Bhim Agiyaras:  જેઠ સુદ અગિયારસને નિર્જળા એકાદશી અથવા ભીમ અગિયારસ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે 12 અથવા સમગ્ર વર્ષની એકાદશીનું ફળ આ ભીમ અગિયારસ કરવાથી મળે છે. આ તિથિ સાથે પાંચ પાંડવમાંના એક, ભીમની કથા જોડાયેલી છે અને ભીમે આ એકાદશીનું વ્રત કર્યુ હોવાથી તેને ભીમ એકાદશી કહેવાય છે. આ વર્ષે સ્માર્ત નિર્જળા(ભીમ) અગિયારસ તા. 31 મેનાં રોજ છે.


ખેડૂતો માટે વાવણી કરવાનો ઉત્તમ દિવસ


સૌપ્રથમ તો ગુજરાતમાં આ ભીમ અગિયારસ સાથે જે પરંપરા-લોકવાયકા પ્રવર્તે છે, તે અંગે જાણીએ કે અનેક સ્થાનોએ આ તિથિને ખેડૂતો માટે વાવણી કરવાનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે.  તો કેટલાક સ્થાનો એ ભીમ અગિયારસના દિવસે ખેતીનું વર્ષ સારૂ જશે કે નબળુ તેનો ચિતાર મેળવવાની પ્રાચીન પરંપરા છે. સૌરાષ્ટ્રમાં અનેક લોકો આ દિવસથી કેરી ખાવાનો ત્યાગ કરે છે પરંતુ અગિયારસનાં દિવસે તેનો ઉપયોગ પણ કરતાં હોય છે.


આવી છે પૌરાણિક માન્યતા


જ્યારે પૌરાણિક માન્યતા અનુસાર હવે પાંચ પાંડવમાંના એક, કુંતી પુત્ર એવા ભીમસેનની અંગેની વિગતો એવી છે કે વૃકોદરનાં ઉપનામથી જાણીતા, ભીમ વાયુના સંયોગથી કુંતીના ગર્ભમાં ઉત્પન્ન થયા હતા. તે યુધિષ્ઠિરથી નાના અને અર્જુનથી મોટા હતા. ભીમ વીર અને બળવાન હતા. કહેવાય છે કે, જન્મ સમયે જ્યારે તે માતાનાં ખોળામાંથી પડ્યાત્યારે પથ્થરના ટુકડે ટુકડા થઈ ગયા હતા. ભીમ અને દુર્યોધનનો જન્મ એક જ દિવસે થયો હતો. ભીમ ગમે તેટલો ખોરાક ખાય તોપણ તે પચાવી શકતા હોવાથી તેમને બહુ બળવાન અને ગદાયુદ્ધમાં પારંગત જોઇ દુર્યોધનને ઈર્ષ્યા આવી. જેને લીધે એક વાર ભીમને વિષ ખવરાવી દીધું હતું અને તે બેભાન થઈ જતાં તેને લતા વગેરેથી બાંધી પાણીમાં ફેંકી દીધા. પાણીમાં સર્પો કરડવાથી તેનું પહેલું ઝેર ઊતરી ગયું અને નાગરાજે તેને અમૃત પાઈને અને તેનામાં દશ હજાર હાથીનું બળ ઉત્પન્ન કરાવીને તેને ઘેર મોકલી દીધો હતો. ઘેર આવી તેણે દુર્યોધનની દુષ્ટતાની બધી હકીકત બધાને કહી. પણ યુધિષ્ઠિરે આ વાત કોઈને નહી કહેવા ભીમને સૂચવ્યું તથા પોતાના પ્રાણની રક્ષા માટે દુર્યોધનથી સદા ચેતતા રહેવા જણાવ્યું.


