Fourth Sawan Somwar 2023: હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે, જે ભગવાન શિવની પૂજા, ઉપવાસ, ઉપાય વગેરે માટે સમર્પિત છે. એવી માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પોતાના સમગ્ર પરિવાર સાથે પૃથ્વી પર ભ્રમણ કરે છે. એટલા માટે આ સમય દરમિયાન પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.


જણાવી દઈએ કે આ વર્ષે શ્રાવણ મહિનો 04 જુલાઈ 2023 થી શરૂ થયો છે, જે 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. 19 વર્ષ બાદ આ વર્ષે શ્રાવણમાં અધિક માસ હોવાથી તેનો સમયગાળો બે મહિનાનો થઈ ગયો છે. અત્યાર સુધીમાં શ્રાવનનાં ત્રણ સોમવાર પસાર થઈ ચૂક્યાં છે અને 31 જુલાઈ, 2023ના રોજ શ્રાવન મહિનાના ચોથા સોમવારનું વ્રત કરવામાં આવશે.


શ્રાવણના ચોથા સોમવારે ત્રણ શુભ યોગ બને છે


શ્રાવણનો ચોથો સોમવાર પૂજા અને ઉપવાસની દૃષ્ટિએ ખૂબ જ શુભ રહેવાનો છે. આ દિવસે ત્રણ શુભ યોગ બનશે, જેમાં પૂજા કરવાથી શુભ ફળ મળશે. રવિ યોગ, પ્રીતિ યોગ અને વિષ્કંભ યોગ શ્રાવણના ચોથા સોમવારે રહેશે. રવિ યોગ સવારના 05:42 થી સાંજ 06:58 સુધી રહેશે અને વિષ્કંભ યોગ સવારના 11:05 થી રાત્રે 11:05 સુધી રહેશે અને આ દિવસે પ્રીતિ યોગનો શુભ સંયોગ પણ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ ત્રણ શુભ યોગમાં ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોને શુભ ફળ મળશે.


શ્રાવણના ચોથા સોમવારે રૂદ્રાભિષેક માટે મુહૂર્ત


31મી જુલાઈ  શ્રાવણના ચોથા સોમવારે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો ખૂબ જ શુભ રહેશે, કારણ કે આ દિવસે શિવવાસ થશે. શિવવાસમાં રૂદ્રાભિષેકનું વિશેષ મહત્વ છે. જોકે શિવવાસ વહેલી સવારે સમાપ્ત થશે. તેથી જ જેમને શ્રાવનના ચોથા સોમવારે રુદ્રાભિષેક કરવો હોય તેમણે સવારે 07.26 વાગ્યા સુધી રુદ્રાભિષેક કરવો જોઈએ. કારણ કે શિવવાસ 07:26 સુધી જ રહેશે.


શ્રાવણના ચોથા સોમવારે આ રીતે કરો પૂજા 


આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી ઉપવાસનું વ્રત લો અને કોઈ શુભ સમયે શિવ મંદિરમાં અથવા તમારા પોતાના પૂજા સ્થાનમાં જઈને શિવલિંગની પૂજા કરો. શિવલિંગ પર ગંગાજળ અથવા દૂધથી અભિષેક કરો અને પછી ચંદન, અક્ષત, સફેદ ફૂલ, બિલિપત્ર, ભાંગ,  ધતૂરા, ભસ્મ વગેરે ચઢાવો. મધ, ફળ, મીઠાઈ, સાકર અર્પણ કરવા સાથે ધૂપ-દીપ પ્રગટાવો અને ઘીનો દીવો કરો. સોમવાર વ્રત કથા વાંચો અથવા સાંભળો અને અંતે આરતી કરો.