Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Rath yatra 2024: ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ પોલીસે રૂટિન વ્યવસ્થાની સાથે અત્યાર સુધીનો સૌથી હાઇટેક બંદોબસ્ત ગોઠવ્યો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 07 Jul 2024 09:22 PM
અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. નગરયાત્રા કરી ભગવાનના રથ નિજમંદિરમાં પહોંચ્યા હતા. ભગવાનના રથ મંદિરમાં પહોંચતા અમી છાંટણા થયા હતા.




ભગવાન જગન્નાથનો રથ કાલુપુરથી નીકળ્યો

ભગવાના જગન્નાથ હવે નિજ મંદર જવા માટે રવાના થયા છે, હાલમાં ભગવાનનો રથ કાલુપુરથી નીકળીને આગળ વધ્યો છે. રથયાત્રા દરમિયાન ભક્તોમાં જોરદાર ઉત્સાહનો જોવા મળી રહ્યો છે. 

ગજરાજ સરસપુરથી નિજ મંદિર તરફ રવાના

રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ સરસપુરથી નિજ મંદિર જવા રવાના થઈ ગયા છે. રથયાત્રામાં અલગ અલગ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું છે. રામમંદિર, વિશ્વગુરુ, વર્લ્ડકપ સહિતના ટેબ્લો જોવા મળ્યા છે. પ્રસાદી લેવા અને દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે.

ભગવાનને અર્પણ કરવામાં આવ્યું મામેરું

અમદાવાદના સરસપુરમાં ભગવાનનું વાજતે ગાજતે મામેરું ભરવામાં આવ્યું હતું. આ વખતે મામેરાના યજમાન વિનોદભાઈ પ્રજાપતિ છે. ભાણેજો માટેના હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીછિંયા વગેરે ઘરેણાં, સાડીઓ, ભગવાનના વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા.

મોસાળમાં સરસપુરમાં ભગવાનનું ભવ્ય સ્વાગત

મોસાળ સરસપુરમાં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જય જગન્નાથના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રવિવારની રજા હોવાથી લોકો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટ્યા છે.

સરસપુરમાં ગજરાજને ભોજન કરાવાયું 

સરસપુરમાં ગજરાજને ભોજન કરાવાયું  હતું. ૧૬ જેટલા ગજરાજ સરસપુર પહોચ્યા હતા. સરસપુરમાં રથના રોકાણ માટે અલાયદી વ્યવસ્થા કરાઈ છે.  ભગવાન જગન્નાથ ના દર્શન માટે લોકો સવારથી આવી પહોંચ્યા હતા.

મોસાળ સરસપુરમાં રથનું આગમન

ભગવાનના રથ મોસાળ સરસપુરમાં પહોંચી ગયા છે. સરસપુર બ્રિજ પર ભક્તોની ભીડ ઉમટી છે. આ સાથે જ સરસપુરમાં રસોડા ધમધમવા લાગ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ લેવા ઉમટ્યા છે. લુહાર શેરીમાં રથયાત્રામાં 1100 કિલો બટાકા, 1000 કિલો લોટની પૂરી, 1600 કિલો ચોખ્ખા ઘીનો મોહનથાળ બનાવવામાં આવ્યો છે.

સરસપુરમાં ભક્તોમાં અનેરો આનંદ

જગન્નાથના મોસાળ સરસપુરમાં ભક્તોમાં અનેરો આનંદ છે. વિવિધ પોળોમાં હાલ પ્રસાદ લેવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.  મામેરાની પણ તૈયારી કરી લેવામાં આવી છે.

મોસાળમાં રસોડ ધમધમ્યા

ભગવાનના મોસાળ સરસપુરમાં રસોડા ધમધમી ઉઠ્યા છે. એક સાથે 500થી વધુ લોકોએ લુહાર શેરીમાં ભોજન લીધું હતું.  રથયાત્રામાં એક સાથે 1200 લોકો પ્રસાદ લઇ શકે તેવી વ્યવસ્થા જોવા મળે છે. સરસપુરની લુહાર શેરીમાં છે સૌથી મોટા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં એક સાથે તમામ લોકો બેસીને પરંપરાગત પ્રસાદનો લહાવો લે છે.

ગજરાજ સરસપુર પહોંચ્યા

રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ સરસપુર પહોંચી ગયા છે. ગજરાજના આગમન સાથે જ ભાવિકોએ જય જગન્નાથ, જય રણછોડ માખણ ચોર ના નારા લગાવ્યા હતા. ભગવાનના મોસળ સરસપુરમાં જાણે કે કીડીયારું ઉભરાયું હોય તેવો માહોલ છે.

ભગવાનના રથ એએમસી પહોંચ્યા

રથયાત્રાને લઈ ભગવાનના રથ એએમસી પહોંચી ગયા છે. ભગવાનના દર્શન માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. 'ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે' ના નાદ ગુંજી રહ્યો છે. ભાવિકો ભગવાન જગ્નાનથની ભક્તિમાં લીન બન્યા છે.

