Morari bapu:  જાણીતા કથાકાર મોરારી બાપુ હંમેશાં પોતાના ખભા પર કાળી શાલ ધારણ કરીને ફરે છે. વિશિષ્ટ વળાંક સાથેના અક્ષરોમાં ' રામ'  લખેલી આ કાળી શાલ હંમેશાં મોરારી બાપુના ખભા પર જોવા મળે છે. આ  'કાળી શાલ'  વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે.


શું છે દંતકથા


આ પૈકીની એક દંતકથા એવી છે કે,  આ કાળી શાલ મોરારીબાપુને ભગવાન હનુમાનજીએ જાતે આપી છે. આ દંતકથા પ્રમાણે મોરારીબાપુની રામકથાથી ખુશ થયેલા રામભક્ત હનુમાનજી પોતે મોરારીબાપુ સામે પ્રગટ થયા હતા અને તેમને આ કાળી શાલ ભેટમાં આપી હતી. આ કાળી શાલે મોરારી બાપુનું નસીબ પલટી નાંખ્યું. મોરારી બાપુ સાથે આ શાલના માધ્યમથી ભગવાન હનુમાનજી હાજરાહજૂર છે તેથી મોરારી બાપુને સુખ, સિધ્ધી અને સંપન્નતા પ્રાપ્ત થયાં છે.


એક દંતકથા એવી પણ છે કે,  આ કાળી શાલ જૂનાગઢના સિધ્ધ એક સંતે મોરારી બાપુને આપી છે. ગિરનાર પર્વત પર સાધના કરતા આ સિધ્ધ સંત મોરારી બાપુની રામભક્તિથી ખુશ થયા તેથી તેમણે આ શાલ મોરારી બાપુને ભેટમાં આપી હતી. મોરારી બાપુ એ વખતે યુવાન હતા અને હજુ નવી નવી રામકથા કરતા હતા. આ કાળી શાલ મળતાં જ મોરારી બાપુનાં નસીબ ઉઘડી ગયાં. મોરારી બાપુની કથાઓમાં લોકોની ભીડ જામવા માંડી. બાપુ રામકથાકાર તરીકે સ્થાપિત થઈ ગયા.




શું કહે છે મોરારી બાપુ


જો કે મોરારી બાપુ આ બધી દંતકથાઓને ખોટી ગણાવે છે. મોરારી બાપુ આ કાળી શાલ ભગવાન હનુમાનજી કે કોઈ સિધ્ધ સંતે આપી હોવાનો સ્પષ્ટ ઈન્કાર કરે છે. મોરારી બાપુનું કહેવું છે કે, આ કાળી શાલની પાછળ કોઈ રહસ્ય નથી કે તેની સાથે  કોઈ પણ પ્રકારના ચમત્કાર પણ જોડાયેલા નથી. હું આ કાળી શાલ મારી અંગત પસંદગીના કારણે સાથે રાખું છું.  મને બાળપણથી કાળા રંગ વિશે ખાસ પ્રેમ રહ્યો છે. મને કાળો રંગ સૌથી વધારે ગમે છે તેથી જ હું આ શાલને ખભા પર રાખું છું. આ સિવાય કાળા રંગની શાલ રાખવા પાછળ કોઈ રહસ્ય નથી.


મોરારી બાપુ વરસોથી એક જ કાળી શાલ પોતાની સાથે રાખે છે એ માન્યતા પણ ખોટી છે. મોરારી બાપુ લોકોને પ્રેમથી કાળી શાલની ભેટ પણ આપે છે. રામકથા હોય ત્યારે સમાજના વિકાસમાં યોગદાન આપનારા લોકોને ' રામ'  લખેલી કાળી શાલ મોરારી બાપુ તરફથી ભેટમાં મોકલાય છે. કથામાં આવનારા ઘણા વિશિષ્ટ મહેમાનોનું પણ બાપુ ' રામ'  લખેલી કાળી શાલ સાથે સન્માન કરી ચૂક્યા છે.


મોરારી બાપુ વૈષ્ણવ પરંપરાને પાળતા પરિવારમાંથી આવે છે. આ કારણે તે શરૂઆતનાં વરસોમાં વૈષ્ણવ કથાકારો જેવાં સફેદ રંગનાં કપડાં પહેરતા હતા . એ વખતે તે પોતાની સાથે ' રામ'  લખેલી કાળી શાલ નહોતા રાખતા પણ કેટલાંક વરસો પછી તેમણે કાળી શાલ ધારણ કરવા માંડી. સફેદ વસ્ત્રો સાથે કાળી શાલ સારી શોભતી હતી. બાપુને કાળો રંગ પણ પસંદ હતો તેથી તેમણે કાયમ માટે કાળી શાલને અપનાવી લીધી.