કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2025માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ શ્રેણીની 5 લાખ મહિલાઓ માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ આ સમાજની મહિલાઓ જે પહેલી વાર ઉદ્યોગસાહસિક બની રહી છે તેમને આગામી 5 વર્ષમાં 2 કરોડ રૂપિયાની ટર્મ લોન આપવામાં આવશે.


સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજનામાંથી શીખેલા પાઠ પણ આ યોજનામાં સમાવવામાં આવશે. બિઝનેસને ઓનલાઈન કેવી રીતે પ્રોત્સાહન આપવું અને મેનેજિરિયલ સ્કીલ્સના ડેવલપમેન્ટ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવશે.


મહિલાઓને 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન મળશે


બજેટમાં SC-ST મહિલાઓ માટે એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે હેઠળ પહેલીવાર ઉદ્યોગસાહસિક બનનારી મહિલાઓને 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન મળશે, જેથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. આ પહેલનો ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે. સરકારની આ જાહેરાતથી નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) માં મહિલાઓની ભાગીદારી વધવાની અપેક્ષા છે. બજેટમાં સૌથી મોટી જાહેરાત ટેક્સને લઈને કરવામાં આવી હતી. 


નાણામંત્રીએ કહ્યું છે કે સરકાર શ્રમ-સઘન ક્ષેત્રોમાં રોજગારની તકો અને ઉદ્યોગસાહસિકતા વધારવા માટે એક ખાસ નીતિ બનાવશે. ભારતના ફૂટવેર અને લેધર સેક્ટરમાં ક્વોલિટી, પ્રોડક્ટિવિટી અને સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે ફોકસ પ્રોડક્ટ સ્કીમ લાગુ કરવામાં આવશે. આ યોજનાથી 22 લાખ લોકોને રોજગાર મળવાની શક્યતા છે. આ ઉપરાંત તેનાથી 4 લાખ કરોડ રૂપિયાની આવક અને 1.1 લાખ કરોડ રૂપિયાથી વધુની નિકાસ થવાની ધારણા છે.


બજેટમાં કરાયેલી મોટી જાહેરાતો


-12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.


-બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે.


-કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી.


-બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, આંત્રપ્રિન્યોરશિપ અને મેનેજમેન્ટની સ્થાપના કરવામાં આવશે. આનાથી સમગ્ર પૂર્વીય ક્ષેત્રમાં ખાદ્ય પ્રક્રિયા પ્રવૃત્તિઓને વેગ મળશે.


-વર્ષ 2015 પછી સ્થાપિત IIT માં માળખાગત સુવિધાઓ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. આનાથીબેઠકોમાં 6,500નો વધારો થશે. IIT પટનાનું વિસ્તરણ કરવામાં આવશે.


-AI માટે એક સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત કરવામાં આવશે. નાણામંત્રીએ આ માટે 500 કરોડ રૂપિયાની બજેટ ફાળવણીની જાહેરાત કરી છે.


-પાંચ વિશ્વ કક્ષાના કૌશલ્ય કેન્દ્રો બનાવવામાં આવશે જેમાં વિદેશી દેશો સાથે ભાગીદારી હશે.


-રાજ્યોને માળખાગત વિકાસ માટે 50 વર્ષ માટે 1.5 લાખ કરોડ રૂપિયાનું વ્યાજમુક્ત ધિરાણ આપવામાં આવશે.


- નાણાકીય વર્ષ 2025-26 માં મેડિકલ અભ્યાસ માટે કોલેજો અને હોસ્પિટલોમાં 10 હજાર નવી બેઠકો ઉમેરવામાં આવશે. સરકાર આગામી પાંચ વર્ષમાં નવી બેઠકોની સંખ્યા વધારીને 75 હજાર કરવાનું લક્ષ્ય રાખે છે.


- સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ની રોકાણ અને ટર્નઓવર મર્યાદા અનુક્રમે અઢી ગણી અને બમણી કરવામાં આવી. મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના લોકોને પહેલી વાર વ્યવસાય શરૂ કરવા માટે 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.


-ઉડાન યોજના નવા ફોર્મેટમાં રજૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ, 4 કરોડ વધારાના મુસાફરોને જોડવાના ઉદ્દેશ્ય સાથે 120 નવા સ્થળો ઉમેરવામાં આવશે.