Ujjain: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ સંકુલમાં બનેલા મહાકાલ લોકનું લોકાર્પણ કરશે. બે ભવ્ય પ્રવેશદ્વાર, રેતીના પથ્થરથી બનેલા 108 સુશોભિત સ્તંભો, ભવ્ય થાંભલા, ફુવારા અને શિવ પુરાણની કથાઓ દર્શાવતા 50 થી વધુ ભીંતચિત્રો આ મહાકાલ લોકને આકર્ષિત બનાવે છે. ઉદ્ધાટન સમારોહમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહેશે.
ઉદ્ધાટન સમારોહ માટે દેશભરમાંથી 600 જેટલા સંતો અને કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ લોકો ઉદ્ધાટન સમયે શંખનાદ અને મંત્રોચ્ચારણ કરશે. મહાલોકના નિર્માણ પાછળ અંદાજે 856 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સમગ્ર મહાકાલ કોરિડોરને શ્રી મહાકાલ લોક નામ આપવામાં આવ્યું છે. લગભગ 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શ્રી મહાકાલ લોકનું પણ નિરીક્ષણ કરશે.
ઉજ્જૈનના રાજાના નામથી જાણીતા બાબા મહાકાલ 12 જ્યોતિર્લિંગોમાંના એક છે. જ્યાં દર 12 વર્ષે સિંહસ્થ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. મહાકાલેશ્વર મંદિર દેશનું એકમાત્ર એવું મંદિર છે કે જેના પ્રાંગણમાં 42 દેવતાઓના મંદિરો છે. ઉજ્જૈનને મોક્ષદાયની નગરી પણ કહેવામાં આવે છે. આ શહેરના વિકાસ માટે રાજ્ય સરકારે મહાકાલ કોરિડોરનું નિર્માણ કર્યું છે.
મહાકાલ લોક સંકુલમાં શું છે
મહાકાલ લોકમાં ભગવાન શિવની લીલાઓ પર આધારિત 190 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ સિવાય 108 પિલર લગાવવામાં આવ્યા છે. સાથે જ આ સંકુલમાં 18 ફૂટની 8 મોટી મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. તેમાં નટરાજ, શિવના પુત્ર ગણેશ, કાર્તિકેય, દત્તાત્રેય અવતાર, પંચમુખી હનુમાન, ચંદ્રશેખર મહાદેવની કથા, શિવ અને સતી સહિત સમુદ્ર મંથનનું દ્રશ્ય સામેલ છે. મહાકાલ લોકમાં 15 ફૂટ ઉંચી 23 પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. તેમાં શિવ નૃત્ય, 11 રુદ્ર, મહેશ્વર અવતાર, અઘોર અવતાર, કાલ ભૈરવ, શરભ અવતાર, ખંડોબા અવતાર, વીરભદ્ર દ્વારા દક્ષનો વધ, શિવ શોભાયાત્રા, મણિભદ્ર, ગણેશ અને કાર્તિકેય સાથે પાર્વતીનો સમાવેશ થાય છે. આ સિવાય 11 ફૂટની વધુ 17 પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. જેમાં શ્રી ગણેશ, અર્ધનારીશ્વર, અષ્ટ ભૈરવ, ઋષિ ભારદ્વાજ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, કશ્યપ, જમદગ્નિ સામેલ છે. એટલું જ નહીં, 26 ફૂટ ઊંચો નંદી દ્વાર શ્રી મહાકાલ લોકની દિવ્યતા વધારે છે.
લગભગ 20.25 હેક્ટર અને લગભગ 920 મીટર લાંબા મહાકાલ પ્રાંગણની વિશેષતા જાણવા માટે કોઇ ગાઇડની જરૂર રહેશે નહીં. મૂર્તિઓ પોતે પોતાની વાર્તા કહીને ઈતિહાસ વિશે જણાવશે. અહીં પરિસરમાં સ્થાપિત દરેક પ્રતિમાની આગળ એક બારકોડ મૂકવામાં આવ્યો છે. તેને મોબાઈલથી સ્કેન કરો અને પ્રતિમા અને મહાકાલ પ્રાંગણ વિશેની તમામ માહિતી તમારા મોબાઈલ સ્ક્રીન પર આવી જશે. વાસ્તવમાં આ વ્યવસ્થા નવી પેઢીને પૌરાણિક કથાઓની માહિતી સરળતાથી મળી રહે તે માટે કરવામાં આવી છે.
શ્રી મહાકાલ લોકમાં એક જ સમયે લગભગ બે લાખ લોકો દર્શન કરી શકશે તેવો અંદાજ છે. આ દેશનો પહેલો નાઈટ ગાર્ડન હશે, જ્યાં લોકો આખી રાત ભ્રમણ કરી શકશે.