Makar Sankranti 2024 LIVE: PM મોદીએ પાઠવી ઉત્તરાયણની શુભકામના, કહી આ વાત

Uttrayan 2024: પંતગ રસિકો વર્ષભર ઉત્તરાયણની પ્રતિક્ષા કરતા હોય છે. પતંગબાજી ત્યારે જ શક્ય બને છે જ્યારે પવનની ગતિ અનુકૂળ હોય.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 14 Jan 2024 10:17 AM
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચગાવ્યો પતંગ..

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાભર લોકનિકેતન સંસ્થા ખાતે વિદ્યાર્થીઓ સાથે પતંગ ચગાવ્યો હતો. તેમણે ઉત્તરાયણ  નિમિત્તે ખીલદીલીથી પતંગ ચગાવવા લોકોને અપીલ કરી હતી. જે બાદ કહ્યું, જે માહિર હોય તે લોકોની પતંગ ના કપાય, પતંગ કાપવો અને કપાવો તેની પાછળ ઘણા બધા મર્મ છે.. જેની વારંવાર પતંગ કપાય તેને પણ શીખવાની જરૂર છે. કોઈ લોકો ગેમ રમી પતંગ કાપતા હોય તો તેમને પણ ખીલદિલીની ભાવના રાખવી જોઈએ. ઉતરાયણના પર્વની સૌને શુભકામનાઓ.

અમિત શાહે પણ પાઠવી શુભકામના

ઉત્તરાયણના પર્વને લઈ અમિત શાહે શુભકામના પાઠવતાં લખ્યું, ઉત્તરાયણના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ. આ પાવન પર્વ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે.





અમદાવાદમાં ઊંધિયું માટે લાંબી લાંબી કતારો લાગી

 સ્વાદ રસિકો ગુજરાતીઓ ઉતરાયણના દિવસે લાખો રૂપિયાનું ઊંધિયું ખાઈ જતા હોય છે જોકે વહેલી સવારથી જ અમદાવાદમાં ઊંધિયું માટે લાંબી લાંબી કતારો લાગી ગઈ છે.. ઉતરાયણ ના દિવસે ચટાકેદાર મસાલેદાર ટેસ્ટી ઊંધિયું તેમજ જલેબી ખાઈને કરતા હોય છે.. ઊંધિયાની કિંમત 260 રૂપિયાથી બારસો રૂપિયા સુધીનું માર્કેટમાં મળી રહ્યો છે જેમાં સુરતી ઊંધિયું, લીલું ઊંધિયું તેમજ જૈન ઊંધિયું નો સમાવેશ થાય છે અને ઊંધિયા વગર આ ઉતરાયણ ગુજરાતીઓ માટે તો અધૂરી જ માનવામાં આવે છે.

મકરસંક્રાતિના દિવસે સ્વચ્છતા ઝુંબેશમાં મુખ્યમંત્રી જોડાયા

મકરસંક્રાતિના દિવસે સ્વચ્છતા ઝુંબેશમાં મુખ્યમંત્રી જોડાયા હતા. ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈમાં મુખ્યમંત્રી સહભાગી બન્યા હતા. અગાઉ પણ અનેક વખત સફાઈ માટે મુખ્યમંત્રી સહભાગી બની ચૂક્યા છે.

અપક્ષ ધારાસભ્ય એવા ધવલ સિંહ ઝાલાએ ચગાવી પતંગ

અપક્ષ ધારાસભ્ય ધવલ સિંહ ઝાલા વહેલી સવાર થી જ ઉતરાયણ ની મસ્તીના  રંગમાં રંગાયેલા નજરે પડ્યા. અપક્ષ તરીકે જીતેલા ધવલ સિંહ પરોક્ષ રીતે બીજેપીનાં  ભગવા રંગથી પહેલેથીજ રંગાઈ ચૂક્યા છે. આજે વહેલી સવારથી જ ધવલ સિંહ પાડોશીઓ સાથે પેચ લગાવ્યા હતા અને પતંગ કાપવામાં મસ્ત હતા.

રાજકોટમાં ઉતરાયણ પર્વ ઉપર માટલા ઊંધિયુ, શુદ્ધ  ઘી ની જલેબી નું ધૂમ વેચાણ..

રાજકોટમાં ઊંધિયું લેવા માટે લોકોને જબરજસ્ત ભીડ જોવા મળી રહી છે. ઉતરાયણ પર્વ ઉપર માટલા ઊંધિયુ, શુદ્ધ  ઘી ની જલેબીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જદરિયું, રાજભોગ મઠો, પંચરત્ન હલવો, ખીચડો, પડવાળી રોટલી સહિતની વસ્તુઓ આરોગવાનો મહિમા છે. ગામડામાં ઊંધિયું અને ખીચડો ખાવાની અનેરી પરંપરા છે તો રાજકોટવાસીઓ ખીચડો અને ઊંધિયું સાથે જલેબી મનભરી ને માણી રહ્યા છે. શહેરમાં ઠેર ઠેર તૈયાર ઊંધિયું અને ખીચડો ખાવા માટે સ્ટોલ નાખવામાં આવ્યા છે.

