Nag Panchmi 2022: હિંદુ ધર્મમાં નાગપંચમીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ દિવસે લોકો ભગવાન શિવની સાથે સાથે નાગ દેવતાની પણ પૂજા કરે છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે નાગ પંચમીનો તહેવાર શ્રાવણ વદ પાંચમ, તા. 16 ઓગસ્ટ, 2022ને મંગળવારે છે. એવું માનવામાં આવે છે કે નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી કાલ સર્પ દોષ અને રાહુ કેતુના ખરાબ પ્રભાવથી મુક્તિ મળે છે. શ્રાવણ મહિનાની સાથે સાથે ભગવાન શિવને નાગ પણ ખૂબ પ્રિય છે. આ મહિનામાં શિવની પૂજા કરવાથી નાગ દેવતાની પણ પૂજા થાય છે. તેનાથી ભગવાન શિવના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.


મહાદેવના ગળામાં વીંટળાયેલા રહે છે નાગરાજ વાસુકી


દેવોના દેવ ભગવાન મહાદેવનું સ્વરૂપ અન્ય તમામ દેવતાઓથી સંપૂર્ણપણે અલગ છે. ભગવાન શિવના માથા પર ચંદ્ર, હાથમાં ત્રિશુલ અને ડમરુ, વાળમાં ગંગા, શરીરમાં ભભૂતિ અને ગળામાં સાપ છે. પરંતુ આ બધા પાછળ ચોક્કસ કોઈ રહસ્ય છે. નાગરાજ વાસુકીને વીંટળાયેલા હોવાની દંતકથા છે.


શું છે દંતકથા


દંતકથા અનુસાર, સર્પોનો રાજા વાસુકી તેના સંબંધીઓ અને પરિવાર સાથે પાતાળ લોકમાં રહેતો હતો. ભગવાન શિવના અનન્ય ભક્ત વાસુકી  તેમની પૂજામાં લીન રહેતા હતા. એવી ધાર્મિક માન્યતા છે કે શિવલિંગની પૂજા નાગ જાતિ દ્વારા જ કરવામાં આવતી હતી.


સાગર મંથન સમયે નાગરાજ વાસુકીએ મેરુ પર્વતને પકડીને દોરડાનું કામ કર્યું હતું. એક તરફ દાવન અને એક બાજુ દેવતાઓ તેમને પકડીને ખેંચી રહ્યા હતા. આ દરમિયાન નાગરાજ ગંભીર રીતે ઘાયલ થયા હતો. ભગવાન શિવ વિશ્વના કલ્યાણ માટે સમુદ્ર મંથનના કાર્યમાં તેમના અનુપમ સહયોગથી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમની ગરદનને સુંદર બનાવવાનું વરદાન આપ્યું.  ત્યારથી નાગરાજ વાસુકી ભગવાન શિવના ગળામાં બિરાજમાન થઈને તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. બીજી તરફ નાગરાજ વાસુકીના ભાઈ શેષનાગ ભગવાન વિષ્ણુની શૈયાના રૂપમાં હાજર છે.


નાગપંચમીના દિવસે સાપની પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થઈને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે અને તેમને ઈચ્છિત ફળ મેળવવાનું વરદાન આપે છે.


Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.