રૂપાણી ગુજરાતના ક્યા નંબરના મુખ્યમંત્રી? સોશિયલ મીડિયામાં છે ભારે કન્ફ્યુઝન
ગાંધીનગરઃ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લઇ લીધા છે. તેમના મંત્રી મંડળમાં 25 મંત્રીઓનો સમાવેશ કરાયો છે. ભાજપે એક જ ટર્મમાં ત્રીજીવાર મુખ્યમંત્રી બદલ્યા છે. જોકે, હાલમાં સોશિયલ મીડિયા પર વિજય રૂપાણી ગુજરાતના ક્યા નંબરના મુખ્યમંત્રી છે તેને લઇને અનેક મૂંઝવણો ઉભી થઇ છે. વિજય રૂપાણી 16મા મુખ્યમંત્રી છે. અહીં અત્યાર સુધીના ગુજરાતના મુખ્યમંત્રીઓની માહિતી આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં અનામતની માંગણી સાથે ચાલી રહેલા પાટીદારોના આંદોલન અને બાદમાં ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા દલિત આંદોલનની આગને સમાવવામાં નિષ્ફળ રહેલા આનંદી બેન પટેલને હટાવી ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા છે. તેઓ રાજ્યના 16મા મુખ્યમંત્રી બન્યા છે.
2014માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી સ્પષ્ટ બહુમતી બાદ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન અને દલિત આંદોલનને પગલે તેમને હટાવી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. તેમનો કાર્યકાળ 22,મે, 2014થી 7,ઓગસ્ટ, 2016 સુધી રહ્યો હતો.
2001માં ગુજરાતમાં આવેલા ભયંકર ભૂકંપ બાદ વ્યવસ્થા સાચવવામાં નિષ્ફળ રહેલી કેશુભાઇની સરકારને હટાવીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. મોદી ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છે. તેમનો કાર્યકાળ 7,ઓક્ટોબર, 2001થી 22,મે 2014 સુધી રહ્યો હતો.
કોગ્રેસના વિરોધ બાદ હાલમાં કોગ્રેસના નેતા અને ભાજપના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાને હટાવવામાં આવ્યા હતા. તેમના સ્થાને દીલિપ પરીખને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ 28-ઓક્ટોબર,1997 થી 4,માર્ચ, 1998 સુધી રહ્યા હતા.
હાલમાં કોગ્રેસના નેતા અને ભાજપના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાને 1996માં રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ 23,ઓક્ટોબર, 1996થી 27-ઓક્ટોબર, 1997 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
1995માં કેશુભાઇની સરકાર સામે બળવા બાદ સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્ય હતા. તેઓ 21,ઓક્ટોબર, 1995થી 19,સપ્ટેમ્બર, 1996 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
1995ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપની સરકાર બની હતી અને કેશુભાઇ પટેલને મુખ્યમંત્રી બનાવાયા. તેઓ 14,માર્ચ, 1995થી 21 ઓક્ટોબર, 1995 સુધી પ્રથમવાર મુખ્યમંત્રી રહ્યા હતા. બાદમાં ૧૯૯૮માં ફરીથી ભાજપને સ્પષ્ટ બહુમતી મળી અને કેશુભાઈ પટેલ બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આ ટર્મમાં તેઓ ૧૯૯૮થી ૨૦૦૧ એમ ચાર વર્ષ મુખ્યમંત્રી રહ્યા. તેઓ પાંચ વર્ષ પૂર્ણ કરશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ ગુજરાતમાં આવેલો ૨૦૦૧નો ભૂકંપ ગાદી છોડવા માટે કારણભૂત બન્યો.
છબિલદાસ મહેતા 17, ફેબ્રુઆરી 1994થી 14,માર્ચ 1995 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
1985માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમને કાર્યકાળ 6,જૂલાઇ,1985થી 9,ડિસેમ્બર, 1989 સુધી રહયો હતો.
માધવસિંહ સોલંકી ચાર વખત ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યાં છે. પ્રથમવાર 1976માં રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ 24-12-1976થી 10-04-1977 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. 1980માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બન્યા બાદ ફરીવાર કોગ્રેસ સત્તા પર આવી અને 7,જૂન, 1980ના રોજ માધવસિંહ સોલંકી બીજીવાર મુખ્યમંત્રી બન્યા જે 10,માર્ચ 1985 સુધી પદે રહ્યા હતા. ફરીવાર યોજાયેલી ચૂંટણીમાં વિજયી બની 11,માર્ચ, 1985માં માધવસિંહ સોલંકી ત્રીજીવાર મુખ્યમંત્રી રહ્યા હતા બાદમાં તેમને 6,જૂલાઇ, 1985માં રાજીનામુ આપવું પડ્યુ હતું. ચોથીવાર 10 ડિસેમ્બર, 1989થી4,માર્ચ,1990 સુધી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી રહ્યા હતા.
બાબુભાઇ પટેલ પ્રથમવાર 18-06-1975માં મુખ્યમંત્રી બન્યા હતા. જોકે બાદમાં માર્ચ, 1976માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાતા તેમને સત્તા છોડવી પડી હતી. બાદમાં તેઓ 11-04-1977માં બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. આ દરમિયાન તેમની સરકાર 17-02-1980 સુધી એટલે કે ત્રણ વર્ષ સુધી રહી પણ એ સમયે પણ ફરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયુ હતું.
ચીમનભાઈ પટેલ ફેબ્રુઆરી ૧૯૭૩માં તત્કાલીન મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝા સામે બળવો કરીને પ્રથમ વાર મુખ્યમંત્રી બન્યા હતા. જોકે તેઓ મુખ્યમંત્રી પદ પર લાંબું ન ટક્યા. તેઓનો કાર્યકાળ 18-07-1973થી 09-02-1974 રહ્યો હતો. બાદમાં ચીમનભાઇ પટેલ બીજીવાર 04-03-1990થી 17-02-1994 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
1972માં રાષ્ટ્રપતિ શાસન હટાવ્યા બાદ ઘનશ્યામ ઓઝા મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ 17-03-1972થી 17-07-1973 સુધી મુખ્યમંત્રી પદે રહ્યા હતા.
બે વખત ગુજરાતના મુખ્યમંત્રી રહેતા હિતેન્દ્ર દેસાઇએ 20-09-1965થી 12-05-1971 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.
બળવંતરાય મહેતા 19-09-1963થી 20-09-1965 સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા.
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા 1,મે 1960થી 19-09-1963 સુધી રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -