Union Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મધ્યમ વર્ગ, ખેડૂતો અને ગરીબોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ સિવાય કોરોનાના કારણે કથળતી અર્થવ્યવસ્થાને સુધારવા માટે ઘણી મોટી જાહેરાતો પણ કરવામાં આવી શકે છે.


આ વર્ષના બજેટથી તમામ ક્ષેત્રોને કેટલીક ખાસ અપેક્ષાઓ છે, પરંતુ હવે જોવાનું રહેશે કે નાણામંત્રીના પટારામાંથી શું નીકળે છે અને કયા સેક્ટરને કેટલી રાહત મળશે. આવો અમે તમને 1લી ફેબ્રુઆરી પહેલાના બજેટ સાથે સંબંધિત કેટલાક નવીનતમ અપડેટ્સ વિશે જણાવીએ-


બજેટ ક્યારે રજૂ થશે


નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે. બજેટ ભાષણ લગભગ 1.20 થી 2 કલાક સુધી ચાલે છે. વર્ષ 2020માં નાણામંત્રી સીતારમણે અત્યાર સુધીનું સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું હતું. આ ભાષણ લગભગ 2 કલાક 40 મિનિટનું હતું.


લાઈવ બજેટ ક્યાં જોવું


જો તમારે લાઈવ બજેટ જોવું હોય તો સંસદ ટીવી પર જોઈ શકો છો. આ ઉપરાંત, તે મોટાભાગની ખાનગી ન્યૂઝ ચેનલો પર પણ ચલાવવામાં આવે છે. તમે ડીડી ન્યૂઝ પર બજેટ ભાષણ પણ સાંભળી શકો છો.


નાણામંત્રીએ આર્થિક સર્વે રજૂ કર્યો


કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરવાના એક દિવસ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે આર્થિક સર્વે રજૂ કર્યો છે. આજે બપોરે 3:45 વાગ્યે, મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરન એક પત્રકાર પરિષદને સંબોધશે જેમાં આર્થિક સર્વેના મુખ્ય મુદ્દાઓની વિગતો શેર કરવામાં આવશે. આવતીકાલે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ 2022-23નું બજેટ રજૂ કરશે.


રામનાથ કોવિંદના ભાષણ સાથે બજેટ સત્રની શરૂઆત થઈ


આજે રાષ્ટ્રપતિના ભાષણ સાથે બજેટ સત્રની શરૂઆત થઈ છે. 31 જાન્યુઆરીએ રામ નાથ કોવિંદે બંને ગૃહોને સંબોધિત કર્યા ઉપરાંત નાણામંત્રીએ આર્થિક સર્વે રજૂ કર્યો.


બજેટ સત્ર કેટલો સમય ચાલશે
બજેટ સત્રની વાત કરીએ તો તેને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. બજેટનું પ્રથમ સત્ર 11 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. બીજી તરફ બીજા સત્રની વાત કરીએ તો તે 14 માર્ચે શરૂ થશે અને 8 એપ્રિલે સમાપ્ત થશે.


આજે રજૂ કરવામાં આવેલ આર્થિક સર્વે


નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નાણાકીય વર્ષ 2021-22 માટેનો આર્થિક સર્વે રજૂ કર્યો છે. આ સર્વેમાં આગામી નાણાકીય વર્ષ 2022-23માં ભારતીય અર્થવ્યવસ્થા 8 થી 8.5 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. તે જ સમયે, સર્વેમાં, વર્તમાન નાણાકીય વર્ષ 2021-22માં દેશનો જીડીપી 9.2 ટકા રહેવાનો અંદાજ છે.