નવી દિલ્લીઃ આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2020નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં નાણામંત્રી દ્વારા બેંકોમાં ડિપોઝિટ ઇન્સ્યોરન્સની રકમ એક લાખથી વધારીને પાંચ લાખ સુધી કરી દીધી છે. જેને કારણે હવે કોઈ બેંક ઉઠી જાય તો ગ્રાહકને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ પરત મળશે.


આ અંગેની વિગત એવી છે કે, જો તમે કોઈ એક બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હોય અને એ એકાઉન્ટમાં તમે પાંચ લાખ રૂપિયાથી વધુ રૂપિયા જમા કરાવ્યા હોય અને કદાચ આ બેંક ઉઠી જાય છે, તો તમને કેન્દ્રીય નાણામંત્રીએ કરેલી જાહેરાત અનુસાર પાંચ લાખ રૂપિયા ડિપોઝિટ ઇન્સ્યોરન્સ પેટે મળશે. અત્યાર સુધી કોઈ બેંક ઉઠી જાય તો તમને તમારા જમા કરાવેલા રૂપિયામાંથી માત્ર એક લાખ રૂપિયા પરત મળતા હતા. જેમાં ચાર લાખનો વધારો કરાયો છે. જેથી હવે બેંક ઉઠવા પર તમને પાંચ લાખ રૂપિયા પરત મળશે.