જેટલીએ 40 હજારના સ્ટાન્ડર્ડ ડિડક્શન સામે કઈ બે કર રાહતો છિનવી લેતાં નોકરીયાતોને નુકસાન થશે?
5% ટેકસ સ્લેબમાં આવતા કરદાતાને 290 રૂપિયા, 20% ટકા સ્લેબમાં 1160 રૂપિયા અને 3૦% સ્લેબમાં આવતા કરદાતાને 1740 રૂપિયાનો ફાયદો થશે. જો કે વાર્ષિક પાંચ લાખની આવક ધરાવાતા લોકોને બાદ કરતા મોટાભાગના કેસમાં આ લાભ પણ નહીં મળે. જેનું કારણ છે ઈન્કમ ટેકસ પરનો સેસ જે 3%થી વધારીને 4% કરાયો છે.
નવી દિલ્હીઃ નાણાંમંત્રી અરૂણ જેટલીએ બજેટમાં ટેક્સના મોરચે મધ્યમ વર્ગને કોઈ રાહત આપી નથી. આવકવેરા છૂટ મર્યાદામાં કોઈ ફેરફાર કર્યો નથી. જોકે તેની જગ્યાએ સ્ટાન્ડર્ડ ડિડક્શન ફરી લાવવામાં આવ્યું છે. જોકે ટ્રાન્સ્પોર્ટ એલાઉન્સ અને મેડિકલ રીઈમ્બર્સમેન્ટનો લાભા છીનવી લીધો છે.
હાલમાં 15,000 રૂપિયા સુધીના મેડિકલ બિલ અને 19,200 રૂપિયા સુધી ટ્રાન્સ્પોર્ટ એલાઉન્સ પર ટેકસ છૂટ મળે છે. મેડિકલ રીઈમ્બર્સમેન્ટ અને ટ્રાન્સ્પોર્ટ એલાઉન્સ પર ટેકસ છૂટ પરત લેવાથી સ્ટાન્ડર્ડ ડિડકશન લાગુ થવા છતા સેલેરાઈડ કલાસને ફકત 5,800 રૂપિયાની ટેકસ છૂટનો લાભ મળશે. જો કે કોને કેટલો લાભ થશે તે કરદાતા કયા ટેકસ સ્લેબમાં આવે છે તેના પર આધાર રાખે છે.
સ્ટાન્ડર્ડ ડિડકશનનો લાભ પેન્શનર્સને પણ મળશે જેમણે ટ્રાન્સ્પોર્ટ અને મેડિકલ ખર્ચ પર કોઈ ભથ્થા મળતા નથી. આ નિર્ણયથી સરકારી તિજોરી પર ૮,૦૦૦ કરોડનો બોજ પડશે. સ્ટાન્ડર્ડ ડિડકશનની જાહેરાતથી કુલ 2.5 કરોડ પગારદાર અને પેન્શનર્સને લાભ મળશે.
સ્ટાન્ડર્ડ ડિડકશનથી જે લાભ મળશે તે ઈન્કમ ટેકસ સેસમાં વધારાને લીધે ઘટી જશે અથવા વધુ ટેકસ જવાબદારીના કેસમાં નુકસાન પણ થઈ શકે છે. જેટલીએ બજેટ સ્પીચમાં જણાવ્યું કે, 'પગારદાર કરદાતાને રાહત આપવા માટે ટ્રાન્સ્પોર્ટ એલાઉન્સ અને મેડિકલ ખર્ચ રીઈમ્બર્સમેન્ટને બદલે 40,000 રૂપિયા સુધીનું સ્ટાન્ડર્ડ ડિડકશનને મંજૂરી આપવાનો પ્રસ્તાવ કરું છું.
જો કે દિવ્યાંગો માટે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ વધેલા દરથી લાગુ પડશે. જો કે હોસ્પિટલાઈઝેશન સહિત અન્ય મુદ્દે તમામ કર્મચારીઓને મેડિકલ રીઈમ્બર્સમેન્ટ લાભ ચાલુ રહેશે.' નાણાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ નિર્ણયથી પેપર વર્ક તેમજ નિયમ કાયદાની માથાકૂટ ઓછી થશે તેમજ પગારદાર એવા મધ્યમ વર્ગ માટે ટેકસની જવાબદારીમાં પણ ઘટાડો થશે.