મકરસંક્રાંતિના તહેવારને લઈને સુરતમાં પોલીસ કમિશનરનું જાહેરનામું

મકરસંક્રાંતિના તહેવારને લઈને સુરતમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. સુરતમાં આવેલા 100થી વધુ બ્રિજ ઉપર પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. ટુ વ્હીલ ચાલકોને આજે અને આવતીકાલે બે દિવસ બ્રિજ પરથી પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  તહેવાર સમયે કોઈ દુર્ઘટના ન બને  તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.

સુરતી ઉધિયા માટે વહેલી સવારથી લાઈનો

સુરતમાં ઉધિયા માટે વહેલી સવારથી લાઈનો લાગી છે. ઉંધીયાનો કિલોનો ભાવ રૂ 400 છે, પાછલા વર્ષે કિલોનો ભાવ 360 રૂપિયા હતો. શાકભાજી મોંઘા થતા ભાવ વધારો કરવામાં આવ્યો છે.  રાજકોટ, વડોદરા , દુબઈ પણ ઉંધિયું મોકલવામા આવ્યું છે.

વલસાડમાં પતંગ ચગાવતા 6 વર્ષના બાળકનું મોત

વલસાડમાં પતંગ ચગાવતા 6 વર્ષીય બાળકનું મોત થયું છે. શહેરના ખાટકીવાડ વિસ્તારમાં આવેલા ખુશ્બુ એપાર્ટમેન્ટમાં પરવેઝ શેખ નામનો 6 વર્ષીય બાળક પતંગ ચગાવતા ધાબા પર થી નીચે પટકાયો હતો. જે બાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. બાળકના મોતના પગલે પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

સી.આર,પાટીલે શું લખ્યું

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે લખ્યું, મકર સંક્રાંતિનો ઉગતો સૂર્ય આપ સૌનાં જીવનમાં નવી આશા, નવો ઉત્સાહ, નવો ઉમંગ લઇને આવે, આપ સૌ સફળતા, સુખાકારીની નવી ઉંચાઇઓને સ્પર્શો, આભ જેવી વિશાળતાને પામો એવી મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ !

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પાઠવી શુભેચ્છા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉત્તરાયણની શુભકામના પાઠવી છે. તેમણે લખ્યું, આપ સૌને મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્‍છાઓ. પ્રકૃતિ સાથે અનુસંધાનના આ પર્વે ભગવાન સૂર્યનારાયણ સૌના જીવનમાં વિકાસની ઉર્ધ્વગતિ લાવે અને અને સુખ, શાંતિ, સમૃદ્ધિની નવી ઊર્જાનો સંચાર કરે એ જ પ્રાર્થના.

પીએમ મોદીએ પાઠવી ઉત્તરાયણની શુભકામના

પીએમ મોદીએ ઉત્તરાયણની શુભકામના પાઠવતાં સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, આ ઉત્તરાયણનું પર્વ આપ સર્વેના જીવનમાં નવી તકો અને નવી સંભાવનાઓના દ્વારા ખોલે તેમજ આપના સપનાઓને વાસ્તવિકતમાં પરિવર્તિત કરવામાં મદદ કરે એજ અભ્યર્થના સાથે અનેક અનેક શુભકામનાઓ.

તલના તેલથી માલીશ કરવાનો છે મહિમા

આ દિવસે તલના તેલથી માલીશ કરવાનું માહાત્મ્ય છે. તલના તેલની માલિશ કરી સૂર્યપ્રકાશ લઈ સ્નાન કરવાથી વર્ષ પર્યંત આરોગ્ય સ્વસ્થ રહે છે. આ દિવસે તલ કે તલના તેલને સૂર્યપ્રકાશમાં તપાવી તેનો ઉપયોગ શરીરની માલિશ કે ભોજન ના ઉપયોગ માં લેવાથી શરીરના દુખાવા કે સંધિવા કે સાંધાના રોગો શાંત થાય છે અને તંદુરસ્તી પ્રાપ્ત થાય છે.

ગુજરાત કોંગ્રેસે પાઠવી મકરસંક્રાંતિની શુભકામના

મકરસંક્રાંતિને લઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા શુભકામના પાઠવવામાં આવી છે. સોશિયલ મીડિયા એકસ પર પોસ્ટ કરીને લખવામાં આવ્યું છે, સુખ,શાંતિ તથા સમૃદ્ધિની મંગલકમનાઓ સાથે,આપ સૌને ભગવાન સૂર્યનારાયણની આરાધના ના પાવન પર્વ મકરસંક્રાંતિ ની હાર્દિક શુભકામનાઓ.

હરિદ્વારમાં શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી

મકર સંક્રાંતિના પર્વને લઈ હરિદ્વારમાં શ્રદ્ધાળુઓએ વહેલી સવારે પવિત્ર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો શેર કરવા માં આવ્યો છે.





