અમદાવાદ : અમદાવાદમાં એક વ્યક્તિએ પોતાની ઓળખ ED (Enforcement Directorate)ના ડિરેક્ટર તરીકે આપી કરોડો રુપિયાની છેતરપિંડી કરી છે. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. થલતેજ વિસ્તારમાં રહેતા એક મહિલાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, એક વ્યક્તિએ પોતાની ઓળખ EDના ડિરેક્ટર તરીકે આપી હતી. આ વ્યક્તિએ તેમના ઉપરી અધિકારી અને ક્લાયન્ટ્સને ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટ્સ આપવાનો વાયદો આપ્યો હતો અને પછી રુપિયા 1.5 કરોડની છેતરપિંડી કરી હતી. હાલ તો સેટેલાઈટ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
EDમાં ડિરેક્ટર હોવાનું કહ્યું
અમદાવાદ શહેરમાં રહેતા 40 વર્ષીય મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સેટેલાઈટ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં કામ કરે છે. જ્યાં જ્યોતિષ અને પૂજા સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તેમના એમ્પ્લોયર રવિ રાવ બોપલ વિસ્તારમાં રહે છે. ગયા માર્ચ મહિનામાં રવિ રાવ પોતાના ઘર માટે પેઈંગ ગેસ્ટ શોધી રહ્યા હતા. એ સમયે તેઓએ રિયલ્ટર્સનો સંપર્ક કર્યો હતો. ગઈ ત્રીજી માર્ચના રોજ એક રિયલ્ટરે તેમનો સંપર્ક કર્યો હતો અને ઓમવીર સિંહ નામના શખ્સ સાથે મુલાકાત કરાવી હતી. આ દરમિયાન ઓમવીર સિંહે એવું કહ્યું હતું કે, તેઓ IRS માં અધિકારી છે અને EDમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.
સરકારી કોન્ટ્રાક્ટ્સ અપાવવાનો વાયદો કર્યો
બાદમાં ઓમવીર સિંહે એક વિઝીટિંગ કાર્ડ પણ આપ્યું હતું. ઓમવીર સિંહને રવિ રાવનું મકાન પસંદ આવ્યું હતું અને તેમણે આ મકાનના ભાડા પેટે રુપિયા બે લાખ ચૂકવવાનું નક્કી કર્યું હતું. 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આ મકાન ભાડે આપવામાં આવ્યું હતું. ઓમવીર સિંહે રવિ રાવને એવું કહ્યું હતું કે સરકારમાં તેમની કેટલીક લિંક્સ છે અને તેઓ સરકારી કોન્ટ્રાક્ટ્સ અપાવી શકે છે. આ દરમિયાન રવિ રાવના પ્રદીપ ઝા નામના ક્લાયન્ટે રસ દાખવ્યો હતો. જે બાદ રાવે ઓમવીર સિંહનો સંપર્ક કર્યો હતો.
સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી
ઓમવીર સિંહે રવિ રાવને કહ્યું હતું કે, સરકારી કોન્ટ્રાક્ટ માટે 1.5 કરોડ રુપિયા લેવામાં આવે છે. બાદમાં આ રુપિયાની ચૂકવણી કરી દેવામાં આવી હતી. એ પછી ત્રણ મહિના સુધી આ મકાનમાં રહ્યા બાદ ઓમવીર સિંહે ભાડાનું મકાન ખાલી કરી નાખ્યું હતું. જ્યારે રવિ રાવે સરકારી કોન્ટ્રાક્ટ માટે પૂછ્યું હતું. ત્યારે ઓમવીર સિંહે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. બાદમાં તેણે સંપર્ક પણ તોડી નાખ્યા હતા. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. ત્યારબાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે પણ આરોપીને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે.