અમિત શાહે આનંદીબેન સાથે અઢી કલાક ચર્ચા કરી ને એવું શું બન્યું કે બીજા જ દિવસે બેને પત્ર લખી દીધો ?
આનંદીબેનના પત્રથી પક્ષના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં બેનને વધુ પડતી જવાબદારી સોંપીને ચૂંટણીની સંપૂર્ણ કમાન આપવા માટેની વ્યૂહરચના ગોઠવાઇ છે તેવા મેસેજ પણ બેનનો મોકલાયા હતા પણ બેને પોતાની નારાજગી વ્યક્ત કરવા આ નિર્ણય બદલવા સાફ ઈન્કાર કરી દીધો હતો.
અમદાવાદ: ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત માટે 75 વર્ષની વયમર્યાદાના ભાજપના નિયમને કારણભૂત ગણાવ્યો છે. જો કે ભાજપનાં સૂત્રોની વાત માનીએ તો હાઇકમાન્ડ એટલે કે અમિત શાહ સાથેના આંતરિક મતભેદના કારણે નારાજ થઈને બેને આ જાહેરાત કરી છે.
આનંદીબેનના મતવિસ્તાર ઘાટલોડિયાના સ્થાનિક ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર, બેન ફરીથી ચૂંટણી લડવાના હોવાથી મતદાર યાદીથી માંડીને મતદારોના સંપર્ક સુધીના કાર્યક્રમો શરૂ કરી દીધા હતા. તે જ સમયે એકાએક બેનને અન્ય બેઠક પરથી ચૂંટણી લડાવવની વાત માત્રથી તેમના સમર્થકોમાં રોષ વ્યાપ્યો છે.
જો કે આનંદીબેન આ માટે તૈયાર નહોતાં તેથી ઉકેલ નહોતો આવ્યો. આ ઘટનાક્રમથી અકળાયેલાં આનંદીબેને બીજા દિવસે 4 ઓક્ટોબરે ચૂંટણી નહીં લડવાનો પત્ર રાષ્ટ્રીય અધ્યક્ષ શાહને મોકલ્યો હતો. અમિત શાહ આ બેઠક પરથી પોતાના ખાસ માણસ બિપીન પટેલ (ગોતા)ને લડાવવા માગે છે તેના કારણે પણ બેન અકળાયાં છે.
આનંદીબેનને ઘાટલોડિયાને બદલે અન્ય બેઠક પર ચૂંટણી લડવા માટેનું દબાણ થતાં બેન રવાના થઇ ગયા હતા. તે પછી મોડી રાતે બેનના બંગલે અમિત શાહ પહોંચ્યા હતા અને તેમની સાથે અઢી કલાકથી વધુ સમય સુધી ચર્ચા કરી હતી. અમિત શાહે પણ બેનને ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી નહીં લડવા સમજાવ્યાં હતાં.
આનંદીબેને 4 ઓક્ટોબરના રોજ લખેલો પત્ર સોમવારે બહાર આવ્યો હતો. રસપ્દ વાત એ છે કે તેના એક દિવસ પહેલાં એટલે કે 3 ઓક્ટોબરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે દિવસભર આનંદીબેન અને અમિત શાહ સહિતના નેતાઓ વચ્ચે બેઠકો ચાલી હતી. આ બેઠકના પગલે આનંદીબેન નારાજ થઈને ઘરે જતાં રહ્યાં હતાં.