હિંદુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના 9 રૂપોની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું શારદીય નવરાત્રિના ધાર્મિક મહત્વ વિશે. આ વર્ષે શારદીય નવરાત્રિની શરૂઆત ગુરુવાર 03 ઓક્ટોબર 2024 થી થઈ રહી છે જે શનિવાર 12 ઓક્ટોબર 2024 ના રોજ સમાપ્ત થશે. નવરાત્રિ દરમિયાન, ભક્તો માતાના નવ સ્વરૂપોની પૂજા કરે છે અને ઘણા લોકો આ સમયગાળા દરમિયાન નવ દિવસ ઉપવાસ પણ રાખે છે. 


શારદીય નવરાત્રિનું ધાર્મિક મહત્વ


દર વર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે. શારદીય નવરાત્રિનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રિ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ અનુસાર, અશ્વિન મહિનામાં દેવી દુર્ગા અને મહિષાસુર વચ્ચે નવ દિવસ સુધી યુદ્ધ થયું હતું, ત્યારબાદ માતા દુર્ગાએ દસમા દિવસે તેનો વધ કર્યો હતો. શારદીય નવરાત્રિનો દસમો દિવસ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે ત્યારથી નવ દિવસ શક્તિની ઉપાસના માટે સમર્પિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અશ્વિન મહિનામાં શરદ ઋતુની શરૂઆત થાય છે, તેથી તેને શારદીય નવરાત્રી પણ કહેવામાં આવે છે.  


ભગવાન રામે શારદીય નવરાત્રિના દસમા દિવસે રાવણનો વધ કર્યો હતો. શારદીય નવરાત્રિને અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યની જીતનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શારદીય નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગા નવ દિવસ માટે પૃથ્વી પર આવે છે. માતાના આગમનની ઉજવણી માટે દુર્ગા ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે.


દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રિનું આગવું મહત્વ છે. શક્તિના ઉપાસકો નવ દિવસનું વ્રત ધારણ કરીને નવ રાત્રિ દરમિયાન ગરબા દ્વારા શક્તિની ઉપાસના કરે છે. દેવી શક્તિનું સર્જન મહિષાસુરનો સંહાર કરવા માટે થયું હતું અને થયું પણ એવું જ કે મહિષાસુરે દેવી શક્તિ સાથે યુદ્ધ કર્યું.  નવ દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું અને દસમા દિવસે આદિશક્તિએ મહિષાસુરનો સંહાર કર્યો. ત્યારથી નવરાત્રિ પર્વ શરૂ થયું.


નવરાત્રિ મહાપર્વના ધાર્મિક, સાંસ્કૃતિક મહત્વની સાથે તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ જોડાયેલું છે. નવરાત્રિ મનાવવાનું વૈજ્ઞાનિક મહત્વ એ છે કે, વર્ષની બંને મુખ્ય નવરાત્રિ પર સામાન્ય રીતે સંધિકાળ હોય છે, બે ઋતુઓ સમ્મિલનમાં આ પર્વ ઉજવાય છે. જ્યારે ઋતુઓનો સંધિકાળ હોય છે ત્યારે સામાન્ય રીતે શરીરના વાત, કફ, પિત્તના સમાયોજનમાં વધ-ઘટ થાય છે. તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે. એટલા માટે નવ દિવસ જાપ, ઉપવાસ, સાફ-સફાઈ, શારીરિક શુદ્ધિ, ધ્યાન, હવન વગેરે કરવામાં આવે છે. જેનાથી વાતાવરણ શુદ્ધ થઈ જાય છે અને આપણે અનેક બીમારીઓથી બચી શકીએ છીએ.


નવરાત્રિ નારી શક્તિને સમર્પિત પણ માનવામાં આવે છે. તેથી નવરાત્રિ પાવન પર્વ નિમિત્તે દુર્ગાષ્ટમી અને મહાનવમીના દિવસે કન્યાઓની પૂજા કરવામાં આવે છે. કારણ કે કન્યાઓને માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રિમાં 1થી લઇને 9 કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે. કન્યાની ઉંમર 2 વર્ષથી 10 વર્ષ સુધીની હોવી જોઇએ.