્યું હતું કે, જિલ્લા પંચાયતોમાં કે જ્યાં પક્ષ શાસન કરે છે ત્યાં બેહિસાબ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે જેનાથી અમે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ તમાશો નિહાળી રહ્યા છે. આ સંજોગોમાં આવી રહેલી ચૂંટણીમાં લોકો સમક્ષ જતા અમને ઘણી મુશ્કેલી પડવાની છે.
મહેસાણાના વરિષ્ઠ નેતા સાગર રાયકા તમીલનાડુ, આંધ્ર, બિહાર, ઝારખંડ, બંગાળ સહિતના રાજ્યોમાં પક્ષના ઇન્ચાર્જ કે કો-ઇન્ચાર્જ રહી ચુક્યા છે. તેમણે ભરતસિંહ સોલંકી સામે ગંભીર પ્રકારના આરોપો મુક્યા છે અને કહ્યું છે કે કોંગ્રેસમાંથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત ૧૪ ધારાસભ્યોના રાજીનામા બાદ પણ પક્ષમાં ઓલ ઇઝ નોટ વેલ જેવી સ્થિતિ છે.
તેમણે જણાવ્યું હતું કે, ભરતસિંહ સોલંકી પક્ષના અનેક નેતાઓ કરતા ઘણા જુનિયર છે અને તેઓ કોઇને ગણકાર્યા વગર મનસ્વી રીતે નિર્ણયો લઇ રહ્યા છે. તાજેતરમાં તેમણે મનસ્વી રીતે ઉપપ્રમુખો, સેક્રેટરીઓ અને અન્યની એટલે કે ૭૦ થી ૮૦ નિમણૂંકો કરી છે. આટલું જ નહીં મીડિયા રિપોર્ટમાં તેમના ચારિત્ર્ય વિશે પણ આક્ષેપો થયા છે જે અમને સ્વીકાર્ય નથી. તેઓ જે રીતે કામ કરે છે તેનાથી મને સંતોષ નથી.
સાગર રાયકાએ જણાવ્યું હતું કે પીઇસીમાંથી મેં મારું રાજીનામું રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે. આ માટેનું કારણ આપતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ જ એપોઇન્ટીંગ ઓથોરીટી છે. જો કે તેમણે કહ્યું છે કે મેં પક્ષમાંથી રાજીનામુ નથી આપ્યુ. તાજેતરમાં આ કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં ભરતસિંહ પ્રમુખ છે.