અમદાવાદઃ ભગવાન શંકરને ખૂબ જ પ્રિય અને તપ-જપ-ઉત્સવના પર્વ પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે. ૬ સપ્ટેમ્બરે શ્રાવણી-અમાસ છે ત્યાં સુધી શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે. યોગાનુયોગ આ વખતે શ્રાવણ માસનો સોમવારથી પ્રારંભ અને સોમવારે જ પૂર્ણાહૂતિ થશે. શ્રાવણ માસમાં ૨૨ ઓગસ્ટે રવિવાર અને ૩૦ ઓગસ્ટે જન્માષ્ટમી જેવા તહેવારોની હેલી પણ સર્જાશે.


અમદાવાદ સહિત રાજ્યના શિવ મંદિરોમાં વિશેષ આયોજનો


શ્રાવણ માસ નિમિત્તે અમદાવાદના નગરદેવતા કર્ણમુક્તેશ્વર, ચકુડિયા મહાદેવ, કામનાથ મહાદેવ, શિવાનંદ આશ્રમ સહિતના શિવ મંદિરોમાં શ્રાવણ માસ નિમિત્તે વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે. સારંગપુર દરવાજા બહાર આવેલા  પ્રાચીન કર્ણમુક્તેશ્વર મંદિરમાં રૃદ્રાભિષેક તેમજ લઘુરૃદ્રનું પઠન થશે. જ્યોર્તિલિંગ સોમનાથના દર્શન માટે સેકંડો ભક્તો રવિવારે રાત્રે જ પહોંચી ગયા છે. આ ઉપરાંત દ્વારકા પાસે આવેલા જ્યોર્તિલિંગ નાગેશ્વરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે. ઉજ્જૈનમાં આવેલા મહાકાલના શ્રાવણ માસના પ્રથમ દિવસે દર્શન માટે પણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો પહોંચી ગયા છે.


મંદિરોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન


અમદાવાદના કેટલાક શિવમંદિરોમાં ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લીધો છે. કેટલાક મંદિરોમાં જે ભક્તોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તેમને જ ગર્ભગૃહમાં પ્રવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક મંદિરોમાં ભક્તોને બિલિપત્ર, ફૂલ ચઢાવવા અને અભિષેક કરવાની પણ મનાઇ છે. ભક્તો કોવિડ ગાઇડલાઇન્સ સાથે દર્શન કરે તેના માટે વિશિષ્ટ આયોજનો કરવામાં આવેલા છે. જેમાં દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓએ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, ટેમ્પરેચર ચેક કરાવવું, મંદિરની રેલિંગને અડકવી નહીં, દર્શન બાદ મંદિર પરિસરમાં ક્યાંય રોકાવવું નહીં તેવા નિયમનો સમાવેશ થાય છે.


શ્રાવણ માસમાં કઈ કઈ તારીખે આવે છે સોમવાર



  • 9 ઓગસ્ટ, 2021

  • 16 ઓગસ્ટ, 2021

  • 23 ઓગસ્ટ, 2021

  • 30 ઓગસ્ટ, 2021

  • 6 સપ્ટેમ્બર, 2021


શ્રાવણમાં કયા તહેવારો આવશે


રક્ષાબંધન, પવિત્રા અગિયારસ, નાગ પાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી, શ્રાવણી અમાસ