Raksha Bandhan 2025 : રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેન વચ્ચેના સુંદર સંબંધ અને અતૂટ પ્રેમનું પ્રતીક છે. આ તહેવારમાં, બહેન તેના ભાઈના જમણા કાંડા પર રક્ષાસૂત્ર અથવા રાખડી બાંધે છે અને તેના સ્વસ્થ અને સફળ જીવનની શુભેચ્છા પાઠવે છે અને ભાઈ તેની બહેનનું જીવનભર રક્ષણ કરવાનું વચન આપે છે.

પંચાંગ અનુસાર, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જોકે, ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ, રક્ષાબંધનની તારીખ દર વર્ષે બદલાય છે. ઉપરાંત, રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે ભદ્રાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, કારણ કે ભદ્રાકાળ દરમિયાન રાખડી બાંધવામાં આવે તો દુર્ભાગ્યનો ભય રહે છે. તેથી, જાણો કે પંચાંગ અનુસાર, આ વર્ષે રક્ષાબંધનની સાચી તારીખ કઈ હશે, ભદ્રા ક્યારે રહેશે અને ભાઈના કાંડા પર રાખડી બાંધવાનો સૌથી શુભ સમય કયો રહેશે.

રક્ષાબંધન ક્યારે છે, 8 કે 9 ઓગસ્ટ ?

જ્યોતિષ અનીશ વ્યાસ જણાવે છે કે, પંચાંગ મુજબ, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જોકે, લોકોમાં રક્ષાબંધન 8 ઓગસ્ટના રોજ થશે કે 9 ઓગસ્ટના રોજ તે તારીખ અંગે મૂંઝવણ છે, કારણ કે પૂર્ણિમા તિથિ બંને દિવસે રહેશે.

અનીશ વ્યાસના મતે, પૂર્ણિમા તિથિ 8 ઓગસ્ટના રોજ બપોરે 2:14 વાગ્યાથી શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ બપોરે 01:34 વાગ્યા સુધી રહેશે. આ રીતે ઉદયતિથિને જોતા 9 ઓગસ્ટ 2025, શનિવારના રોજ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે.

ભદ્રા રક્ષાબંધન પર રહેશે કે નહીં ?

અનીશ વ્યાસ જણાવે છે કે, ભદ્રા  8 ઓગસ્ટની રાત્રે જ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર કોઈ ભદ્રાકાળ રહેશે નહીં. બહેનો 9 ઓગસ્ટના રોજ કોઈપણ શુભ મુહૂર્તમાં ભાઈના કાંડા પર રાખડી બાંધી શકે છે.

આ શુભ સમયમાં તમે રાખડી બાંધી શકો છો

શનિવાર, 9 ઓગસ્ટ સવારે 5:35 થી 1:24 વાગ્યા સુધી રાખડી બાંધવાનો સૌથી શુભ સમય રહેશે. 9 ઓગસ્ટના રોજ બપોરે 12 થી 12:53 સુધીનો સમય પણ અભિજીત મુહૂર્તમાં રાખડી બાંધવા માટે ખૂબ જ શુભ છે. આ ઉપરાંત, પ્રદોષ કાળ દરમિયાન સાંજે 07:19 થી 09:24 વાગ્યા સુધી પણ રાખી બાંધી શકાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.