ત્યારબાદ સમય જતાં ફરીથી કર્ણ અને શકુનિની મદદથી દુર્યોધને ભીમને મારવા વિચાર કર્યો, પણ તેમાં તે સફળ ન થયો. ત્યારબાદ દુર્યોધને લાક્ષાગારમાં પાંડવોને સળગાવી મૂકવાનો પ્રયત્ન કર્યો માતા અને ભાઈઓને ભીમ સાથે લઈ ત્યાંથી ચાલી નીકળ્યા હતા. જંગલમાં જતાં હિંડિંબની બહેન હિડિંબા તેના ઉપર આસક્ત થઈ. તે વખતે તેમણે યુદ્ધમાં હિડિંબને માર્યો અને ભાઈ તથા માતાની આજ્ઞાથી તેણે હિંડિંબા સાથે લગ્ન કર્યાં. તેના ગર્ભથી તેને ઘટોત્કચ નામનો પુત્ર થયો હતો. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ સમયે તે પૂર્વ તરફ બંગદેશ સુધી દિગ્વિજય માટે ગયા હતા અને અનેક દેશ તથા રાજા ઉપર વિજય મેળવ્યો હતો.


જ્યારે દુર્યોધને જુગારમાં દ્રૌપદીને જીતી અને ભરી સભામાં તેનું અપમાન કર્યું તેમ જ તેને પોતાની જાંઘ ઉપર બેસાડવા ઇચ્છ્યું. તે વખતે ભીમે પ્રતિજ્ઞા કરી હતી કે, હું દુર્યોધનની તે જાંઘ તોડી નાખીશ અને દુ:શાસન સાથે લડી તેનું રક્તપાન કરીશ.


મહાભારતના યુદ્ધ વખતે કુરુક્ષેત્રમાં ભીમે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું હતું. દુર્યોધનના બધા ભાઈઓને મારી દુર્યોધનની જાંઘ તોડી નાખી અને દુ:શાસનનું રક્તપાન કર્યુ. વનવાસમાં ભીમે ઘણા જંગલી રાક્ષસો અને અસુરોને માર્યા હતા. અજ્ઞાતવાસમાં તે વિરાટ રાજાને ત્યાં બલ્લવ નામ ધારણ કરી રસોઇયા તરીકે રહ્યા. જ્યારે કીચકે દ્રૌપદીની છેડછાડ કરી, ત્યારે ભીમે તેને પણ માર્યો હતો. મહાપ્રસ્થાનને સમયે તે યુધિષ્ઠિરની સાથે હતા અને સહદેવ, નકુલ તથા અર્જુન એ ત્રણ મરણ પામ્યા પછી ભીમનું મૃત્યું થયું હતું. કહેવાય છે કે, ભીમે એક વખત સાત હાથી આકાશમાં ફેંક્યા હતા. તે આજ સુધી વાયુમંડલમાં ફરતા રહે છે અને ત્યાંથી પાછા પૃથ્વી ઉપર આવ્યા નથી.


હવે ભીમે આ વ્રત કર્યુ તે અંગેની કથા આવે છે કે ખૂબ જ ભોજન આરોગનાર ભીમસેને આ એકાદશીનું વ્રત ફક્ત આચમની જેટલા જળ ઉપર કર્યું હતું, જે ઉપરથી આ એકાદશીનું નામ ભીમ અગિયારસ પડ્યું છે. એક દિવસે ભીમસેને વ્યાસ ભગવાનને કહ્યું કે હે, પિતામહ ! યુધિષ્ઠિર, કુંતાજી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ - તેઓ બધી જ એકાદશીના દિવસે ભોજન કરતા નથી અને મને તે પ્રમાણે કરવા માટે ઉપદેશ કરે છે, પણ મારા પેટમાં વૃક નામનો અગ્નિ હોવાથી મારાથી ક્ષુધા સહન થતી નથી. માટે ઉપવાસ વગર એકાદશીના વ્રતનું ફળ મળે એવો ઉપાય કહો.


