સદ્ગુરુ: આજે, જેમ જેમ સમાજો આધુનિક બની રહ્યા છે, સંસ્કૃતિઓ એકદમ "શરીરની સંસ્કૃતિઓ" બની રહી છે. શરીર એ સૌથી મોટો ભાગ બની ગયું છે. જેમ જેમ આપણે વિકસિત થઈએ, અન્ય પાસાઓ વધારે મહત્ત્વના બનવા જોઈએ. પણ દુર્ભાગ્યથી, શરીર બીજા કંઈપણ કરતા વધુ મહત્વનું બની ગયું છે. બધું જ બસ શરીર વિશે છે. જે રીતે સમાજ પોતાને આકાર આપી રહ્યો છે અને જે રીતે આપણે આપણા બાળકોના મનને આકાર આપી રહ્યા છીએ તે એ છે કે જો તમે કોઈ પુરુષ કે સ્ત્રીને જુઓ, તો તમારે તેમને એક એવી વસ્તુ તરીકે જોવા જોઈએ જે તમારા માટે આનંદદાયક હોય. સમાજ આને લઈને ચરમસીમાઓ સુધી જઈ રહ્યું છે.


હું ઈચ્છું છું કે લોકો પોતાની જાતને એક માણસ તરીકે જુએ, પુરૂષ કે સ્ત્રી તરીકે નહીં. તમારા જીવનની અમુક ચોક્કસ ક્ષણોમાં જ તમારે એક ચોક્કસ ભૂમિકા ભજવવા માટે એક પુરુષ કે સ્ત્રી બનવું પડે છે. પુરુષ કે સ્ત્રી હોવું એ તમારો એક નાનકડો ભાગ છે. જો લોકો જીવનને તે રીતે જુએ જેવું તે છે, તો કામુકતા તેની સાચી જગ્યાએ રહેશે - તમારા જીવનમાં એક નાનકડા સ્થાન પર. તે એટલું મોટું નહીં હોય. તે એવી રીતે જ હોવું જોઈએ. દરેક જીવમાં તે આવું જ હોય છે. પ્રાણીઓ આખો સમય તેના વિશે નથી વિચારતા. જ્યારે તેમનામાં કામુકતા હોય છે ત્યારે તે હોય છે. નહિતર તેઓ સતત આ નથી વિચારતા કે કોણ પુરુષ છે, કોણ સ્ત્રી છે. ફક્ત માણસો જ તેના પર અટકેલાં છે.


તમે જેને પુરુષ અથવા સ્ત્રી કહો છો તે એક ચોક્કસ કુદરતી પ્રક્રિયાને માટે માત્ર એક નાનકડા શારીરિક તફાવતનો પ્રશ્ન છે. તમારે તમારી જાતિને હંમેશા રસ્તામાં લઈને ફરવાની જરૂર નથી. જો તમે તમારી જાતને શરીરના અમુક મર્યાદિત અંગોથી જ ઓળખો છો, તો કુદરતી રીતે તમારી સાથે તે રીતે વ્યવહાર કરવામાં આવશે. શા માટે આપણે શરીરના એક અંગને આટલું વધારે મહત્વ આપ્યું છે? શરીરનો કોઈપણ અંગ આ પ્રકારનું મહત્વ આપવાને લાયક નથી. જો કોઈ અંગને આ પ્રકારનું મહત્વ આપવું હોય, તો કદાચ મગજ તેના લાયક હોઈ શકે, ગુપ્તાંગ નહીં. એટલે 24 કલાક પુરુષ કે સ્ત્રીની ભૂમિકા ભજવવી જરૂરી નથી. અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં તમે આ ભૂમિકા ભજવો. બાકીના સમયે, તમારે ન તો પુરુષ કે ન સ્ત્રી બનવાની જરૂર છે. જો તમે એક પુરુષ કે સ્ત્રી તરીકે રહો, તો તમે ક્યારેય મુક્ત નહીં થાઓ.


સમસ્યાનું મૂળ એ છે કે જીવનની ભૌતિકતામાં વધુ પડતું રોકાણ કરવામાં આવ્યું છે. તમને લાગે છે કે આ ભૌતિક શરીર એ અંતિમ સીમા છે. જે ક્ષણે તમારી ભૌતિકતાની સીમાઓ જીવનની અંતિમ સીમાઓ બની જાય, ત્યારે તમે તમારા શ્વાસનો અનુભવ પણ નથી કરી શક્તા. તમને જીવંત રાખતી વસ્તુનો આધાર પણ તમે નથી અનુભવતા.


જ્યાં પણ સમાજો આધ્યાત્મ લક્ષી હતા, ત્યાં પુરુષ કે સ્ત્રી હોવું એ કોઈ સમસ્યા નહોતી કારણ કે તમારું પુરુષ કે સ્ત્રી હોવું મૂળભૂત રીતે શારીરિક છે. આધ્યાત્મિકતા સાચા કે ખોટા હોવા વિશે, કે ઈશ્વર કે સ્વર્ગ વિશે નથી. આધ્યાત્મિકતાનો અર્થ એ નથી કે તમારી કોઈ ફિલોસોફી કે બીજું કંઈક હોવું જોઈએ કે માનવું પડશે. આધ્યાત્મિકતાનું આખું પરિમાણ ભૌતિકથી આગળ વધવાનું છે. જો તમારો જીવનનો અનુભવ ભૌતિકતાની મર્યાદાઓને પાર કરી દે, તો આપણે કહીએ છીએ કે તમે આધ્યાત્મિક છો. જો ભૌતિકથી આગળની કોઈ વસ્તુ તમારી અંદર એક જીવંત વાસ્તવિકતા બની જાય, તો તમે તમારી ભૌતિકતાને અત્યંત સરળતાથી સંભાળી શકો છો.


જ્યાં સુધી વ્યક્તિ પોતાને એક ભૌતિક શરીર તરીકે જ અનુભવે, ત્યાં સુધી આ એક બહાર ના નિકળી શકાય તેવું બંધન છે. સ્વતંત્રતા ત્યારે જ હોઈ શકે છે જ્યારે લોકો પોતાને ભૌતિક શરીર કરતા કંઈક વધુ તરીકે અનુભવ કરવા લાગે. સમગ્ર આધ્યાત્મિક પ્રક્રિયા અને યોગનું આખું વિજ્ઞાન બસ આના વિશે જ છે - ભલે તમે પુરુષ હોવ કે સ્ત્રી હોવ, તમારા ભૌતિક શરીરની મર્યાદાઓથી આગળ સ્વયંનો અનુભવ કરવામાં તમને મદદ કરવા માટે. સ્વતંત્રતા એમાં જ છે. જાતિય રીતે મુક્ત થઈને કોઈ મુક્ત નથી થતું, જો તમે તમારી જાતિથી મુક્ત થઈ જાઓ, તો જ તમે મુક્ત થાઓ છો.


ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, રહસ્યવાદી, યુગદૃષ્ટા અને ન્યુ યોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને 2017 માં ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા છે, જે સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર છે, જે અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. તેઓ વિશ્વની સૌથી મોટી લોક ચળવળ, કોન્શિયસ પ્લેનેટસેવ સોઈલના સ્થાપક છે, જેણે 4 અબ્બજથી વધુ લોકોને સ્પર્શ કર્યા છે.