Holi 2022: Holi 2022: હોળીના તહેવારમાં રંગો રમવાનું કોને ન ગમે? જાણો, કોને કયો રંગ લગાવવો જોઇએ અને ક્યાં રંગથી હોળી રમવાથી  જીવનમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.  


રંગો કોને ન ગમે? જો જીવન રંગોથી ભરેલું હોય તો જીવન જીવવાની મજા પણ બમણી થઈ જાય છે. હોળી પણ રંગોનું પર્વ છે. હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ વર્ષે હોળી 18મી માર્ચે છે. રંગોને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક મનાય છે. તો હોળીના પર્વે ક્યાં રંગોથી હોળી રમવાથી ખુશીમાં વધારો થાય છે તેમજ સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા વધે છે. તો જાણીએ કે ક્યાં રંગથી હોળી રમવાથી નસીબ આડેનું પાંદડું હટી જાય છે અને ભાગ્યોદય થાય છે.


ગુલાબી રંગ


 આ રંગ પ્રેમનો રંગ છે. આ રંગથી હોળી રમવાથી પ્રેમ વધે છે. જે લોકો તેમના જીવનસાથી અથવા પ્રેમી સાથે હોળી રમવાની તૈયારી કરી રહ્યા છે, તેમને આ રંગથી હોળી રમવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી સંબંધ વધુ મજબૂત થશે. આ રંગથી હોળી રમવાથી પરસ્પર મતભેદો  સમાપ્ત થાય છે અને જીવનમાં પ્રેમ વધે છે.


લાલ રંગ


 લાલ રંગને ઉર્જા અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ રંગ ગ્રહોના સેના પતિ મંગળનો રંગ  છે. આ રંગના ઉપયોગથી મંગળ બળવાન બને છે. લાલ રંગ કે ગુલાલથી હોળી રમવાથી સ્વાસ્થ્યનું સુખ મળે છે અને સન્માન વધે છે. જે લોકો સૈન્ય દળ સાથે સંકળાયેલા છે તેમના માટે લાલ રંગથી હોળી રમવી વિશેષ શુભ માનવામાં આવે છે. જો કે જે લોકો કોઈ પણ વસ્તુ પર જલ્દી ગુસ્સે થઈ જાય છે, જેમનું બીપી હાઈ રહે છે અથવા જે લોકોના વિચારોમાં નેગેટિવિટી વધુ હોય છે તેવા લોકોએ આ રંગનો ઉપયોગ ટાળવો જોઈએ. જો ભાઈ સાથે વિવાદ ચાલી રહ્યો હોય અથવા ભાઈના આશીર્વાદ અને શુભકામનાઓ લેવાની હોય તો ભાઈએ લાલ રંગનું તિલક કરવું જોઈએ. આ કારણે મંગળની કૃપાથી ભાગ્ય ખુલે છે અને સૂમેળ સર્જાય છે.


લીલો રંગ


 લીલો રંગ સમૃદ્ધિ, પ્રેમ, પ્રગતિ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. લીલો રંગ બુધ ગ્રહને સમર્પિત છે. લીલા રંગના ઉપયોગથી બુધ બળવાન બને છે. તેથી, લીલા રંગ અથવા ગુલાલથી હોળી રમવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, પ્રેમ, પ્રગતિ અને આરોગ્ય આવે છે.  નિર્ણય લેવાની ક્ષમતા, બુદ્ધિ અને વિવેકબુદ્ધિને વધારે છે. વેપારમાં પ્રગતિ થશે. પ્રેમ સંબંધોને મજબૂત કરવા માટે તમે લીલા રંગથી પણ હોળી રમી શકો છો. આ રંગ જીવનમાં શાંતિ લાવે છે. લીલો રંગ ઉત્તરનું પ્રતીક માનવામાં આવે છે. બહેનને પ્રસન્ન કરવાથી બુધની કૃપા પ્રાપ્ત થાય છે. તેથી બહેનને લીલો રંગ લગાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય મળે છે.


પીળો રંગ


 ભગવાન કૃષ્ણને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. પીળા રંગથી હોળી રમવાથી જીવનમાં  પ્રેમ, સુંદરતા અને આનંદ વધે છે. પીળો રંગ દેવતાઓના ગુરુ બૃહસ્પતિનું પ્રતિનિધિત્વ કરે છે. તેના ઉપયોગથી કીર્તિ વધે છે. જો કોઈના સંબંધમાં સમસ્યાઓ ચાલી રહી છે. જો વધારે વિવાદ સર્જાતો હોય તો તેની સાથે પીળા રંગથી  હોળી રમો. આના કારણે બંનેના સંબંધો વચ્ચેના નકારાત્મક વિચારો ઓછા થાય છે અને હતાશા દૂર થાય છે. ગુરુના આશીર્વાદ લઇને ગુરૂને તિલક કરીને પીળા રંગથી હોળી રમવાથી સંબંધમાં સૂમેળ સર્જાય છે વિવાદ, મતભેદો દૂર થાય છે.