Gandhinagar : ગાંધીનગરના જીવરાજ મહેતા ભવન ખાતે આવેલ કમિશનર આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ કચેરીને ભારત સરકારના નૅશનલ હેલ્થ મિશન હેઠળ દર્દીઓને સહાય રૂપ થવા ફાળવવામાં આવતી IDSP અને NVHCP પ્રોગ્રામની ગ્રાંટ આરોગ્ય શાખાના ભળતા નામે ખોટા દસ્તાવેજો ઉભા કરીને બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં 11 કરોડ 13 લાખ 48 હજાર 400 ટ્રાન્સફર કરીને પૂર્વ કન્સલ્ટન્ટ હાર્દિક પટેલ અને તેના મિત્ર યુધીર જાનીએ કૌભાંડ આચરી ઉચાપત કરી હોવાનું નાણાંકીય વર્ષના ઓડિટ રિપોર્ટમાં બહાર આવતાં સેકટર-7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 


નેશનલ હેલ્થ મિશન હેઠળ ફાળવવામાં આવે છે ગ્રાન્ટ 
કમિશનર, આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણના એપેડેમિક શાખાના વહીવટી અધિકારી પ્રવીણ દેસાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ભારત સરકારના નૅશનલ હેલ્થ મિશન હેઠળ આરોગ્યલક્ષી તમામ યોજનાઓમાં દર્દીઓને સહાય રૂપ થવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જે ગ્રાન્ટ નેશનલ હેલ્થ મિશન હેઠળ એપેડેમિક શાખા ખાતે IDSP અને NVHCP પ્રોગ્રામ હેઠળ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે માટે સેકટર - 16 માં ICICI બેંકમાં વિભાગનું એકાઉન્ટ કાર્યરત છે. અને આ બેંક એકાઉન્ટમાં ગ્રાન્ટ જમા થયા પછી ખર્ચ કરવામાં આવતો હોય છે. 


ભળતા નામે સાણંદની બેન્કમાં ખોલાવ્યું ખાતું 
નેશનલ હેલ્થ મિશનની આ ગ્રાન્ટ માટે સિકલ સેલ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત સિકલ સેલ એનીમિયા કંટ્રોલ સોસાયટીના નામે ઈન્ફોસિટી બ્રાંચમાં બેંક ખાતું વર્ષ - 2015 થી કાર્યરત છે. આ ખાતાના ભળતા નામવાળું સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સાણંદ ખાતે પૂર્વ અધિક નિયામક ડો. દિનકર રાવલ અને ડેપ્યુટી ડાયરેક્ટર ડો. ઘનશ્યામ પટેલની બેંક ખાતાના KYC નાં ખોટા દસ્તાવેજો, સહી સિક્કા કરીને ચેકબૂક મેળવી પૂર્વ  IDSP કન્સલ્ટન્ટ હાર્દિક પ્રવીણભાઈ પટેલે ઉક્ત ખોટા બેંક એકાઉન્ટમાં 11 ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જેમાં IDSP માં છ ટ્રાન્ઝેક્શન થકી 8 કરોડ 13 લાખ 50 હજાર અને NVHCP માં 5 ટ્રાન્ઝેક્શન થકી 2 કરોડ 99 લાખ 98 હજાર 400 એમ મળીને 11 કરોડ 13 લાખ 48 હજાર 400 ની ઉચાપત કરવામાં આવી હોવાનું ઓડિટ રિપોર્ટમાં પ્રકાશમાં આવ્યું છે.


ઉચાપત કરવા ખોટી સહી વાળું આઈકાર્ડ બનાવ્યું 
આ સમગ્ર કૌભાંડમાં  પૂર્વ કન્સલ્ટન્ટ હાર્દિક પટેલનો મિત્ર યુધીર યોગેશભાઈ જાનીની પણ સંડોવણી બહાર આવી છે.  પૂર્વ કન્સલ્ટન્ટ હાર્દિક પટેલે તેના મિત્ર સાથે મળીને સમગ્ર કૌભાંડ આચરી સરકારને મોટું આર્થિક નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. જેમાં યુધીર જાની નેશનલ હેલ્થ મિશનનો કર્મચારી ન હોવા છતાં પૂર્વ અધિક નિયામકની ખોટી સહી વાળું આઈ કાર્ડ બનાવવામાં આવેલ હતું અને ગુજરાત સિકલ સેલ એનીમિયા સોસાયટી નામના સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની સાણંદ બ્રાંચમાં ગ્રાન્ટના રૂપિયા ટ્રાન્સફર કરી લેતાં હતાં.


19 વ્યક્તિઓ-એજેન્સીઓના ખાતામાં નાણા ટ્રાન્સફર કર્યા 
જે નાણાં ઉપાડવા માટે યુધીર જાની અને હાર્દિક પટેલે પૂર્વ અધિક નિયામકના અધિકૃત કલાર્ક હોવાનો ખોટો લેટર પણ બનાવીને બેંકમાં આપ્યો હતો.જેનાં આધારે સરકારી ગ્રાન્ટ સાણંદની બેંકમાં ટ્રાન્સ્ફર કરીને અલગ અલગ 93 ટ્રાન્ઝેક્શન કરીને પોતાના મળતિયા 19 એજન્સીઓ-વ્યક્તિઓના ખાતામાં 11 કરોડ 13 લાખ 48 હજાર 400 આરોગ્ય વિભાગની બહાર ટ્રાન્સ્ફર કરીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.પોલીસે આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.