Navratri 2023, Hinglaj Mata Mandir:  શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટે છે. દરમિયાન દેવીની 51 શક્તિપીઠોમાં એક અલગ જ રોનક જોવા મળે છે.


નવરાત્રિનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં પ્રથમ શક્તિપીઠ બન્યું હતું. આવો જાણીએ આ કયું મંદિર છે અને તેનો ઈતિહાસ શું છે.


હિંગળાજ શક્તિપીઠ પાકિસ્તાનમાં છે


પાકિસ્તાનમાં માતા હિંગળાજનું એક સિદ્ધ પીઠ છે. તેને 51 શક્તિપીઠોમાં પ્રથમ સ્થાન મળ્યું છે. હિંગળાજ માતાનું મંદિર પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં હિંગોલ નદીના કિનારે અઘોર પર્વત પર આવેલું છે. આ વિસ્તાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર છે. અહીં એક નાની ગુફામાં એક શિલાના રૂપમાં હિંગળાજ માતાની પૂજા કરવામાં આવે છે. હિંગળાજને હિંગુલા પણ કહેવાય છે અને કોટારી શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે.


મુસ્લિમો માતા હિંગળાજને માને છે નાનીનું ઘર


હિંદુઓ તેને શક્તિપીઠ માને છે અને મુસ્લિમો ‘નાની બીબીની હજ’ કે પીરગાર તરીકે માને છે. પાકિસ્તાનના મુસ્લિમો પણ હિંગળાજ માતામાં આસ્થા ધરાવે છે અને મંદિરને સુરક્ષા આપે છે. તેઓ આ મંદિરને નાનીનું ઘર કહે છે. મંદિરની મેનેજમેન્ટ કમિટીમાં હિન્દુ અને મુસ્લિમ બંને છે.


પ્રથમ શક્તિપીઠનું નિર્માણ કેવી રીતે થયું?


ધાર્મિક માન્યતા છે કે સત્યયુગમાં જ્યારે દેવી સતીએ પોતાનું શરીર અગ્નિકુંડને સમર્પિત કરી દીધું તો ભગવાન શિવે સતીના શરીર સાથે તાંડવ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન શિવને શાંત કરવા માટે તેમના સુદર્શન ચક્રથી સતીના શરીરના 51 ટુકડા કરી દીધા. એવું કહેવાય છે કે આ ટુકડા જ્યાં-જ્યાં પડ્યા, તે 51 જગ્યાઓ દેવી શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ટુકડાઓમાંથી સતીના શરીરનો પહેલો હિસ્સો એટલે કે માથું પાકિસ્તાનમાં અઘોર પર્વત પર પડ્યો હતો. આ રીતે અહીં પ્રથમ શક્તિપીઠની રચના થઈ હતી.


માતાનું નામ ‘હિંગળાજ’ કેવી રીતે પડ્યું


પૌરાણિક કથા અનુસાર, અહી હિંગોલ નામની આદિજાતિ શાસન કરતી હતી. હિંગોલ એક બહાદુર રાજા હતો પરંતુ તેના દરબારીઓ તેને પસંદ કરતા ન હતા. રાજાના મંત્રીએ રાજાને ઘણા ખરાબ વ્યસનોની લત લગાવી દીધી હતી જેના કારણે આદિજાતિના લોકો પરેશાન થઈ ગયા. પછી તેમણે રાજાને સુધારવા માટે દેવીને પ્રાર્થના કરી. માતાએ તેમની પ્રાર્થના સાંભળી. આ રીતે કબિલાની પ્રતિષ્ઠા અકબંધ રહી અને ત્યારથી દેવી હિંગળાજ માતાના નામથી ઓળખાવા લાગ્યા હતા.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP Asmita કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મુકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.