ડિલરોનું કમીશન વધવાના કારણે રાંધણ ગેસનો બાટલો થયો મોંઘો, જાણો કેટલો થયો ભાવ વધારો
નવી દિલ્હી: એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે શુક્રવારે એલપીજી ડીલર્સના કમીશનમાં વધારો કરવાથી ઘરેલુ કુકિંગ ગેસ એલપીજીની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ વધારા સાથે 14.2 કિગ્રા સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 507.42 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે અત્યાર સુધી તેની કિંમત 505.34 હતી.
આ મહિનામાં કિંમતોમાં આ બીજી વખત વધારો કરવામાં આવ્યો છે, આ પહેલા 1 નવેમ્બરે કિંમત 2.94 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારવામાં આવી હતી. જૂન બાદથી બેસ પ્રાઈઝ પર ચુકવવામાં આવતી જીએસટીના કારણે દર મહિને કિેંમતો વધી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 16.21 રૂપિયાનો વધારો થયો છે.
આ પહેલા, પેટ્રોલિયમ મંત્રાલયે ડીલર કમીશન વધારવાનો આદેશ આપ્યો હતો. મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું હતું કે, 14.2 કિલો અને 5 કિલોના સિલિન્ડર પર ઘરેલુ એલપીજી ડિસ્ટ્રીબ્યૂટર્સનું કમિશન ગત વર્ષે સપ્ટેમ્બરમાં ક્રમશ 48.89 રૂપિયા તથા 24.20 રૂપિયા કરવામાં આવ્યું હતું.