Vikram Samvat 2079 : દિવાળીના બીજા દિવસેથી ગુજરાતીઓના નવા વર્ષની શરૂઆત થાય છે. આ વર્ષે પડતર દિવસ હોવાથી એક દિવસ મોડું નવું વર્ષ શરૂ થશે, જેને વિક્રમ સંવતના નામથી ઓળખવામાં આવે છે. વીકિપીડિયા પ્રમાણે, એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યએ શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો એના માનમાં ઈસ્વીસન પૂર્વે છપ્પનમાં આ સંવતની શરુઆત કરવામાં આવી હતી. ભારતીય પ્રદેશો પૈકી ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત રહ્યું છે.
26 ઓક્ટોબર, 2022થી વિક્રમ સંવતનું નવું વર્ષ 2079 શરૂ થાય છે. એક માન્યતા પ્રમાણે વિક્રમ રાજા ઈસ્વીસનના પૂર્વે સોએક વર્ષે થઇ ગયા હોવા જોઈએ. કેટલાકને મતે તે પોતે શકો સામે વિજય થયો તેની યાદમાં વિક્રમે આ નવો સંવત શરૂ કર્યો હતો. એનું આખું નામ વિક્રમાદિત્ય. ‘વિક્રમ’ એટલે પરાક્રમ, અને ‘આદિત્ય’ એટલે અદિતીનો એક પુત્ર, સૂર્ય. પણ ‘વિક્રમાદિત્ય’ એ રાજાનું નામ હતું કે બિરુદ? કારણ કે બીજા પણ ઘણા રાજાઓએ આ ‘વિક્રમાદિત્ય’ને બિરુદ તરીકે અપનાવ્યું છે.
ગુજરાતી કેલેન્ડર નવા વર્ષ વિક્રમ સંવત 2079ના શુભ મુહૂર્ત
ગુજરાતી કેલેન્ડર પ્રમાણે વેપારીઓ આ દિવસે તેમના વેપાર ધંધાનું મુહૂર્ત કરે છે. જે બાદ વેકેશન પાડવામાં આવે છે. આ દિવસના મુહૂર્તને ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે નવું મકાન, વાહન ખરીદવું કે કોઈ શુભ કાર્ય કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતાં નવા કાર્યમાં સફળતા મળતી હોવાની પણ માન્યતા છે.
- સવારેઃ 6.49 થી 7.14 (લાભ)
- સવારેઃ 8.14 થી 9.48 (અમૃત)
- સવારેઃ 11.05 થી બપોરે 12.31 (શુભ)
શું છે પરંપરા
ગુજરાતી કેલેન્ડરના નવા વર્ષ વિક્રમ સંવતના દિવસે લોકો એકબીજાના ઘરે જઈ નૂતનવર્ષની શુભેચ્છા પાઠવે છે અને વડીલોના આશીર્વાદ લે છે. ઘણા લોકો આ દિવસે તેમના ઘર આંગણે વિશેષ રંગોળી પણ કરે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.