દેવી ભાગવત પુરાણ અનુસાર આ દિવસે આદ્યશક્તિના ત્રીજા સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે. દેવી ચંદ્રઘંટાના મસ્તક પર રત્નજડિત મુકુટ છે જેના પર અર્ધચંદ્રમાની આકૃતિ જોવા મળે છે અને તેમાં એક ઘંટી લટકે છે. પોતાના આ અદભૂત મુકુટના કારણે દેવી પોતે ચંદ્રઘંટાના નામે ઓળખાય છે.
માતા ચંદ્રઘંટાની પૂજા કરતી વખતે દુર્ગા સપ્તશતીના પાઠના પાંચમા અધ્યાયનું જરૂર પઠન કરવું જોઈએ અને માતાને દૂધનો ભોગ ચઢાવવો જોઈએ. પૂજા બાદ તમે દૂધનું દાન પણ કરી શકો છો. આમ કરવાથી તમામ પ્રકારના દુખોથી મુક્તિ મળે છે. કહેવાય છે કે માતા ચંદ્રઘંટાની સાચા મનથી પૂજા કરવાથી તમામ જન્મોના કષ્ટો અને પાપોથી મુક્તિ મળે છે. માતાની ઉપાસનાથી ભક્તોને ભૌતિક, આત્મિક, આધ્યાત્મિક સુખ શાંતિ મળે છે અને ઘર પરિવારથી નકારાત્મક ઉર્જા એટલે કે કલેશ અને અશાંતિ દૂર થાય છે.
માતા ચંદ્રઘંટાના ત્રીજા દિવસે પૂજા કરવા પાછળ કારણ એ છે કે માતાનો પહેલો અને બીજો અવતાર તો ભગવાન શંકરને પામવા માટે છે, પરંતુ જ્યારે માતા ભગવાન શંકરને પતિ સ્વરૂપે પામી લે છે ત્યારબાદ તે આદ્યશક્તિ સ્વરૂપે આવી જાય છે. દેવી પાર્વતીના જીવનની ત્રીજી સૌથી મોટી ઘટના તરીકે તેમને તેમનું પ્રિય વાહન વાઘ મળે છે. આ જ કારણે માતા વાઘ પર સવાર છે અને ભક્તોને દર્શન આપીને અભય પ્રદાન કરે છે.
માતા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે શ્રદ્ધાળુઓએ લાલ રંગના કપડાં પહેરવા જોઈએ. માતાને સફેદ વસ્તુઓ જેમ કે દૂધથી બનેલી ખીર વગેરેનો ભોગ લગાવવો જોઈએ. આ ઉપરાંત મધ પણ ધરાવી શકાય.
માતા ચંદ્રઘંટાનો બીજ મંત્ર
‘ऐं श्रीं शक्तयै नम:’
માતા ચંદ્રઘંટાનું સ્મરણ કરતા સાધકો પોતાનુ મન મણિપુર ચક્રમાં સ્થિર કરે છે. ચંદ્રઘંટા શક્તિની પૂજા અને સાધનાથી મણિપુર ચંદ્ર જાગૃત થાય છે. તેમની પૂજા કરવાથી વીરતા નિર્ભયતાની સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે. તેમની પૂજાથી મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ વધવા લાગે છે. સ્વર દિવ્ય અને મધુર થવા લાગે છે.