મોસાળમાં ભાવિકો જોઈ રહ્યા છે કાગડોળે રાહ

ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં ભાવિકો તેમની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સવારથી અહીં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. સરસપુરની આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચ્યા છે.

ભાવનગરમાં નિકળેલી રથયાત્રામાં રાજકોટ અગ્નિકાંડના બેનર

ભાવનગરમાં નિકળેલી રથયાત્રામાં રાજકોટ અગ્રિકાંડના બેનર લાગ્યા હતા. જગન્નાથજીની રથયાત્રામાં રાજકોટ અગ્નિકાંડનો પ્લોટ્સ બેનરો ચાલુ રથયાત્રામાં પોલીસે ઉતારી લીધા હતા. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે તેના બેનરો ટ્રકમાં લગાવવામાં આવ્યા હતા પરંતુ શહેરના સરદાર નગર પાસે આ ટ્રકમાંથી તમામ બેનરો પોલીસે ઉતારી લીધા જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. બેનરમાં લખ્યું હતું કે રાજકોટની આગમાં ભારતનું ભવિષ્ય ભ્રષ્ટાચારની આગમાં ભડથું થયું છે.

રથયાત્રાના રૂટ પર માનવ મહેરામણ ઉમટ્યું

અમદાવાદમાં નીકળેલી રથયાત્રાને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની એક ઝલક મેળવવા રથયાત્રાના રૂટ પર માનવ મહેરામણ ઉમટ્યું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રથયાત્રા સંચાલનનું રિયલ ટાઈમ મોનીટરીંગ નીહાળ્યું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા ના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથ યાત્રા ના સંચાલન નું રિયલ ટાઈમ મોનીટરીંગ મુખ્ય મંત્રી નિવાસસ્થાનના સી.એમ .ડેશ બોર્ડ ની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું.
તેમણે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને  પહિંદ  વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યાર બાદ  મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી  વિડિયો વોલ પરથી આ રથયાત્રા રૂટ નું નિરીક્ષણ, રથ ના લોકેશન , પોલીસ દ્વારા ટેકનોલોજી ના ઉપયોગ થી કરવામાં આવી રહેલી રથયાત્રાની સુરક્ષા અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

કષ્ટભંજન દેવને વિશેષ સણગાર

ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત સાળંગપુર કષ્ટભંજન દેવને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનને જાંબુડાનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.

રાજકોટમાંથી નીકળી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા

રાજકોટમાં પણ રથયાત્રા નીકળી છે. રાજવી માંધાતાસિંહ જાડેજા પહીંદ  વિધિ કરીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. સાધુ, સંતો અને શેહરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાજમાર્ગો પરથી શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા નીકળી છે.  ભગવાનના દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા છે. યાત્રામાં વિવિધ પ્રકારના કલાકાર, વૃંદાવન, સાધુસંત અને રાજકીય લોકો જોડાયા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળી છે.

ડાકોરમાં ભગવાન રાજા રણછોડની 252મી રથયાત્રા ખૂબ ધામ પૂર્વક નીકળી 

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રાજા રણછોડની 252મી રથયાત્રા ખૂબ ધામ પૂર્વક નીકળી છે.  ભગવાન રાજા રણછોડનું બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ ચાંદીના રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા છે.  આશરે 9 કિલોમીટર લાંબી આ રથયાત્રામાં હજારો ભાવિક ભક્તો જોડાયા છે.  રથયાત્રામાં કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.  સમગ્ર રથયાત્રાના રૂટમાં ભજન મંડળીઓ સહિત સેવાકીય સંસ્થાઓ પણ જોડાઈ છે.

રથયાત્રામાં ધર્મની સાથે વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ

અમદાવાદ રથયાત્રામાં ધર્મની સાથે વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રથયાત્રામાં ઈસરો અને નાસાની થીમ પર ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ટ્રકમાં રોકેટની કૃતિ અને અવકાશી યાત્રી બનેલા બાળકો ધ્યાન ખેંચી રહ્યા છે.

રથયાત્રામાં અખાડા ખમાસા પહોચ્યા

અમદાવાદ રથયાત્રામાં અખાડા ખમાસા પહોંચ્યા છે. ખમાસા વિસ્તારની અંદર નાના નાના બાળકો દ્વારા ચોકલેટ ભેગી કરવામાં આવી છે. જગન્નાથજીની રથયાત્રામાં ચોકલેટનું મોટા પ્રમાણમાં વિતરણ કરવામાં આવે છે. બાળકો ચોકલેટ ભેગી કરીને  મધ્યમ ગરીબ વર્ગના બાળકોને વિતરણ કરશે.

