આજના દિવસે મહા વદ ચોથની તિથિ છે. આ તિથિને સંકટ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચોથ વિઘ્નહર્તા ભગવાન ગણેશજીને સમર્પિત છે. આ દિવસે સ્ત્રીઓ સંતાન અને પરિવારની સુખ-શાંતિ માટે વ્રત, ઉપવાસ અને વિધિ વિધાનથી પૂજા કરે છે. આ વર્ષે ચોથ મંગળવારે હોવાથી આને અંગારક ગણેશ ચતુર્થી પણ કહેવામાં આવે છે.
આ રીતે કરો ગણપતિ બાપાને પ્રસન્ન
સવારે વહેલાં સ્નાનાદી પતાવીને પૂજા માટે તૈયાર થઇ જાવ. પૂજા માટે ગણેશજીની મૂર્તી તેયાર કરી લો. સોના, ચાંદી, પિતળ, સ્ટીલ કે માટીની પ્રતિમાની સ્થાપના કરો. ગણેશજીને સિંદૂર ચઢાવો, કંકૂ-ચોખા અને ફૂલ ચઢાવતી વખતે મનમાં ગણેશમંત્ર 'ઓમ ગં ગણપતયે નમ:'નો જાપ કરો. ગણપતિ બાપાને બુંદીના 21 લાડુનો પ્રસાદ ધરાવો. એમાં એક લાડુ મુર્તી પાસે મુકો અને 5 લાડુ બ્રાહ્મણોને દાન કરી દો. બાકીના લાડુ પ્રસાદ તરીકે વહેંચી દો. પૂજામાં ગણેશસ્ત્રોત, અથર્વશીર્ષ, સંકટનાશન સ્ત્રોત વગેરેનો પાઠ કરો. બ્રાહ્મણોને ભોજન કરાવો અને દક્ષિણા આપો. શક્ય હોય તો આ દિવસે ઉપવાસ કરો. આ વ્રતનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી ભગવાન ગણેશ અવશ્ય પ્રસન્ન થાય છે.
મુંબઈમાં સિદ્ધિ વિનાયક મંદિરમાં લોકોએ લગાવી લાઇન
મુંબઈના જાણીતા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં શ્રદ્ધાળુઓએ વહેલી સવારથી જ લાઈન લગાવી હતી. કોરોનાના વધતા સંક્રમણને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા માત્ર ક્યૂઆર કોડ દ્વારા જ દર્શન માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
રાશિફળ 2 માર્ચ: આજે છે સંકટ ચતુર્થી, જાણો શું કહે છે તમારું આજનું રાશિફળ