Chaitr Navaratri 2025: ચૈત્ર  નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. દેવીનું સ્વરૂપ ખૂબ જ આહલાદક અને ભવ્ય છે. ‘બ્રહ્મ’નો અર્થ થાય છે તપ. એટલે કે આ તપ કરનારી દેવી છે. નારદજીના કહેવા પર તેમણે અનેક હજાર વર્ષો સુધી ભગવાન શિવ માટે તપસ્યા કરી હતી. તેમના તપોમચ આચરણના ફળસ્વરૂપ તેમનું નામ 'બ્રહ્મચારિણી' પડ્યું હતું.

Continues below advertisement

માતાના એક હાથમાં કમંડલ છે અને બીજા હાથમાં જપ માટે માળા છે. માતાનું આ તપસ્વી સ્વરૂપ દરેકને અનેક ફળ આપનાર છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં પુણ્યની વૃદ્ધિ થાય છે. માતાના આશીર્વાદથી તે ક્યારેય કર્તવ્યના માર્ગથી ભટકતો નથી. તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. આ દિવસે તપસ્વીનું મન સ્વાધિષ્ઠાનમાં રહે છે.

મા બ્રહ્મચારિણીનો મંત્ર

Continues below advertisement

दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलु देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा ||

મા બ્રહ્મચારિણીની કથા

નોંધનીય છે કે જ્યારે સતીનો ફરીથી જન્મ થયો ત્યારે તેઓ હિમાલયના રાજાની પુત્રી તરીકે જન્મ્યા હતા. નારદજીની સલાહ પર તેમણે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેથી જ તેઓને 'તપશ્ચારિણી' અથવા 'બ્રહ્મચારિણી' કહેવામાં આવે છે. હજારો વર્ષ સુધી કંદમૂળ ખાઇને વિતાવ્યા. તેઓ ગરમી, વરસાદ અને ઠંડી સહન કરતા આકાશ નીચે સૂતા. કેટલાક દિવસો તો તેઓ સૂખા બિલિપત્ર ખાઈને રહ્યા. ત્યારબાદ તેમણે પાન પણ ખાવાનું છોડી દીધું અને તેઓ 'અપર્ણા'ના રૂપમાં ઓળખાયા. ભગવાન શિવે અનેક વખત તેમની પરીક્ષા લીધી તેમાં તેઓ સંપૂર્ણ સફળ રહ્યા હતા. આ તપસ્યાનું પરિણામ એ આવ્યું કે તેમને ભગવાન બ્રહ્માના આશીર્વાદ મળ્યા.

ભગવાન બ્રહ્માજીએ તેમને આશ્વાસન આપ્યું કે તેમના ભગવાન શિવ સાથે લગ્ન જરૂર થશે અને સાથે જ સલાહ આપી હતી કે તેમના પિતા થોડીવારમાં અહીં પહોંચશે જેથી તેઓએ તેમના પિતા સાથે હિમાલયમાં પાછા ફરવું જોઈએ અને ભગવાન શિવજીની રાહ જોવી જોઈએ.

આજે સફેદ રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. દેવી પુરાણ અનુસાર આ દિવસે બે કુંવારી કન્યાઓને ભોજન અર્પણ કરવામાં આવે છે.

નોંધ- ઉપર આપેલા મંતવ્યો લેખકના અંગત મંતવ્યો છે. જરૂરી નથી કે એબીપી ન્યૂઝ ગ્રુપ આ સાથે સહમત હોય. આ લેખ સંબંધિત તમામ દાવાઓ અથવા વાંધાઓ માટે ફક્ત લેખક જ જવાબદાર છે.