નરેન્દ્ર મોદી અને યોગી આદિત્ય નાથના વેશ સાથે નો ટેબ્લો

અમદાવાદની 147માં રથયાત્રમાં નરેન્દ્ર મોદી અને યોગી આદિત્ય નાથના વેશ સાથેનો  ટેબ્લો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ટેબ્લો નીકળતા લોકોએ ભારત માતા કી જય અને મોદી મોદી ના નારા લગાવ્યા હતા.

ભાવનગરમાં પણ નીકળી રથયાત્રા

ભાવનગરની રથયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે. હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ સાથે ભગવાન જગન્નાથજીના રથને દોરડા વડે ખેંચીને રથને વિવિધ માર્ગો પર ફેરવામાં આવશે. શહેરના સ્વર મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીના નાદ સાથે રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે.

મોસાળ સરસપુરમાં ભક્તો જોઈ રહ્યા છે રાહ

ભગવાન જગન્નાથના મોસળ સરસપુરમાં ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહીંયા સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને મોસાળમાં આવકારવા લોકોમાં થનગનાટ છે.

ટી20 વર્લ્ડકપ જીતના ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ

રથયાત્રમાં 101 ટ્રક ટેબલો આકર્ષણ જમાવ્યું છે. અલગ-અલગ થીમ પર બનેલા ટેબલો જોઈને લોકો અભિભૂત થઈ રહ્યા છે. ભારતના ટી20 વર્લ્ડકપ જીતની ઝલક પણ ટેબ્લોમાં જોવા મળી હતી. ભારતના વર્લ્ડકપ વિજયનું ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

પીએમ મોદીએ રથયાત્રાની પાઠવી શુભેચ્છા

પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને રથયાત્રાની શુભકામના પાઠવી છે.





મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી રથયાત્રાની શુભકામના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રથયાત્રાની શુભકામના પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, અષાઢી બીજ - રથયાત્રાના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આસ્થાનું આ મહાપર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યના આશિષ લઈને આવે તેમજ ભગવાન શ્રી જગન્નાથજીની નગરયાત્રા વિકસિત ગુજરાતના નિર્માણની યાત્રાને વધુ વેગવંતી બનાવે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના.

AMC પહોચશે રથયાત્રા

અમદાવાદમાં થોડીવારમાં રથયાત્રા AMC પહોંચશે. અમદાવાદના પ્રથમ નાગરિક પ્રતિભા જૈન રથનું પૂજન કરશે. રથયાત્રાના દર્શન કરવા ભક્તો રોડ પર આવ્યા છે. ભક્તો બંને સાઈડ રથની પ્રતીક્ષા કરી રહ્યા છે.

રાજવી વેશમાં નગરના નાથની નગરચર્યા

ભગવાન જગન્નાથ નંદિઘોષ, બલભદ્રજી તલધ્વજ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળ્યા છે. રાજવી વેશમાં નગરના નાથ નગરજનોને દર્શન આપી રહ્યા છે.

ટ્રક ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યાં

અમદાવાદની 147મી રથયાત્રામાં 101 ટ્રક ટેબલો આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે. પવનચક્કી,ગ્રીન પર્યાવરણ,બંધારણના ટેબલો આકર્ષણ જમાવી રહ્યા છે. અબુધાબી સ્થિત BAPS મંદિરના ટેબલોએ આકર્ષણ જમાવ્યું છે. વિવિધ ટેબલો નીહાળીને લોકો પણ અભિભૂત થઈ રહ્યા છે.

જમાલપુર દરવાજાથી બહાર નીકળ્યા ગજરાજ

અમદાવાદમાં 147મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ જમાલપુર દરવાજાથી બહાર નીકળી ચુક્યા છે. મંદિર બહાર આશરે 50 હજાર શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે.

અમિત શાહે ટ્વિટ કરી રથયાત્રાની પાઠવી શુભકામના

અમિત શાહે સોશિયલ મીડિયા પર લખ્યું, ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભારતીય સાંસ્કૃતિક વિરાસત અને સમૃદ્ધિનું સંરક્ષણ તેમજ નવીન ઉત્કર્ષ પ્રદાન કરવાનો પવિત્ર અવસર છે, જે દેશના કરોડો શ્રદ્ધાળુઓ દ્વારા અત્યંત ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ યાત્રા એ વાતનું પ્રતીક છે કે ભારતીય સંસ્કૃતિ પ્રવૃત્તિથી ચાલે છે તેમજ ઉત્સવ અને આધ્યાત્મિકતા તેના આધારસ્તંભ છે.  પવિત્ર રથયાત્રાના અવસર પર સૌ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું  તેમજ ભગવાન જગન્નાથ, વીર બલભદ્ર અને માતા સુભદ્રા પાસેથી સૌના કલ્યાણ અને પ્રગતિ માટે પ્રાર્થના કરું છું. જય જગન્નાથ!





