Somnath: ગુજરાતમાં આવેલા જ્યોતિર્લિંગ સોમનાથમાં દર્શનાર્થીઓનો ઘસારો દિવસે દિવસે વધી રહ્યો છે, ધાર્મિક મહિનો શ્રાવણ માસમાં આ ઘસારો હજુ પણ વધુ હશે, સોમનાથમાં આવનારા યાત્રીઓ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જુદીજુદી સુવિધાઓ વિકાસવવામાં આવી રહી છે, હવે આ કડીમાં વધુ એક મોટી સુવિધાઓનો પણ ઉમેરો થયો છે. અહીં શ્રી કૃષ્ણ દેહોત્સર્ગ ભૂમિક ગોલોકધામમાં પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રીકૃષ્ણ દેહોત્સર્ગ ભૂમિ ગોલોકધામ ખાતે યાત્રી કેન્દ્રિત સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત શ્રી ગોલોક ધામ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ બન્યું છે. સોમનાથથી ગોલોકધામ પહોંચાડવા "દર કલાકે બસ સેવા"નો ટ્રસ્ટીશ્રી જે. ડી પરમાર સાહેબના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. 21 રૂપિયા ન્યોછાવર કરીને ભક્તો કરી શકે છે શ્રીકૃષ્ણની અંતિમ ચરણપાદુકા નું પૂજન અભિષેક કરાશે. 


આ ઉપરાંત અહીં લક્ષ્મી નારાયણ મંદિર ખાતે વિષ્ણુ ભગવાનના 24 અવતાર અને આકાશગંગા ગેલેરી તૈયાર કરવામાં આવી છે. ગોલોક ધામમાં રાસ ગરબા સહિત ભક્તિમય કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે. ભક્તો વન ભોજન કરી શકે તેના માટે ટેન્ટ સાથે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. 


પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે જે તીર્થ ક્ષેત્રમાંથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની માનવ લીલાને વિરામ આપ્યો અને વૈકુંઠ ગયા તેવા પ્રભાસ તીર્થમાં આવનાર ભક્તો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યાત્રીલક્ષી સુવિધાઓમાં સતત વૃદ્ધિ કરવામાં આવી રહી છે.


ત્યારે સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભક્તો ગોલોકધામ તીર્થનો અચૂક લાભ લઈ શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના સતત માર્ગદર્શનમાં ટ્રસ્ટ દ્વારા આયોજનબદ્ધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સોમનાથ મંદિર થી ગોલોકધામ તીર્થ સુધી પ્રત્યેક કલાકે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી આવનાર ભક્તો સરળતાથી ગોલોકધામ પહોંચી શકે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી પરમારે સોમનાથ મંદિર બહારથી કેસરી ધ્વજ ફરકાવીને બસ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. 


ગોલોકધામ તીર્થ ખાતે યાત્રી કેન્દ્રીય સુવિધાઓમાં વધારો કરીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તીર્થધામને ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ બનાવવામાં આવ્યું છે.


આવનાર શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણની ચરણપાદુકાનું પૂજન અને અભિષેક કરી શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પૂજામાં માત્ર 21 રૂપિયા ન્યોછાવર કરીને ભક્તો વેદોક્ત વિધિ વિધાનથી શ્રીકૃષ્ણ ભગવાનની ચરણ પાદુકાનું પૂજન કરી શકે છે આ ઉપરાંત તેમને ઠાકોરજીને પ્રિય ઠોરની પ્રસાદી પણ આપવામાં આવે છે.


ભગવાન શ્રી વિષ્ણુના 24 અવતાર વિશે આવનાર ભક્તો જ્ઞાન અને માહિતી મેળવી શકે તેના માટે પ્રાચીન લક્ષ્મીનારાયણ મંદિર ખાતે 24 અવતાર ગેલેરી તૈયાર કરાય છે મંદિરની ઉપરની તરફ સમગ્ર આકાશ ગંગા લગાવીને આકાશગંગા અને તેના ગ્રહો વિશે માહિતી મેળવી શકાય તે રીતે આકાશ ગંગા ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જે ટ્રસ્ટી જેડી પરમાર દ્વારા ભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.


તીર્થમાં ધાર્મિક કાર્યક્રમો પણ અહર્નિશ ચાલી રહ્યા છે. સવારના શ્રી ગીતામંદિર ખાતે શ્રીમદ ભાગવત ગીતાનું સંપૂર્ણ પઠન સંસ્કૃત ઉપાસક ઋષિ કુમારો દ્વારા કરવામાં આવે છે. તેમજ શ્રી સત્યનારાયણ ભગવાનની કથા, સંધ્યા સમયે શ્રીમદ ભાગવત દશમ સ્કંધનો પાઠ સહિત દિવસ દરમિયાન દૈનિક પણે ધાર્મિક કાર્યક્રમ ચાલે છે.


આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિયમિત યોજવામાં આવી રહ્યા છે. શ્રીનાથજી ની ઝાંખી, ભક્તિમય રાસોત્સવ સહિતના કાર્યક્રમમાં મોટી માત્રામાં ભાવિકોએ લાભ લીધો છે. આ ઉપરાંત આગામી દિવસોમાં પણ દરેક શનિ-રવિમાં ધાર્મિક આખ્યાન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.


હિરણ કપિલા અને સરસ્વતી નદીના કિનારે પ્રકૃતિના ખોળે વસેલા આ ધર્મ ક્ષેત્રમાં આવનાર ભક્તો કૃષ્ણ ભક્તિ અને પ્રકૃતિની સુંદરતામાં મંત્રમુગ્ધ થાય છે. ત્યારે અનેક મોટા સમૂહ વન ભોજન માટે પણ ગુલુક ધામ તીર્થને પસંદ કરે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાઇ ડ્યુરેબલ ટેન્ટ તેમજ આર્ટિફિશિયલ ગ્રાસ લગાવીને વન ભોજન કરતા સમૂહ માટે વધારે સુલભ વાતાવરણ પૂરું પાડ્યું છે. 


આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ દેશભરમાંથી આવનાર ભાવિકો શ્રી ગોલોક ધામ તીર્થની અચૂક મુલાકાત લઈ રહ્યા છે. ગોપી મંડળો ગુલુક ધામના પટાંગણમાં રાસ લેતા દ્રષ્ટિગોચર થાય છે. ત્યારે એ તીર્થધામ કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ વૈકુંઠ પ્રસ્થાન કર્યું. ત્યાં ભક્તો પોતાની મનોકામનાઓ લઈને જગતગુરુને શીશ નમાવવા પહોંચી રહ્યા છે. અને ખરા અર્થમાં સૌરાષ્ટ્રની પ્રથા અનુસાર ગોલોક ધામ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ બન્યું છે