Union Budget 2024: મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આ બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમને તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, 'ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ સતત સારો થઈ રહ્યો છે. ભારતનો ફુગાવો સ્થિર છે, જે 4%ના લક્ષ્ય તરફ છે. નાણામંત્રીએ કહ્યું છે કે ગરીબ, યુવા, મહિલાઓ, ખેડૂતો જેવા મહત્વપૂર્ણ વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોજગાર, કૌશલ્ય, MSME, મધ્યમ વર્ગ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તેમણે બિહાર અને આંધ્રપ્રદેશ માટે મહત્વની જાહેરાત કરી છે. જેથી કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપે ગઠબંધન ધર્મ નિભાવ્યો છે. તમને જણાવી દઈએ કે, ચંદ્રાબાબુ અને નીતિષ કુમારના સપોર્ટથી એનડીએ સરકાર બની છે.


 






બજેટમાં બિહાર અને આંધ્ર માટે વિશેષ જોગવાઈ
બિહારમાં રોડ પ્રોજેક્ટ માટે 26 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. બિહારમાં 21 હજાર કરોડ રૂપિયાના પાવર પ્લાન્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય બિહારને આર્થિક મદદ મળશે. આંધ્રપ્રદેશને લગભગ 15 હજાર કરોડ રૂપિયાનું પેકેજ મળશે.


નાણામંત્રી સીતારમણે બિહારને આર્થિક મદદની જાહેરાત કરી. નાણામંત્રીએ કહ્યું કે અમે બિહારના ગયામાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપીશું. આનાથી પૂર્વ વિસ્તારના વિકાસને વેગ મળશે. અમે રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટના વિકાસમાં પણ સહકાર આપીશું. પટના-પૂર્ણિયા એક્સપ્રેસવે, બક્સર-ભાગલપુર હાઇવે, બોધગયા-રાજગીર-વૈશાલી-દરભંગા અને બક્સરમાં ગંગા નદી પર એક વધારાનો ટુ-લેન પુલ રૂ. 26,000 કરોડના ખર્ચે બાંધવામાં આવશે.


મહિલાઓ અને છોકરીઓ માટે રૂ. 3 લાખ કરોડ
 મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100 થી વધુ શાખાઓ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે. રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે. વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં કોપર્થી વિસ્તાર અને હૈદરાબાદ-બેંગલુરુ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં ઓરવાકલ વિસ્તારના વિકાસ માટે ફંડ આપવામાં આવશે.