તમામ ભક્તોને શાંતિ પૂર્વક ભગવાનના દર્શન કરવા કરી અપીલ

અમદાવાદ જગન્નાથ મંદિરના ગાદીપતિ દિલીપ દાસ મહારાજે  એબીપી અસ્મિતાના દર્શકોને અષાઢીબીજની શુભકામના પાઠવી હતી. તેમણે  તમામ ભક્તોને શાંતિ પૂર્વક ભગવાનના દર્શન કરવા કરી અપીલ કરી હતી. ઉપરાંત ભગવાનની આ યાત્રામાં જોડાનાર તમામ ભક્તોનો અષાઢીબીજની શુભકામના પાઠવી હતી.

જય રણછોડના નાદ સાથે રથ મંદિર બહાર નીકળ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવ્યા બાદ રથયાત્રાનો આરંભ થયો હતો. જગ જગન્નાથના ઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ત્રણેય રથ મંદિર બહાર નીકળી ચૂક્યા છે.

મુખ્યમંત્રીએ કરી પહિદ વિંધિ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. જેની સાથે જ રથયાત્રાનો આરંભ થયો હતો અને નગરના નાથ નગરચર્ચાએ નીકળ્યા હતા.





રથયાત્રા પહેલા ટેબલો અને અખાડા તૈયાર

અમદાવાદમાં આજે નગરના નાથ નગરચર્યાએ નીકળશે. 147મી રથયાત્રા પહેલા ટેબલો અને અખાડૈ તૈયાર છે. ભગવાન બલભદ્રજીના પ્રિય અખાડા પણ રથયાત્રામાં જોડાવવા તૈયાર છે. કરતબો વડે અખાડીયનો રથયાત્રામાં જોડાશે.

10000 કિલો ખીચડીનો વિશેષ ભોગ

અમદાવાદ  ભગવાન જગન્નાથજી ની 147મી રથયાત્રામાં આજે ખીચડીનો વિશેષ ભોગ ધરાવે છે. મામાના ઘરેથી બીમાર થઈને ભગવાન આવ્યા હતા અને એટલે જ આજે ખીચીનો ભોગ ધરાવામાં આવે છે. 10000 કિલો ખીચડીનો ભોગ તૈયાર કરવામાં આવ્યો છે. 1 લાખ ભક્તો પ્રસાદ લઈ શકશે. 2000 કિલો ગવાર અને કોળાનું શાક તૈયાર કરવામાં આવ્યું છે. 6 ડબ્બા ઘી નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રથયાત્રા શરૂ થતાં પહેલાં મંદિર બહાર પોલીસ કાફલો

અમદાવાદમાં રથયાત્રા શરૂ થતાં પહેલાં મંદિર બહાર પોલીસ કાફલો ગોઠવાયો છે. મંદિરમાં મર્યાદિત લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રા શરૂઆત થી લઈ અંત સુધી શહેરમાં 20 હજારથી વધાર પોલીસ કર્મી ખડેપગે તહેનાત છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે ગજરાજ તૈયાર

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા માટે ગજરાજ તૈયાર છે. 17 ગજરાજ રથયાત્રાની  આગેવાની કરશે. શુભ કામ માટે ભગવાન ગણેશના પ્રતીક સમાન છે ગજરાજ. 

બ્રેકગ્રાઉન્ડ

Rath Yatra 2024 Updates: અમદાવાદમાં આજે  ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા યોજાઈ રહી છે. જેમાં 12500 જેટલા પોલીસ કર્મીઓ ઉપરાંત, પેરા મિલિટરી ફોર્સ સહિત 24 હજાર જેટલા જવાનો તહેનાત રહેશે. આ સાથે પોલીસે અત્યાર સુધીનો સૌથી હાઇટેક બંદોબસ્ત પણ ગોઠવાયો છે, જેમાં 14 સ્થળે પોલીસે 46 જેટલા 360 ડિગ્રી મુવમેન્ટ ધરાવતા કેમેરા લગાવ્યા છે. આ સાથે કોઇ જાહેરાત કરવા માટે 11 લોકેશન પર 22 પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ સેટ કરાઈ છે. તેમજ રથયાત્રામાં શંકાસ્પદ લોકોની ઓળખ ઝડપથી થાય તે માટે 14 સ્થળે 21 ફેસ રેકગ્નિશન કેમેરા લગાવાયા છે. ઇમરજન્સી કોલ બોક્સ પણ સેટઅપ કરાયા છે, જ્યારે સૌ પ્રથમવાર 14 સ્થળે હાઇટેક વીડિયો કેમેરા લગાવાયા છે. જેની ખાસિયત છે કે આ કેમેરાથી ભીડમાં રહેલા લોકોની સંખ્યા જાણ શકાશે.  


અમિત શાહે કર્યા મંગળા દર્શન અને આરતી





- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.