દેવી ભાગવતમાં નવાર્ણ મંત્રને અમોઘ ફળ આપતો ચમત્કારીક મંત્ર યંત્ર પ્રયોગ કહ્યો છે. આ અંગે વધુ માહિતી આપતા ગુજરાતના જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે આ મંત્ર યંત્ર આકારમાં દરેક અંબાજી માતાના ફોટાની નીચે હોય જ છે પરંતુ આ કેમ હોય છે તેનું રહસ્ય કોઈ જાણતું નથી. આ મંત્રનો મહિમા અપરંપાર છે. આ અમોઘ મંત્રથી દેવીની સાધના પૂર્વ કાળમાં અનેક દેવતાઓએ અનેક રાજાઓએ અને અનેક ઋષિમુનિઓએ કરી હતી અને માં શક્તિને પ્રસન્ન કર્યા છે અને મનોકામના અનુસાર શીઘ્ર ફળની પ્રાપ્તિ કરી છે. માટે આ મંત્રને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ મંત્રની ઉપાસનામાં એક યંત્રનો ઉપયોગ કરવો અનિવાર્ય બની જાય છે જે યંત્ર ને નવાર્ણયંત્ર ગણવામાં આવે છે.
નવાર્ણ મંત્ર ( નવ અક્ષર થી બન્યો છે માટે તેને આ નામ મળ્યું છે)
ઐં હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્યે
દેવી ભાગવતમાં ઉલ્લેખ અનુસાર આ મંત્ર ને રચનાર ઋષિ સ્વયમ્ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે. આ મહાન મંત્ર ત્રણ મહાદેવીના મહાન બીજ મંત્રોને એક સાથે મિલાવી આ મહામંત્ર બન્યો છે જેનાથી રચાયેલા નવાર્ણ યંત્ર જે ત્રણ મહા દેવી લક્ષ્મી સરસ્વતી અને માં કાલી ની ચેતનાનું દિવ્ય સ્વરૂપ ગણાય છે. આ માટે નવાર્ણ યંત્રનું નવરાત્રિમાં સ્થાપન કરી નવરાત્રિ પૂજન કરાય તો તે ધન-ધાન્ય સુખ-સમૃદ્ધિ આયુષ્ય આરોગ્ય ,રક્ષણ સ્વર્ગ મોક્ષ તેમજ સંતતિ સંપત્તિ અને સૌભાગ્ય આપનારું છે અનેક લોકોની મનોકામના આ મહાન મંત્ર એ પૂર્ણ કરી છે.
નવાર્ણ મંત્ર અનુષ્ઠાન વિધિ માટે
શુભ મુહૂર્તમાં શરૂ કરવી જેમાં આપણે માતાજીનું ઘટ સ્થાપના કે કુંભ સ્થાપના કરીએ તેજ મુહર્તમાં આ યંત્રનું વિધિ સહિત સ્થાપન કરવું
મહા મંત્ર :
ઐં હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્યે
આ મહાન મંત્રની વિધિ અનુસાર એકમનાથી નવરાત્રિ ઉપવાસ રાખવાનો સંકલ્પ કરી શુભ મુહૂર્તમાં સ્નાનાદિકાર્યથી ઘરના પૂજાસ્થાનમાં માતાજીનું ધ્યાન કરી આહવાન કરો તેમનું સ્થાપન કરતા હોય તેવા પાવિત્ર ભાવથી શ્વેત કાગળ પર લાલ સહિથી અથવા કુમકુમ કે હળદરથી આ પ્રમાણે યંત્ર બનાવવુ.
ત્યારબાદ ૧ થી ૯ અંક માં આ નવ અક્ષરો લખી (ઐં હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્યે ) ત્યારબાદ તેનું બાજોઠ પર ભાવથી સ્થાપન કરવું. આ સાથે કળશ તેમજ દિપ સ્થાપન કરવું. ઘરની પૂજામાં અક્ષત કુમકુમ તિલક પુષ્પ અને પ્રસાદ ધરાવવો સ્થાપન સમયે ફ્રુટ અને સુકામેવા પણ મુકવા ત્યારબાદ થાળ આરતી કરી આનંદથી માતાજીનું પૂજન કરવું. ત્યારબાદ નિયમિત નવરાત્રિ પરિયંત રોજ માતાજીના સંપૂર્ણ આશીર્વાદ બની રહે તેવી કામનાથી નિયમિત ૩,૬, કે ૯ માળા પૈકી પોતાના સંકલ્પ મુજબ કરવી. આ પ્રમાણે નવાર્ણ મંત્ર યુક્ત યંત્રનું સ્થાપન કરવું ત્યાર બાદ નિત્ય નિયમિત ૯ દિવસ પૂજન કરવું ધૂપ દીપ કરવા પુષ્પ અર્પણ કરવા અને નિયમ પ્રમાણે મંત્રની માળા પણ યંત્ર સામે જોઈ ને કરવી જે અક્ષર બોલો ત્યારે તે અક્ષરના ખાના તરફ ધ્યાન કરવું આ પ્રમાણે વિધિ પૂર્વક નવરાત્રિ દરમિયાન પૂજા કરવી.
ઉપરોક્ત રીતે પૂજા કરવાથી માં જગદંબાની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. જેના ફળ સ્વરૂપે સમગ્ર પરિવારને સુખ સંપત્તિ સંતતિ અને ઐશ્વર્ય આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને અનેક પ્રકારની આપત્તિઓ સામે રક્ષણ મળે છે. નવરાત્રિ નવ દિવસના પૂજન બાદ આ યંત્ર ને ફ્રેમમાં મઢાવી પોતાના ધર ઓફિસ કે ફેકટરી જ્યાં પણ આપણી ઈચ્છા હોય ત્યાં પૂજા રૂમમાં રાખી નિયમિત ધૂપ દીપથી પૂજન કરવાથી આ મહાન યંત્રના પ્રભાવ મુજબ વર્ષ દરમિયાન આપત્તિ સમયે રક્ષણ થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તમામ પ્રકારની મનોકામના પૂરી થાય છે.
આમ નવરાત્રિ વ્રત પૂર્ણ થયા બાદમાં દેવી સિદ્ધિદાત્રી પાસે નવરાત્રિ અનુષ્ઠાન પૂર્ણ કરી સ્થાપનનું વિસર્જન કરતા પહેલા આશીર્વાદ મંગાય છે અને કહેવાય છે કે માં સિદ્ધિદાત્રી નવરાત્રિ ઉપાસનાનું ભક્તિ અનુસાર ફળ જાતકોને આપે છે અને નવરાત્રિ કરનારની મનોકામના પૂર્ણ કરે છે.
આસો સુદ દશમ દશેરા ૨૪ ઓક્ટોબરે મંગળવારે દશેરા ઉજવાશે - (જ્યોતિષી ચેતનપટેલ)
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.