ભગવાન કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસજીએ કહ્યું કે, કળીયુગમાં વૈદિક ધર્મો તથા માનવ ધર્મો પૂર્ણ રીતે પાળી શકાતા નથી. માટે સ્વલ્પ પ્રયાસથી ઉત્તમ કલ્યાણના લાભ માટે એકાદશીઓનું વ્રત કરવું. એકાદશીને દિવસે અનાજનું ભોજન કરનાર દુર્ગતિને પામે છે. બધી એકાદશી તારાથી ન થાય તો વૃષભ સંક્રાંતિમાં અથવા મિથુન સંક્રાંતિમાં જેઠ માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે તે વ્રત તો તારે કરવું. તે દિવસે, એકાદશીનાં સૂર્યોદયથી બારશના સૂર્યોદય સુધી જળ પણ પીવું નહિ. તેથી બાર એકાદશીના ફળની પ્રાપ્તિ થાય છે. એટલે નિયમપૂર્વક સ્નાનાદિથી પવિત્ર થઇ સંકલ્પ કરવો કે એકાદશીને દિવસે આહાર તથા જળનો ત્યાગ કરીશ. આખો દિવસ  ભગવાન વિષ્ણુનું ભજન, હરિકથાનું શ્રવણ તથા એકાદશીની કથાનું શ્રવણ કરવું.


વળી દેવ અને બ્રાહ્મણોની સેવા કરવી. અસત્ય બોલવું નહિ. નીચ અને નાસ્તિકની સાથે ભાષણ પણ કરવું નહિ. રાત્રિએ ઉત્સાહપૂર્વક જાગરણ કરવું. બારશને દિવસે સ્નાનાદિ નિત્ય ક્રિયા પૂર્ણ કરી વિષ્ણુ ભગવાનનું પૂજન કરી, બ્રાહ્મણભોજન, ગૌદાન આદિ શ્રદ્ધાપૂર્વક, યથા-શક્તિ મુજબ આપી પછી પારણાં કરવાં. ભીમસેને આ એકાદશીનું વ્રત તે મુજબ કરવાથી આ એકાદશીનું નામ ભીમ એકાદશી પ્રસિદ્ધ થયું. એવી પણ માન્યતા છે કે, સૂર્ય ગ્રહણ અથવા ચંદ્ર ગ્રહણમાં કુરુક્ષેત્રની તથા કાશીની યાત્રાથી જે ફળ થાય છે તેથી અધિક ફળ આ નિર્જલા એકાદશીના ઉપવાસથી અને વ્રતથી થાય છે. આ એકાદશીએ કરેલ સ્નાન, દાન, જપ, હોમ, પૂજન તથા ભજન અક્ષયરૂપે રહે છે અને સુપાત્રે દાન કરવાથી સંપત્તિમાં વૃદ્ધિ થઈ મનની શાંતિ થવાથી પરમાત્માની પ્રાપ્તિના માર્ગમાં સુલભતા પ્રાપ્ત થાય છે.


ભીમનાં નામથી મહાદેવજીનું મંદિર પણ ગુજરાતમાં આવેલું છે


ભીમનાં નામથી મહાદેવજીનું મંદિર પણ ગુજરાતમાં આવેલું છે, જેને ભીમનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે પાંડવો સૌરાષ્ટ્રમાં આવ્યા, ત્યારે આ પ્રદેશમાં મોટું વન હતું. મોટા ભાઈ યુધિષ્ઠિરને પૂજા કર્યા પછી અન્ન લેવાની પ્રતિજ્ઞા હતી. એક વાર ભીમને બહુ ભૂખ લાગી હોવાથી તેમ જ મહાદેવજીનું સ્થાનક નજીકમાં નહી હોવાથી ભીમે પોતાની પાસેનો લોટો ઊંધો વાળી, માટીથી શિવલિંગ જેવું બનાવી દીધું અને મોટા ભાઈ યુધિષ્ઠિરને જણાવ્યું કે નજીકનાં સ્થાનમાં શિવનું લિંગ છે. પછી મોટા ભાઈએ તેની પૂજા કર્યા બાદ અન્ન લીધું. કેટલાક દિવસ પછી ભીમે યુધિષ્ઠિરને ખરી હકિકત જણાવી, ત્યારબાદ તે ત્યાંથી લોટો લેવા જાય છે પરંતુ ત્યાં જઈ જુએ છે તો શિવનું લિંગ જોતાં ભીમ શરમાઈ ગયો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.