Janmashtami 2024: જન્માષ્ટમીના તહેવારને લઈને સમગ્ર ભારતમાં ઉત્સાહ છે. આ હિંદુ ધર્મ (Hindu Dharm)નો એક વિશેષ અને પવિત્ર તહેવાર છે, જે દર વર્ષે  શ્રાવણ વદ આઠમના દિવસે ઉજવવામાં આવે છે.


એવી માન્યતા છે કે દ્વાપર યુગમાં આ તિથિ પર રાત્રે 12 વાગ્યે રોહિણી નક્ષત્રમાં શ્રી કૃષ્ણનો જન્મ મથુરા નગરીમાં કંસના કારાગૃહમાં થયો હતો. કૃષ્ણ દેવકીના આઠમા સંતાન હતા. દર વર્ષે જન્માષ્ટમીના તહેવારને કૃષ્ણ જન્મોત્સવ (Shri Krishna Janmotsav)  તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.


આ દિવસે મંદિરો અને ઘરોમાં ભજન અને કીર્તન કરવામાં આવે છે. મંદિરોને શણગારવામાં આવે છે, ઉપવાસ અને પૂજા કરવામાં આવે છે.  ઘણી જગ્યાએ મટકી ફોડનું પણ આયોજન કરવામા આવે છે. આવો જાણીએ કે આ વર્ષે 2024માં જન્માષ્ટમીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે.


કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે?  (Krishna Janmashtami 2024 Date)


આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી 26 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવશે. કારણ કે પંચાંગ અનુસાર, શ્રાવણ વદ આઠમ 26 ઓગસ્ટ સોમવારના રોજ સવારે 03:39 કલાકથી શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ બપોરે 02:19 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 26 ઓગસ્ટે જન્માષ્ટમી મનાવવામાં આવશે અને આ દિવસે ઉપવાસ અને પૂજા કરવામાં આવશે.


જન્માષ્ટમી પણ બે દિવસ મનાવવામાં આવે છે. વાસ્તવમાં સ્માર્ત અને વૈષ્ણવ સંપ્રદાયોમાં અલગ-અલગ તિથિઓને કારણે જન્માષ્ટમી અલગ-અલગ ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીની પ્રથમ તિથિ પર સ્માર્ત સંપ્રદાય અને બીજી તિથિ પર વૈષ્ણવ સંપ્રદાય પૂજા કરે છે.


આ વર્ષે જન્માષ્ટમી પર જયંતિ યોગ


આ વર્ષે જન્માષ્ટમીના દિવસે એટલે કે 26 ઓગસ્ટ 2024ના દિવસે શુભ યોગની સાથે જયંતિ યોગ પણ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે યોગ દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણના જન્મ સમયે રચાયો હતો તે જ યોગ આ વર્ષે જન્માષ્ટમી પર પણ બની રહ્યો છે. જ્યોતિષમાં તેને જન્માષ્ટમી જયંતિ યોગ કહેવામાં આવે છે.


ધાર્મિક માન્યતાઓ અનુસાર દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણના જન્મ સમયે આઠમ રોહિણી નક્ષત્રમાં આવી હતી. ચંદ્ર વૃષભ રાશિમાં હતો. આ વર્ષે પણ જન્માષ્ટમી પર ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. રોહિણી નક્ષત્ર 26 ઓગસ્ટે બપોરે 3:55 વાગ્યાથી બીજા દિવસે બપોરે 3:38 વાગ્યા સુધી રહેશે.


સર્વાર્થ સિદ્ધિ યોગ પણ હશે. જન્માષ્ટમીના દિવસે બાળ ગોપાલની પૂજા કરવાનો શુભ સમય 26 ઓગસ્ટના રોજ મોડી રાત્રે 12:01 થી 12:45 સુધીનો છે. એવામાં જન્માષ્ટમી પૂજા માટે માત્ર 45 મિનિટનો સમય રહેશે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.