Ahmedabad Jagannath Rathyatra 2022: અષાઢી સુદ બીજે દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળતા હોય છે. ભગવાન જગન્નાથની આ વર્ષે 145મી રથયાત્રાને લઈ અને જમાલપુર જગન્નાથ મંદિર તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા મહોત્સવ અંગે માહિતી આપતા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે રથયાત્રાની પોલીસ પરમિશન આપવામાં આવી છે જેમાં 18 શણગારેલા ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા રહેશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી 2000 જેટલા સાધુસંતો રથયાત્રામાં ભાગ લેવા આવશે. કોરોનાના કેસો વધ્યા છે જેથી કોરોનાના નિયમો છે જેથી લોકો માસ્ક પહેરી અને દર્શન કરવા આવે. મંદિરમાં પણ ત્રણ દિવસ ઉત્સવોમાં લોકો આવે ત્યારે માસ્ક પહેરીને આવે. રથયાત્રાનો રૂ. 1.5 કરોડનો વીમો લેવામાં આવશે.
ભગવાન ક્યારે પરત ફરશે મામાના ઘરેથી
રથયાત્રાના કાર્યક્રમ અંગેની માહિતી આપતા મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે 29, 30 જૂન અને 1 જુલાઈ એમ ત્રણ દિવસ મંદિરમાં ઉત્સવનો માહોલ રહેશે. 29મી જુને જેઠ વદ અમાસના દિવસે ભગવાન મામાના ઘરેથી પરત આવશે. જેથી સવારે છ વાગ્યે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામની ગર્ભગૃહમાં રત્ન વેદી પર પ્રતિષ્ઠા કરવામાં આવશે. સવારે 7:30 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે જેમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવશે. ત્યારબાદ ધ્વજારોહણ અને મહાઆરતી કરવામાં આવશે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજરી આપશે. 29મી જૂનના રોજ સવારે 11 વાગ્યે દેશના વિવિધ રાજ્યો અને શહેરમાંથી આવેલા તમામ સાધુ-સંતોનો ભંડારો યોજાશે. ભંડારા બાદ તમામ સાધુ-સંતોને વસ્ત્રોનું દાન કરવામાં આવશે. સાધુ-સંતોના ભંડારામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પંકજભાઈ મોદી હાજર રહેશે.
બીજા દિવસે અષાઢી સુદ એકમના 30 જૂનના રોજ સવારે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામનો સોનાવેશ તેમજ શોડોષચાર પૂજન થશે. 10.45 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ગજરાજોનું પૂજન કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમમાં જય અમિત શાહ હાજર રહેશે. બપોરે 12 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા કરવામાં આવશે. બપોરે ત્રણ વાગ્યે ત્રણેય રથ નું પૂજન અને આરતી કરવામાં આવશે જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે. સાંજે 8 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે જેમાં વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, ધારાસભ્યો સહિતના નેતાઓ હાજર રહેશે.
1 જુલાઈના રોજ રથયાત્રાના દિવસે સવારે 4 વાગ્યે મંગળા આરતી યોજાય છે. મંગળા આરતીમાં દર વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેતા હોય છે. આ વર્ષે પણ સવારે 4 વાગ્યે અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહેશે. સવારે 7.05 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરશે અને રથયાત્રાનો પ્રારંભ કરાવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે બે વર્ષ બાદ રથયાત્રા નીકળશે. લોકોમાં ઉત્સાહ અને ઉલ્લાસ છે. લોકો મંદિરની વેબસાઈટ પરથી ઓનલાઈન પણ જોઈ શકશે. લોકો શાંતિથી લોકો દર્શન કરે. જ્યાં જ્યાં દર્શનના પોઇન્ટ છે ત્યાંથી દર્શન કરવામાં આવે. રથયાત્રામાં 30000 કિલો મગ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી-દાડમ અને 2 લાખ ઉપરણાનો પ્રસાદ આપવામા આવશે.
રથયાત્રાના ઉત્સવો
29મી જૂન
સવારે 6 વાગ્યે ભગવાનની ગર્ભગૃહમાં પ્રવેશ
સવારે 7.30થી 10.30 સુધી નેત્રોત્સવ વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી
સવારે 11 વાગ્યે સાધુસંતોનો ભંડારો - વસ્ત્રદાન
30મી જૂન
સવારે 10.30 વાગ્યે સોનાવેશ તેમજ શોડોષચાર પૂજન થશે
સવારે 10.45 વાગ્યે ગજરાજોનું પૂજન
બપોરે 12 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા
બપોરે 3 વાગ્યે રથનું પૂજન અને મહા આરતી
સાંજે 6 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિશિષ્ટ પૂજા આરતી
સાંજે 8 વાગ્યે મહાઆરતી
1 જુલાઈ
સવારે 4 વાગ્યે મંગળાઆરતી
સવારે 4.45 ખીચડાનો ભોગ ધરાવશે
સવારે 5 વાગ્યે ભગવાનના પાટા ખોલાશે
સવારે 7 વાગ્યે પહિંદવિધિ
સવારે 7.05 ત્રણેય રથનું પ્રસ્થાન
સાંજે 8 વાગ્યે રથો નિજમંદિર પરત ફરશે.
Ahmedabad Jagannath Rathyatra 2022: 18 ગજરાજ, 30 અખાડા સાથે નીકળશે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શિડ્યૂલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jun 2022 01:53 PM (IST)
Ahmedabad Rathyatra 2022: હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી 2000 જેટલા સાધુસંતો રથયાત્રામાં ભાગ લેવા આવશે. રથયાત્રાનો રૂ. 1.5 કરોડનો વીમો લેવામાં આવશે.
ફાઈલ તસવીર (તસવીર સૌજન્યઃ વીકિપીડિયા)
NEXT
PREV
Published at:
27 Jun 2022 01:53 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -