Tulsi Upay: હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. તુલસી માતા લક્ષ્મીનું સ્વરૂપ હોવાની માન્યતા છે. દરેક હિન્દુના ઘરમાં તુલસીનો છોડ જરૂર હશે. તુલસીનો છોડ પૂજનીય છે. નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી અને તેને જળ અર્પણ કરવાથી વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા થતી હોવાનું કહેવાય છે. ઉપરાંત સમસ્ત દુખોનો નાશ થાય છે અને મૃત્યુ બાદ વ્યક્તિને સદગતિ પ્રાપ્ત થાય છે.


એવું કહેવાય છે કે તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. નિયમિત રીતે તુલસીની પૂજા અને દેખભાળ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશી આવે છે. તુલસીને જળ અર્પણ કરવાના અનેક ફાયદા છે. તુલસીના પાણી સાથે જોડાયેલા કેટલાક વિશેષ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ઉપરાંત નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થાય છે.


ઠાકોરજીને તુલસી પાણીથી કરાવો સ્નાન


ભગવાન શ્રીકૃષ્ણને તુલસી અત્યંત પ્રિય છે. તેથી કહેવાય છે કે જો ઠાકોરજી એટલે કે કાનાને તુલસીના પાણીથી સ્નાન કરાવવાથી તે પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. જો તમે પણ ભગવાન શ્રીકૃષ્ણની કૃપા મેળવવા ઈચ્છતા હો તો તુલસીવાળા પાનની સ્નાન કરાવો.


ઘરમાં તુલસી જળ છાંટો


તુલસીના પવિત્ર પાનને પાણીમાં રાખીને સવારે પૂજા બાદ આ પાણીનો ઘરમાં છંટકાવ કરો. ઘરનો કોઈપણ ખૂણો તુલસી જળથી વંચિત ન રહેવો જોઈએ. આમ કરવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાંથી ભાગી જતી હોવાની અને સકારાત્મક શક્તિઓનો વાસ થતો હોવાની માન્યતા છે.


લાંબી બીમારીથી મળશે મુક્તિ


જો પરિવારના કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર હોય તો તેના પર તુલસીના પાણીનો છંટકાવ કરવો જોઈએ. સવાર-સાંજ પૂજા બાદ આવું એક સપ્તાહ સુધી કરો. આમ કરવાથી શરીરમાં ઘૂસેલી અસાધ્ય બીમારી દૂર થવા લાગશે અને વ્યક્તિ ધીમે ધીમે સ્વસ્થ થશે.


નોકરી-ધંધામાં થશે પ્રગતિ


જો સતત મહેનત બાદ પણ નોકરી કે ધંધામાં પ્રગતિ ન થતી હોય તો તુલસીના પાનને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળીને રાખો. જે બાદ આ પાણીનો છંટકાવ સવાર-સાંજ પૂજા બાદ ઓફિસ કે ઘરમાં કરો. તેનાથી કારોબારમાં પ્રગતિનો માર્ગ ખૂલે છે. ઉપરાંત નોકરીવાળી જગ્યા પર પણ આ પાણીના છંટકાવથી પ્રગતિ થાય છે.


ડિસ્ક્લેમરઃ ઉપર આપેલી માહિતી માત્ર માન્યતા અને જાણકારી આધારિત છે. એબીપી ન્યૂઝ આવી કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ લો.