અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામા આપવાની કેમ આપી ચીમકી? જાણો વિગત
વધુમાં અલ્પેશે જણાવ્યું હતું કે, મને અને મારા સમાજને બદનામ કરવાનો પ્રયત્ન થશે તો હું બે દિવસમાં રાજીનામું આપી દઈશ. પરપ્રાંતિયો મુદ્દે વાત કરતા અલ્પેશ ઠાકોર ભાવુક થયો હતો અને આંખમાં આસું આવી ગયા હતાં. મેં ક્યારે પણ ભડકાઉ ભાષણ કર્યું નથી. મહત્વની વાત એ છે કે, અલ્પેશ ઠાકોરે ગુરુવારે સદભાવના ઉપવાસમાં પરપ્રાંતિયોને પણ આમંત્રણ આપ્યું છે.
અમદાવાદઃ ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલાઓ અને ગુજરાત છોડીને વતનની વાટે જઈ રહ્યા અંગે આજે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે એબીપી અસ્મિતા સાથેની વાતચીત કરતાં અલ્પેશ ઠાકોરને બદનામ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ લગાવ્યો હતો.
અલ્પેશ ઠાકોરે રડતી આંખે જણાવ્યું હતું કે, જો મારો સમાજ કહેશે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશું. ઠાકોર સમાજને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં રહેવાનો તમામ લોકોને અધિકાર છે. હું ખોટો નથી. હું બિહારનો સહપ્રભારી હોવાથી મને બદનામ કરવામાં આવી રહ્યો છે. મારા સમાજના લોકોને હેરાન કરવામાં આવે છે. મેં ક્યારેય કોઈ ભડકાઉ ભાષણ નથી આપ્યું.
લોકો કહે છે કે બિહારમાં પગ મૂકીને બતાવો. હું કોઈ ચોર કે લૂંટારો નથી. હું બિહારમાં જઈશ. મારા લોકોએ ઇમાનદારીથી કામ કર્યું છે. યુપી અને બિહારના લોકો અમારા છે. એકવાર બિહાર જઈને બતાવીશ. ત્યાં જઈને લોકોને સમજાવીશ કે મારી સેનાએ કોઈને માર્યાં નથી. ત્યાર બાદ ભલે મારી લાશ પાછી આવે. હું બિહારનો સહપ્રભારી હોવાને કારણે જ આ બધું થઈ રહ્યું છે.
ગરીબો માટે રાજકારણમાં આવ્યો છું. આવી જ રાજનીતિ હોય તો મને ધારાસભ્ય બની રહેવામાં પણ કોઈ રસ નથી. આ જાડી ચામડીના લોકો છે. એમને લાશોની રાજનીતિમાં જ ખબર પડે છે. હું લાશોની રાજનીતિ ન કરી શકું.
હું લોકોની સેવા માટે રાજનીતિમાં જોડાયો હતો. પરંતુ અહીં બહુ ગંદા માણસો છે. જે લોકોને મારવાની રાજનીતિ કરી રહ્યા છે. મારો સમાજ કહેશે તો હું ફરીથી તેમની વચ્ચે જઈને બેસી જઈશ. રાજ્યના મુખ્યમંત્રી સંવેદનશીલ છે, પરંતુ તેમની પાર્ટીના જ કેટલાંક લોકો રાજકારણ કરી રહ્યા છે. હું સુખીસંપન્ન માણસ છું.
અલ્પેશે જણાવ્યું હતું કે, હું રાષ્ટ્રવાદી અને માનવતાવાદી છું. આ રાજનીતિ મારી નથી. પરપ્રાંતિયો પર રાજનીતિ કરનારાને ભગવાન પણ માફ નહીં કરે. છઠ્ઠ પૂજાને કારણે પરપ્રાંતિયો વતન જઈ રહ્યા છે. અમે ક્યારેય પરપ્રાંતિયોને ભગાડવાનું કીધું જ નથી.
એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરનું સૌથી મોટું નિવેદન આપ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, તેણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચીમકી આપી છે. આ દરમિયાન અલ્પેશ ઠાકોર ભાવુક થઈ ગયો હતો અને રડવા લાગ્યો હતો.