Chaitra Navratri Puja: ચૈત્ર નવરાત્રીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ 9 દિવસો દરમિયાન મા જગદમ્બેના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.


ચૈત્ર નવરાત્રી 2024 એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે નવ રાત. કેટલાક રાજ્યોમાં નવરાત્રીને ગુડી પડવા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૈત્ર મહિનાની પહેલી તારીખથી નવરાત્રિ શરૂ થાય છે. હિન્દુઓનું નવું વર્ષ પણ આ દિવસથી શરૂ થાય છે.


ચૈત્ર નવરાત્રિ દરમિયાન, લોકો મા દુર્ગાના નવ સ્વરૂપો એટલે કે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, મા કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની સતત 9 દિવસ સુધી મહાન વિધિ સાથે પૂજા કરે છે. નવરાત્રિની પ્રથમ તિથિએ કલશની સ્થાપના કરવામાં આવે છે. તે પછી 9 દિવસ સુધી કલશની પૂજા કરવામાં આવે છે.


આ વખતે ચૈત્રી નવરાત્રી 9 એપ્રિલ એટલે કે મંગળવારથી શરૂ થશે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. આ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘટસ્થાપનનું  શુભ મુહુર્ત  સવારે 06:01 થી 10:15 સુધીનું રહેશે


માતાનું વાહન શું હશે


ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનું વાહન  ઘોડો હશે. માતા રાની ઘોડા પર સવાર થઇને આવે છે. માતાજીનું વાહન શું હશે તે એ વાત પર નિર્ભર હોય છે કે નવરાત્રિ ક્યાં દિવસથી શરૂ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રીની શરૂઆત 9 એપ્રિલ મંગળવારથી શરૂ થઇ રહી છે. તેથી મા દુર્ગાનું વાહન અશ્વ એટલે કે ઘોડો છે. જો કે માની અશ્વ પર સવારી શુભ નથી માનવામાં આવતી. માતાની ઘોડા પર સવારી આફતનો સંકેત આપે છે.


ચૈત્ર નવરાત્રિનું મહત્વ


હિન્દુ પંચાગ અનુસાર નવા વર્ષના પ્રારંભથી રામ નવમી સુધી ચૈત્ર નવરાત્રિનું પર્વ મનાવવામાં આવે છે. આ નવરાત્રિને વસંતના નામથી પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિના પહેલા નોરતે ઘટસ્થાપન કરવામાં આવે છે. નવ દિવસ સુધી માના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. કોઇ પણ મંત્રનું અનુષ્ઠાન પણ કરી શકાય છે. જેમાં નિશ્ચિત સંખ્યામાં નિશ્ચિત સમયે અને સ્થાનં મંત્રોજાપ કરવાના હોય છે. નવરાત્રિમાં કરેલા જાપનું શીઘ્ર ફળ મળતુ હોવાથી અનુષ્ઠાનનું વિશેષ મહત્વ છે. માની અખંડ જ્યોત સાથે અનુષ્ઠાન કરવાનું વિધાન છે એટકે  9 દિવસ સુધી માના પૂજા સ્થાને અખંડ દીપક રાખવામાં આવે છે.