Maruti Suzuki Fronx Export: ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં મારુતિ સુઝુકી (Maruti Suzuki) નો દબદબો છે એ તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ, તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ કંપની માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ પોતાની 'મેડ ઈન ઈન્ડિયા' કારનો જલવો વિખેરી રહી છે. ખાસ કરીને મારુતિ સુઝુકીની લોકપ્રિય કાર 'ફ્રોન્ક્સ' (Fronx) ની વિદેશોમાં બમ્પર ડિમાન્ડ જોવા મળી રહી છે. તાજેતરમાં જ આ કારની નિકાસ (Export) નો આંકડો 2 લાખ યુનિટને વટાવી ગયો છે.
સૌથી ઝડપી 2 લાખનો આંકડો પાર કર્યો
આ સિદ્ધિ હાંસલ કરવાની સાથે જ ફ્રોન્ક્સ સૌથી ઝડપી 2 લાખ યુનિટની નિકાસનો રેકોર્ડ બનાવનાર કાર બની ગઈ છે. આ શાનદાર કોમ્પેક્ટ SUV ને 2 લાખના ઐતિહાસિક આંકડા સુધી પહોંચવામાં માત્ર 38 મહિનાનો સમય લાગ્યો છે. નોંધનીય છે કે, ફ્રોન્ક્સની નિકાસ જૂન 2023 માં શરૂ કરવામાં આવી હતી. હાલમાં આ 'મેડ ઇન ઇન્ડિયા' SUV દુનિયાના 90 જેટલા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. આપણા માટે ગર્વની વાત એ છે કે, મારુતિ આ કારનું ઉત્પાદન ગુજરાતમાં આવેલા હાંસલપુર પ્લાન્ટમાં જ કરે છે.
નિકાસના આંકડાઓ પર નજર કરીએ તો, શરૂઆતના 25 મહિનામાં ફ્રોન્ક્સના 1,00,000 (એક લાખ) યુનિટ વિદેશ મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ કંપનીને બીજા 1,00,000 યુનિટ (એટલે કે કુલ 2 લાખ) નિકાસ કરવામાં માત્ર 13 મહિનાનો જ સમય લાગ્યો. આ સમયગાળો સ્પષ્ટપણે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કારની માંગ કેટલી તેજીથી વધી રહી છે. તેમાં પણ જાપાન આ કાર માટેનું મુખ્ય નિકાસ બજાર બની ગયું છે.
એક્સપોર્ટ માર્કેટમાં મારુતિનો દબદબો
મારુતિ સુઝુકીના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 માં ભારતમાંથી સૌથી વધુ નિકાસ થતી પેસેન્જર કારમાં ફ્રોન્ક્સ મોખરે રહેશે. 2026 ના બીજા ક્વાર્ટર (Q2) ની જ વાત કરીએ તો, ફ્રોન્ક્સના 23,803 યુનિટ એકલા આ સમયગાળામાં વિદેશોમાં મોકલવામાં આવ્યા હતા.
નાણાકીય વર્ષ 2026 ના ડેટા મુજબ, નિકાસના મામલે મારુતિ સુઝુકી સૌથી મોટી ખેલાડી બનીને ઉભરી છે. કંપનીએ ભારતમાંથી કુલ 4,43,825 યુનિટ કારની નિકાસ કરી હતી. જેની સરખામણીમાં હ્યુન્ડાઇએ 1,90,125 યુનિટ, નિસાને 82,408 યુનિટ, ફોક્સવેગને 40,143 યુનિટ અને ટોયોટાએ 38,974 યુનિટ નિકાસ કર્યા હતા.
ભારતીય બજારમાં પણ વેચાણમાં મોટો ઉછાળો
આ કાર માત્ર વિદેશમાં જ નહીં, પણ ભારતીય બજારમાં પણ લોકોની ફેવરિટ બની છે. જુલાઈ 2026 માં, ભારતમાં ફ્રોન્ક્સના 19,473 યુનિટ વેચાયા હતા. જ્યારે ગયા વર્ષે જુલાઈમાં આ આંકડો 12,872 યુનિટનો હતો. એટલે કે આ વેચાણમાં વાર્ષિક ધોરણે સીધો 51% નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત જૂન 2026 માં પણ મારુતિ ફ્રોન્ક્સના 13,135 યુનિટ વેચાયા હતા.
આ પણ વાંચોઃ માત્ર ₹50,000 ના ડાઉન પેમેન્ટ પર લાવો Maruti Swift! જાણો દર મહિને કેટલી આવશે EMI
કિંમત અને શાનદાર માઇલેજ
જો તમે પણ આ કાર ખરીદવાનું મન બનાવી રહ્યા છો, તો જણાવી દઈએ કે ભારતમાં મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ પેટ્રોલ, માઇલ્ડ હાઇબ્રિડ અને CNG એમ વિવિધ ઇંધણ વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેની કિંમત ₹6.85 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થઈને ટોપ મોડલ માટે ₹11.98 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે.
સૌથી આકર્ષક બાબત આ કારની માઇલેજ છે. ફ્રોન્ક્સનું CNG વેરિઅન્ટ 28.51 કિલોમીટર પ્રતિ કિલોગ્રામની જબરદસ્ત માઇલેજ આપે છે. જ્યારે તેનું સ્માર્ટ હાઇબ્રિડ મોડલ 21.5 કિલોમીટર પ્રતિ લિટર અને પેટ્રોલ વેરિઅન્ટ 21.79 કિલોમીટર પ્રતિ લિટરની શાનદાર માઇલેજ આપે છે.
Car loan Information:
Calculate Car Loan EMI