સુરત: ગાંધીધામ ખાતેની એક કંપનીમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવાથી સારા વળતરની લોભામણી સ્કીમના નામે ઉધનાના વીમા એજન્ટ પાસેથી રૂપિયા 13 લાખ પડાવી છેતરપિંડી કરનાર દંપતીની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી છે. દંપતીએ વીમા એજન્ટ પાસેથી કંપનીમાં રોકાણના નામે લીધેલા રૂપિયા દસ લાખની રકમ ઈમ્પોર્ટ- એક્સપોર્ટ કંપનીમાં નહીં પરંતુ ડ્રગ્સના ધંધામાં રોકાણ કર્યા હોવાથી પોલીસે મહિલાના પતિની ઘરપકડ કરી હતી. જે બાદ એક પોલીસ અધિકારીની ઓળખાણના કારણે રૂપિયા 3 લાખમાં સમાધાન કરી જેલમુક્ત કરાવ્યો હોવાની વાત ઉપજાવી નાખી હતી. પરંતુ ત્યારબાદ વધુ રૂપિયાની વીમા એજન્ટ પાસે માંગણી કરતા છેતરપિંડીનો ભોગ બનેલા વીમા એજન્ટની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
સુરતના ઉધના વિસ્તારમાં રહેતા વીમા એજન્ટ મુલ્હાસભાઈ માળી છેતરપિંડીનો ભોગ બન્યા હતા. ભેસ્તાનનાં ઠગ દંપતીએ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કંપનીમાં રોકાણ અને પોલીસના નામે રૂપિયા 13 લાખ જેટલી રકમ વીમા એજન્ટ પાસેથી પડાવી છેતરપિંડી આચરી હતી. સમગ્ર મામલો ભેસ્તાન પોલીસ મથકે પહોંચતા પોલીસે ઠગ દંપતિની ધરપકડ કરી હતી. ઘટનામાં દંપતીએ બે અન્ય કાલ્પનિક નામો પણ ઉપજાવી નાખ્યા હતા. જેમાં એક ગ્લોબલ ઈમ્પોર્ટ -એક્સપોર્ટ કંપનીના કર્મચારી અને અન્ય એક એશિયન શેલ કંપનીના મોબાઈલ નંબરના ધારકનો સમાવેશ થાય છે.
ભેસ્તાન પોલીસના જણાવ્યા અનુસાર ,વીમા એજન્ટ મુલ્હાસ ભાઈ માળી ભેસ્તાન ખાતે રહેતા વિકી જરીવાળા અને તેની પત્ની ક્રિષ્ના જરીવાળાના ઘણા સમયથી સંપર્કમાં છે. જેથી વીમા એજન્ટ અને દંપતી એકબીજાથી પરિચિત છે. દરમ્યાન બંને પતિ પત્નીએ વીમા એજન્ટને ગાંધીધામ ખાતેની એક કંપનીમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટનાં નામે રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી સ્કીમ બતાવી હતી. વિશ્વાસ અને ભરોસામાં આવેલા વીમા એજન્ટે 10 લાખ રૂપિયા જેટલી રકમ ટુકડે ટુકડે બેન્ક એકાઉન્ટ અને આંગડિયા પેઢી મારફતે દંપતીને આપ્યા હતા.
લાખોની રકમ પડાવી લીધા બાદ આ જરીવાળાની પત્ની ક્રિશ્ના જરીવાળાએ વીમા એજન્ટના મોબાઈલ વોટ્સએપ નંબર પર એક વોઇસ મેસેજ મોકલ્યો હતો. જેમાં તેણીના પતિને સુરત એસઓજી ધરપકડ કરી લઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. બાદમાં વીમા એજન્ટે રૂબરૂમાં આવી જરીવાળાની પત્ની જોડે વાતચીત કરી હતી. બે દિવસ બાદ વિકી જરીવાળા વીમા એજન્ટ મૂલ્હાસ ભાઈ ને મળ્યો હતો.જ્યાં જણાવ્યું હતું કે, તેઓ દ્વારા જે રૂપિયા દસ લાખની રકમ આપવામાં આવી હતી તે ગાંધીધામ ખાતેની કોઈ ગ્લોબલ કંપનીમાં નહીં પરંતુ ડ્રગ્સના ધંધામાં રોકાણ કરી હતી. જે ધંધામાં દેબાસીસ નામનો યુવક પણ સામેલ હતો અને આ શખ્સની સુરત એસોજી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. તેઓ દ્વારા જે રકમ આંગડિયા પેઢી અને બેન્ક એકાઉન્ટ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી તેના કારણે પરિવારના સભ્યોના નામ પણ સામે આવી શકે છે. જેથી એક પોલીસ અધિકારીની ભલામણથી એસઓજી પીઆઈ જોડે વાતચીત કરતા છોડી મુકાયો હતો. પરંતુ હવે રૂપિયા ત્રણ લાખ માંગી રહ્યા છે. જે રકમ તેઓને આપવી પડશે. આમ વધુ ત્રણ લાખ રૂપિયા જેટલી રકમ પણ પડાવી લેવામાં આવી હતી.