સુરત: આજની પેઢી માટે જન્મ દિવસ ઉજવણી એટલે કેક કટિંગ, ડીજે અને ડાન્સ પાર્ટી હોય છે. ત્યારે સુરતમાં વસતા ઉત્તર ગુજરાત અગ્રણીના 13 વર્ષીય સુપુત્રએ પોતાના જન્મ દિવસની ઉજવણી ભભકાદાર રીતે કરવાને બદલે સમાજસેવા થકી કરી સમાજને અને ખાસ કરીને આજની નવી પેઢીને નવી રાહ ચીંધી છે.
ન્યૂ સિટીલાઈટ વિસ્તારમાં રહેતા અને ઉત્તર ગુજરાતના અગ્રણી એવા જૈમિશભાઈ પટેલ (બોમ્બેવાલા) અને નિકિતા પટેલ (બોમ્બેવાલા)નો 13 વર્ષીય પુત્ર રાજવીર પટેલ જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ માં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. 25મી મેના રોજ રાજવીર નો જન્મદિવસ હતો અને માતા પિતા સાથે મિત્રો દ્વારા કેક કટિંગ સેલિબ્રેશનની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. પણ આ વચ્ચે જ રાજવીરે સૌને ચોંકાવી દીધા. રાજવીરે માતા - પિતા ને કહ્યું કે તે કેક કટિંગ સેલિબ્રેશનના બદલે કઈક સમાજ સેવાના કાર્ય થકી જન્મ દિવસની ઉજવણી કરવા માંગે છે. આમ, રાજવીરે મિત્રો સાથે કેક કટિંગ કરી જન્મ દિવસ ઉજવવાના બદલે તે પરિવાર સાથે ડુમસ રોડ પર એરપોર્ટ સામે આવેલ સાંઇ બાબા મંદિર ખાતે પહોંચ્યો અને અહી ભગવાનના આશીર્વાદ લઈ 300 જેટલા ભિક્ષુકોને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરી. રાજવીરે જણાવ્યું કે સામાન્ય રીતે જન્મ દિવસની ઉજવણી પર કેક કટિંગ ડી જે અને ડાન્સ પાર્ટી પાછળ પૈસા ખર્ચ કરતા હોય છે ત્યારે આ ખર્ચ કરવાના બદલે મને મારા જન્મ દિવસને કોઈ સામાજિક કાર્ય કરીને ઉજવવાનો વિચાર સ્ફૂર્યો અને માતા પિતા સમક્ષ આ વિચાર મૂક્યો અને આખરે જન્મ દિવસ પર ભિક્ષુકો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.