Kathakar Moraribapu Statement in Sant Samelan: સનાતન ધર્મની રક્ષા કાજે ફરી સંતો મેદાને આવ્યા છે. રાજકોટના ત્રંબા ગામ ખાતે સંત સંમેલન મળ્યું હતું. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધાર્મિક પુસ્તકોમાં હિન્દૂ દેવી દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે જેને લઈને ત્રીજું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં અનેક સંતો હાજર રહ્યા હતા.

Continues below advertisement

શું કહ્યું મોરારીબાપુએ

સંમેલનમાં કથાકાર મોરારિ બાપુએ તેમના સંબોધનમાં કહ્યું, અમને જે જવાબદારી સોંપવામાં આવી અમે સ્વીકાર કરીએ છીએ. જગત ગુરુ શંકરાચાર્યએ અમને સનાતન ધર્મ સમિતિમાં સ્થાન આપ્યું તેના અમે આભારી છીએ. આપણે ધર્મની રક્ષા કરીએ તો ધર્મ આપણું રક્ષણ કરશે. આ સંમેલન ધર્મની રક્ષા માટે નહીં સેવા માટે છે. અમે બેઠા બેઠા બોલતા રહ્યા અને અમુક લોકો ઉભા થયા. હવે અમારે ઉભા થવું પડશે.

Continues below advertisement

ધર્મના લિબાસમાં અધર્મ છુપાયો છે

મોરારિ બાપુએ નામ લીધા વિના પ્રહારો કરતાં કહ્યું, ધર્મના લિબાસમાં અધર્મ છુપાયો છે તેનું નિર્વાણ કેમ થાય તે આપણે જોવાનું છે. અમારી વ્યાસ પીઠ હંમેશા સનાતન ધર્મની સાથે જ છે. વ્યાસપીઠ અમારી સંજીવની છે.  મોરારિ બાપુએ પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વિના કહ્યું, ઘાટ પણ બાંધવો છે, ગંગાનું પાણી પીવું છે, તેમાં ન્હાવું છે,પાપ પણ ધોવા છે પરંતુ ઘાટને મહાન ગણવો છે, પોતાને મહાન ગણવા છે. આ બધુ અજાણતા નહીં પરંતુ જાણી જોઇને કરે છે, આપણે આ પરિવર્તન લાવવું જોઇએ.

ચાપરડાના સંત મુક્તાનંદ બાપુએ પ્રવચન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવા સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટે માંગ કરી છે. દેશમાં 100 કરોડ કરતા વધુ વસ્તી ધરાવતો હિન્દૂ સમાજ છે. જો હિંદુઓ એક થાય તો કોઈ મહાસત્તા રોકી ન શકે.

અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી બાપુએ કહ્યું હતું કે પૂજ્ય ચેતન્ય શંભુ મહારાજે કહ્યું દેશમાં હિંદુઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. દેશમાં ફરી સનાતન ધર્મનો પ્રચાર થાય અને હિન્દુઓનું ધર્માંતરણ અટકાવવામાં આવશે. જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ આદિવાસી વિસ્તારોમાં જવાનો નિર્ણય કર્યો છે. બે વખત આદિવાસી વિસ્તારોમાં તેમણે પ્રવાસ પણ કર્યો છે. આદિવાસી વિસ્તારોમાં થતું ધર્માંતરણ રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. દેશમાં હિંદુઓનું ધર્માંતરણ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. બે દિવસ પહેલા જ હિંદુઓની યાત્રાળુઓની બસ પર જમ્મુમાં આંતકવાદી હુમલો થયો. આ હુમલાની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ.