Mars transit in Cancer: ગ્રહમંડળમાં થતા ફેરફારોની સીધી અસર માનવજીવન અને વૈશ્વિક ઘટનાક્રમ પર પડતી હોય છે. ગુજરાતના પ્રખ્યાત જ્યોતિષી ચેતન પટેલની તાજેતરની આગાહી મુજબ, આગામી 18 સપ્ટેમ્બર 2026 ના રોજ સાંજે આશરે 5:03 વાગ્યે મંગળ ગ્રહ પોતાની નીચ રાશિ કર્કમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. મંગળ આ રાશિમાં 12 નવેમ્બર સુધી બિરાજમાન રહેશે. ખાસ બાબત એ છે કે, કર્ક રાશિમાં પહેલેથી જ દેવગુરુ બૃહસ્પતિ (ગુરુ) બિરાજમાન છે. જ્યોતિષશાસ્ત્રના નિયમો અનુસાર, જ્યારે ઉચ્ચ રાશિનો ગુરુ અને નીચ રાશિનો મંગળ એકસાથે આવે છે, ત્યારે એક અત્યંત શક્તિશાળી 'નીચભંગ રાજયોગ' રચાય છે. આ અનોખા ગ્રહયોગના કારણે દેશ અને દુનિયામાં અનેક હકારાત્મક અને મોટી ઉથલપાથલો જોવા મળશે.
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામની પ્રબળ શક્યતા
વૈદિક જ્યોતિષમાં મંગળને યુદ્ધ, સેના, સંઘર્ષ અને ઊર્જાનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ ગોચર કાળ દરમિયાન સીમા સુરક્ષા, આંતરરાષ્ટ્રીય વાટાઘાટો અને સંરક્ષણ જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહેશે. 18 સપ્ટેમ્બરથી રચાતો ગુરુ-મંગળનો આ 'નીચભંગ રાજયોગ' શાંતિના સંકેતો આપી રહ્યો છે. જ્યોતિષીય ગણતરી મુજબ, સપ્ટેમ્બરથી ઓક્ટોબરના સમયગાળા વચ્ચે કોઈ મહાસત્તાની મધ્યસ્થીથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં મોટો ઘટાડો થઈ શકે છે અને યુદ્ધવિરામની ઐતિહાસિક ઘોષણા થવાની પૂરી શક્યતા છે.
શેરબજાર અને અર્થતંત્રમાં અસાધારણ વધઘટ
18 સપ્ટેમ્બરથી 12 નવેમ્બર સુધીના સમયગાળામાં વૈશ્વિક બજારોમાં ભારે 'વોલેટિલિટી' (ઉથલપાથલ) જોવા મળશે. મંગળની ઊર્જા અને ગુરુની વૃદ્ધિના સમન્વયથી કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ, રિયલ એસ્ટેટ, એનર્જી અને ટેક્નોલોજી સેક્ટરમાં સક્રિયતા વધશે. આર્થિક મોરચે, ક્રૂડ ઓઈલના ભાવોમાં ઘટાડો નોંધાઈ શકે છે, જ્યારે બીજી તરફ સોના-ચાંદી અને શેરબજારમાં મોટી તેજી જોવા મળી શકે છે. રોકાણકારોએ અચાનક અને ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું હિતાવહ રહેશે.
ભારત પર ગોચરની અસર
ભારત દેશની કુંડળી વૃષભ લગ્નની છે. આ ગોચર દરમિયાન મંગળ ત્રીજા એટલે કે પાડોશીના ભાવમાંથી પસાર થશે. આ સ્થિતિને કારણે સરહદ પર પાડોશી દેશો સાથે નાની-મોટી ગરમાગરમી થઈ શકે છે. જોકે, ગુરુની શુભ દૃષ્ટિ અને યુતિ હોવાથી દેશ પર કોઈ મોટું કે ગંભીર સંકટ આવશે નહીં.
કર્ક એક જળ તત્ત્વની રાશિ છે, જે જનતા, આંતરિક સુરક્ષા અને ઘર-પરિવાર સાથે સંબંધ ધરાવે છે. આથી, આ સમયગાળામાં પાણીને લગતી ઘટનાઓ, નદી-ડેમ, વરસાદ અને દરિયાઈ વિસ્તારોમાં વિશેષ હલચલ જોવા મળી શકે છે. ક્યાંક આગ કે અકસ્માત જેવી છૂટીછવાઈ કુદરતી આફતોને કારણે નાનું-મોટું નુકસાન થવાની સંભાવના પણ નકારી શકાય નહીં.
6 ભાગ્યશાળી રાશિઓ માટે પરિવર્તનના સંકેત
આ ગોચર નીચે મુજબની 6 રાશિઓ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે:
મેષ: મિલકત, વાહન અને ઘર-પરિવારને લગતા નિર્ણયો લેવા માટે આ સમય ખૂબ જ મહત્ત્વનો બની રહેશે. કોઈપણ કાર્યમાં ઉતાવળ કરવાને બદલે યોગ્ય આયોજન કરવું જરૂરી છે.
વૃષભ: ત્રીજા ભાવમાં મંગળનું ભ્રમણ સાહસ અને પરાક્રમમાં વધારો કરશે. પ્રવાસ અને સ્પર્ધાત્મક કાર્યોમાં ધારી સફળતા મળી શકે છે.
સિંહ: બારમા ભાવમાં થતું આ ગોચર વિદેશી સંપર્કો અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથેના કામકાજને વેગ આપશે. જોકે, ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે.
કન્યા: 11મા (લાભ) ભાવમાં મંગળ આવવાથી આવકના નવા સ્રોત ઊભા થશે. વ્યવસાયિક નેટવર્ક અને સંપર્કો દ્વારા મોટો આર્થિક લાભ થવાની તકો વધશે.
તુલા: દસમા (કર્મ) ભાવમાં મંગળ કારકિર્દીમાં નવી ઊંચાઈઓ આપશે. નોકરી કે વ્યવસાયમાં નવી જવાબદારીઓ અને સક્રિયતા વધશે.
કુંભ: છઠ્ઠા ભાવનો મંગળ શત્રુહંતા યોગ બનાવશે. નોકરીમાં પ્રગતિ થશે અને હરીફો કે વિરોધીઓ સામે તમારી સ્થિતિ અત્યંત મજબૂત બનશે.
ખાસ સમયગાળો નોંધવા જેવો છે: મંગળ અને ગુરુની યુતિનો સૌથી પ્રભાવશાળી તબક્કો 18 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધીનો રહેશે. 31 ઓક્ટોબરે ગુરુ કર્ક રાશિમાંથી વિદાય લેશે. ત્યારબાદ 1 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી મંગળ એકલો કર્ક રાશિમાં ભ્રમણ કરશે, જેનાથી ગ્રહયોગના ફળમાં થોડો બદલાવ આવી શકે છે.
