Shattila Ekadashi 2024: એકાદશી તિથિ શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે. પોષ વદ એકાદશીને ષટતિલા એકાદશી કહેવામાં આવે છે, જે 6 ફેબ્રુઆરી 2024ના રોજ છે. આ દિવસે તલનો 5 પ્રકારે ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.


હિંદુ ધર્મમાં ષટતિલા એકાદશીનું ખૂબ મહત્વ છે. આ દિવસે બને ત્યાં સુધી તલનો ઉપયોગ કરવો જોઈએ. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે 5 પ્રકારે તલનો ઉપયોગ કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ ષટતિલા એકાદશી પર 5 રીતે તલનો ઉપયોગ કેવી રીતે કરવો.



  •  ષટતિલા એકાદશીના દિવસે નહાવાના પાણીમાં થોડા તલ ભેળવીને સ્નાન કરો. સ્નાન કરતી વખતે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને મંત્રોનો જાપ પણ કરો. આમ કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે.

  • આ દિવસે તલની પેસ્ટ પણ લગાવવી જોઈએ. આયુર્વેદમાં તલનું સેવન અને તલની પેસ્ટ શરીર પર લગાવવાના ઘણા ફાયદાઓ વર્ણવવામાં આવ્યા છે. તેનાથી શરીરને ઉર્જા મળે છે અને શરીરમાંથી અનેક પ્રકારના વિકારો દૂર થાય છે.

  • ષટતિલા એકાદશીના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે તમારી ક્ષમતા અને ભક્તિ અનુસાર તલનું દાન કરો. તેનાથી ગ્રહ દોષ દૂર થાય છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ માઘ મહિનામાં તલનું દાન કરે છે તેને ક્યારેય નરક દેખાતો નથી.

  • ષટતિલા એકાદશી પર તલનો પણ અન્ન તરીકે ઉપયોગ કરો. આ દિવસે તલ મિક્સ કરીને વાનગી તૈયાર કરો અને સૌપ્રથમ ભગવાન વિષ્ણુને અર્પણ કરો. આ પછી તેને પરિવાર સાથે ભોગ તરીકે સેવન કરો.

  • ષટતિલા એકાદશીના દિવસે પૂર્વ દિશા તરફ 5 મુઠ્ઠી તલ વડે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો અને પછી હવનમાં આ તલ ચઢાવો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા, દુ:ખ અને દુર્ભાગ્ય દૂર થાય છે.


 પૂજા વિધિ


સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કરવું. ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. ભગવાન વિષ્ણુને ગંગા જળથી અભિષેક કરો. ભગવાન વિષ્ણુને ફૂલ અને તુલસીના પાન ચઢાવો. જો શક્ય હોય તો આ દિવસે વ્રત રાખો. ભગવાનની આરતી કરો. ભગવાનને ભોજન અર્પણ કરો. ધ્યાનમાં રાખો કે ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પ્રસાદમાં તુલસીનો સમાવેશ અવશ્ય કરો. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ તુલસી વિના ભોગ સ્વીકારતા નથી. આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરો. આ દિવસે શક્ય એટલું ભગવાનનું ધ્યાન કરો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને ધારણા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.