Amarnath Yatra: બાબા ભોલેનાથના દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. બાબા બર્ફાનીના દર્શન માટેની આજથી અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાલતાલ બેઝ કેમ્પથી તીર્થયાત્રીઓનો પ્રથમ જથ્થો ગુફા મંદિર માટે રવાના થયો છે. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શનિવારે સવારે શ્રદ્ધાળુઓ બેઝ કેમ્પમાંથી નીકળી ગયા છે. બાલટાલથી મંદિર સુધીનો 13 કિમી લાંબો ટ્રેક કેટલાક અત્યંત જોખમી પર્વતીય પ્રદેશોમાંથી પસાર થાય છે, જ્યાં લૉકલ ગાઇડ અને ટટ્ટુઓ શ્રદ્ધાળુઓ માટે કામમાં આવે છે.


વાર્ષિક અમરનાથ યાત્રા માટે 4,400થી વધુ શ્રદ્ધાળુઓનો બીજો જથ્થો શનિવારે અહીં ભગવતી નગર બેઝ કેમ્પથી રવાના થયો હતો. યાત્રિકોએ સવારે 188 વાહનોમાં બેઝ કેમ્પ છોડ્યા હતા, જેનાથી અમરનાથ યાત્રા માટે જમ્મુ બેઝ કેમ્પ છોડનારા યાત્રાળુઓની કુલ સંખ્યા 7,904 થઈ ગઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે 2,733 શ્રદ્ધાળુઓ સવારે 4.50 વાગ્યે 94 વાહનોમાં પહેલગામ જવા નીકળ્યા હતા, જ્યારે 1,683 શ્રદ્ધાળુઓ લગભગ એક કલાક વહેલા 92 વાહનોમાં બાલટાલ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે સવારે ભગવતી નગર બેઝ કેમ્પથી તીર્થયાત્રીઓની પ્રથમ ટુકડીને લીલી ઝંડી આપી હતી. અમરનાથની 62 દિવસીય યાત્રા શનિવારે કાશ્મીરથી શરૂ થઈ હતી.


આ યાત્રા માટે બે રૂટ છે. એક અનંતનાગ જિલ્લામાં 48 કિમી લાંબો પરંપરાગત નુનવાન-પહેલગાવ માર્ગ, જ્યારે બીજો ગાંદરબલ જિલ્લામાં બાલટાલ માર્ગ છે, જે લગભગ 14 કિમી ટૂંકો છે પરંતુ અત્યંત મુશ્કેલ છે. યાત્રામાં ભાગ લેનાર શ્રદ્ધાળુએ કહ્યું, “અમને અમરનાથની યાત્રા શરૂ કરીને ખૂબ જ આનંદ થાય છે. હું હંમેશા હિમ શિવલિંગના દર્શન કરવા માંગતો હતો.” ભગવતી નગર બેઝ કેમ્પની આસપાસ બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુમાં 33 આવાસ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે અને ભક્તોને રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેગ આપવામાં આવી રહ્યા છે. યાત્રા પર જવા ઇચ્છુક લોકોની નોંધણી કરવા માટે પાંચ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.                                                   


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial