ABS Mandatory Rule For Two Wheelers: રસ્તા પર ટુ વ્હીલર ચાલકોની સલામતી હંમેશા એક મોટો પડકાર રહ્યો છે. પરંતુ હવે સરકાર આ માટે નવી યોજનાઓ બનાવી રહી છે. દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતોમાં લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને સરકાર ટુ વ્હીલર્સમાં એક નવું સેફ્ટી ફીચરને ફરજિયાત બનાવવાની તૈયારી કરી રહી છે. આવતા વર્ષથી દેશમાં વેચાતા તમામ ટુ વ્હીલર્સમાં એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) ફરજિયાત બનાવવાની યોજના છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય (MoRTH) આગામી સમયમાં આ સંદર્ભમાં એક નોટિફિકેશન જાહેર કરવા જઈ રહ્યું છે. જે હેઠળ, જાન્યુઆરી 2026થી દેશમાં ઉત્પાદિત તમામ ટુ વ્હીલર્સમાં એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) આપવી ફરજિયાત બનશે, પછી ભલે તે મોટરસાઇકલ હોય કે સ્કૂટર.

ખાસ વાત એ છે કે, આ સેફ્ટી ફીચર લાગુ કરવા માટે એન્જિન કેટેગરીમાં કોઈ ભેદભાવ રહેશે નહીં. ટુ વ્હીલરની એન્જિન ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના તેમાં ABS ફરજિયાત રહેશે.

ABS શું છે?

ABS એટલે કે એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ એ એક સેફ્ટી ફીચર છે જે બાઇક (અથવા કોઈપણ વાહન) ને બ્રેક મારતી વખતે ટાયરોને લોક થવાથી અટકાવે છે. તેનું મુખ્ય કાર્ય એ છે કે જ્યારે ડ્રાઇવર કટોકટીની પરિસ્થિતિમાં અચાનક સખત બ્રેક લગાવે છે, ત્યારે ટાયર સ્લીપ ખાતા નથી અને બાઇક સંતુલિત રહે છે. આજકાલ રોજિંદા જીવનમાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી ફીચર છે.

જો કોઈ ડ્રાઇવર બાઇક ચલાવતી વખતે અચાનક અવરોધનો સામનો કરે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વાહન સામે આવે અથવા રસ્તો ખરાબ હોય તો લોકો ઘણીવાર જોરથી બ્રેક લગાવે છે. આવી સ્થિતિમાં જો ટાયર લોક થઈ જાય (એટલે ​​કે ફરવાનું બંધ થઈ જાય), તો બાઇક સ્લીપ થઇ શકે છે અને અકસ્માત થઈ શકે છે. ABS આ પરિસ્થિતિને ટાળવા માટે કામ કરે છે.

ABS કેવી રીતે કાર્ય કરે છે?

ABSમાં કેટલાક ખાસ સેન્સર અને ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ (ECU) છે જે સતત ટાયરની ગતિનું નિરીક્ષણ કરે છે.

બ્રેક લગાવતાની સાથે જ સેન્સર ટાયરની ગતિનું નિરીક્ષણ કરે છે.

જો કોઈ ટાયર અચાનક લોક થવા લાગે છે તો ABS તે ટાયર પર થોડા સમય માટે બ્રેક પ્રેશરને ઘટાડે છે.

બાઇક સંતુલિત થતાં જ આ સિસ્ટમ તરત જ ફરીથી બ્રેક લગાવે છે.

આ પ્રક્રિયા દર સેકન્ડે ઘણી વખત થાય છે જેથી ટાયર સ્લીપ ના થઇ જાય

આ બાઇકને સ્લીપ થતા અટકાવે છે અને બ્રેક જોરથી લગાવવામાં આવે તો પણ તે નિયંત્રણમાં રહે છે.

હાલમાં ABS અંગે શું નિયમ છે?

હાલમાં એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) ફક્ત 125 cc થી વધુ એન્જિન ક્ષમતાવાળા ટુ-વ્હીલર્સમાં ફરજિયાત છે. તેથી દેશમાં વેચાતી લગભગ 45 ટકા બાઇક અને મોટરસાઇકલમાં આ ફીચર ઉપલબ્ધ નથી. કારણ કે ભારતીય બજારનો એક મોટો વર્ગ 125 cc થી ઓછી એન્જિન ક્ષમતાવાળા કોમ્યુટર સેગમેન્ટની બાઇક ખરીદે છે.

નવી સૂચના સાથે આ ફીચર તમામ નવા બાઇક માટે લાગુ પડશે. લગભગ તમામ વાહનો 70 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, તેથી અકસ્માતોની શક્યતા ઘટાડવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. હેલ્મેટ અને ABS સંબંધિત આ બંને નિયમો માટે નોટિફિકેશન આગામી થોડા મહિનામાં જાહેર કરવામાં આવી શકે છે.


Car loan Information:

Calculate Car Loan EMI