અમદાવાદના ઠક્કરનગરમાં ચાઇનીઝ દોરી જાહેરમાં વેચતો યુવક ઝડપાયો

અમદાવાદમાં કૃષ્ણનગર પોલીસે ચોક્કસ બાતમી આધારે ઠક્કરનગર કલાસાગર કોમ્પલેક્ષ  આગળ જાહેરમાં એક શખ્સ ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેને લઇને પોલીસે વોચ ગોઠવી હતી  અને ઠક્કનગરમાં રહેતા યુવકને પકડવા જતાં તે પોલીસને જોઇને ભાગતાં પોલીસે પીછો કરીને કોર્ડન કરીને તેને ઝડપી પાડયો હતો. તેની તલાસી લેતાં થેલીમાંથી ચાઇનીઝ દોરીનું ટેલર મળી આવ્યું હતું.

મકરસંક્રાંતિ પર આ 5 વસ્તુઓનું દાન કરો

મકરસંક્રાંતિના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને તલ, ગોળ, ખીચડી, ધાબળા અને ચોખાનું દાન કરો. આનાથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે અને તેમને આશીર્વાદ આપે છે.

મકરસંક્રાંતિ પર સૂર્યદેવની પૂજા કરવાનો મંત્ર

ॐ ह्रीं ह्रीं सूर्याय नमः


ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ ।


ॐ घृणिं सूर्य्य: आदित्य:


ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घ्य दिवाकर:।


ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणाय मनोवांछित फलम् देहि देहि स्वाहा।

અમદાવાદ, સુરેન્દ્રનગરમાં મોડી રાત સુધી પતંગ-દોરીની ખરીદી

ઉત્તરાયણને લઈ અમદાવાદ, સુરેન્દ્રનગર સહિત અનેક શહેરોમાં પતંગ રસિયાઓ એ મોડી રાત સુધી પતંગ દોરાની ખરીદી કરી હતી.  નાગરિકોએ પરીવાર સાથે મોડી રાત સુધી પતંગ દોરાની ખરીદી કરવા નીકળ્યા હતા, જેને લઈ ઘણી જગ્યાએ ટ્રાફિક જામ સર્જાયો હતો.

અમિત શાહ અહીં મનાવશે ઉત્તરાયણ

કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગરના સાંસદ અમિત શાહ રવિવારે ઉત્તરાયણ પર્વની ઉજવણી ગાંધીનગર ખાતે કરશે. તેઓ વાવોલ વિસ્તારમાં વૈદેહી-3 સોસાયટી ખાતે ભાજપના સ્થાનિક નેતાઓ સાથે પતંગ ઉડાવશે. સ્થાનિક રહિશો અને ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં તેમની સાથે જોડાશે. ગાંધીનગરના સાંસદ અમિત શાહ પોતાના મત વિસ્તાર પ્રત્યે ખાસ સક્રિય છે અને અવારનવાર તેઓ મત વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે સાથે વિકાસ કામો મામલે અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા પણ કરતા હોય છે. વાયબ્રન્ટ સમિટના સમાપન પ્રસંગે ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહ ઉત્તરાયણ પર્વ સુધી અમદાવાદ રોકાવાના છે. તે દરમિયાન તેઓ ગાંધીનગરમાં પણ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે આવશે. રવિવારે સવારે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા બાદ તેઓ અમદાવાદ વેજલપુર ખાતે ઉત્તરાયણ મહોત્સવમાં હાજરી આપશે. બપોરે 4 કલાકે તેઓ વાવોલ વૈદેહી-3 સોસાયટી ખાતે સ્થાનિક નેતાઓ અને રહિશો સાથે ઉત્તરાયણ મનાવવા આવી પહોંચશે. તેઓ એક કલાક સુધી વાવોલ રોકાશે તે પછી અમદાવાદ પરત ફરશે. ઉલ્લેખનીય છે કે અમિત શાહે ગત વર્ષે કલોલ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ વખતે તેઓ વાવોલમાં ઉત્તરાયણ મનાવશે.

બ્રેકગ્રાઉન્ડ

Makar Sankranti 2024: પતંગરસીકો માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર આગામી 14 જાન્યુઆરીના દિવસે પવનદેવ મહેરબાન રહેશે. એ દિવસે ઉત્તર ઉત્તર -પૂર્વ તરફનાં પવન ફૂંકાશે. જ્યારે પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેશે.


અંબાલાલ પટેલના અનુમાન મુજબ મકરસંક્રાંતિના સમયે પવનની ગતિ સારી રહેશે. પતંગ રસિયા માટે સારા સમાચાર છે કે, 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. પંતગ રસિકો વર્ષભર ઉત્તરાયણની પ્રતિક્ષા કરતા હોય છે. પતંગબાજી ત્યારે જ શક્ય બને છે જ્યારે પવનની ગતિ અનુકૂળ હોય ત્યારે આ અવસરે હવામાન નિષ્ણાંત અંબાલાલે પવનની ગતિને લઇને મહત્વની આગાહી કરી છે, પતંગ રસિકો માટે સારા સમાચાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલના અનુમાન મુજબ આગામી 14 અને 15 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ અને વાસી ઉતરાણમાં પવનની ગતિ સારી રહેશે. મકરસંક્રાતિના અવસરે 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિમાં થોડા ઘટાડો થઇ શકે છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.