RR vs CSK match result 2025: આઈપીએલ ૨૦૨૫ની ૧૧મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં રાજસ્થાન રોયલ્સે એક રોમાંચક મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સને ૬ રનથી પરાજય આપ્યો હતો. આ હાર સાથે ચેન્નાઈ સુપર કિંગ્સને આ સિઝનમાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે.
મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૮૨ રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકસાને ૧૭૬ રન જ બનાવી શકી હતી.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી રહી ન હતી અને યશસ્વી જયસ્વાલ (૪) પહેલી જ ઓવરમાં ખલીલ અહેમદનો શિકાર બન્યો હતો. જો કે, ત્યારબાદ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા નીતિશ રાણાએ આ મેચમાં આક્રમક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે ઓપનર સંજુ સેમસન સાથે મળીને બીજી વિકેટ માટે ૮૨ રનની ભાગીદારી નોંધાવી હતી. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગમાં આવેલા સંજુ સેમસન ૧૬ બોલમાં ૨૦ રન બનાવીને નૂર અહેમદનો શિકાર બન્યા હતા. ત્યારબાદ નીતિશ રાણાએ કેપ્ટન રિયાન પરાગ સાથે મળીને ૨૪ બોલમાં ૩૮ રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન ડાબોડી બેટ્સમેન નીતિશ રાણાએ ૨૧ બોલમાં પોતાની ૧૯મી અડધી સદી પૂરી કરી હતી અને અંતે તે ૩૬ બોલમાં તોફાની ૮૧ રન બનાવીને ધોની દ્વારા સ્ટમ્પ આઉટ થયો હતો. ૧૨૪ રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ રાજસ્થાનનો મિડલ ઓર્ડર થોડો લથડ્યો હતો. ધ્રુવ જુરેલે ૩ રન, વાનિન્દુ હસરંગાએ ૪ રન અને કુમાર કાર્તિકેયે ૧ રન બનાવ્યા હતા. જો કે, મહિષ તિક્ષાના ૨ રન અને તુષાર દેશપાંડે ૧ રન બનાવીને અણનમ રહ્યા હતા, જ્યારે જોફ્રા આર્ચર પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. બોલિંગમાં ચેન્નાઈ તરફથી નૂર અહેમદ, ખલીલ અહેમદ અને મથિસા પથિરાનાએ ૨-૨ વિકેટ લીધી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત પણ ખાસ રહી ન હતી અને પહેલી જ ઓવરમાં જોફ્રા આર્ચરે રચિન રવિન્દ્રને વિકેટકીપરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો, અને તે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ત્યારબાદ રાહુલ ત્રિપાઠી અને ઋતુરાજ ગાયકવાડ વચ્ચે ૪૬ રનની ભાગીદારી થઈ હતી. જ્યાં સુધી આ બંને બેટિંગ કરી રહ્યા હતા ત્યાં સુધી એવું લાગી રહ્યું હતું કે ચેન્નાઈ મેચ પર પોતાની પકડ મજબૂત કરી રહી છે. પરંતુ વાનિન્દુ હસરંગાએ રાહુલ ત્રિપાઠીને આઉટ કરીને CSKને મોટો ઝટકો આપ્યો હતો. તે ૧૯ બોલમાં ૨૩ રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા શિવમ દુબેએ ૧૦ બોલમાં ૧૮ રન બનાવ્યા હતા અને વિજય શંકર ૬ બોલમાં ૯ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ઋતુરાજ ગાયકવાડ એક છેડેથી સતત સારી બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ તે પણ ૪૪ બોલમાં ૬૩ રન બનાવીને આઉટ થઈ ગયો હતો અને અંતે ચેન્નાઈ સુપર કિંગ્સ નિર્ધારિત ઓવરમાં ૧૭૬ રન જ બનાવી શકી અને મેચ ૬ રનથી હારી ગઈ હતી.