Kapadvanj, Kheda : કહેવત છે કે પેહેલો સગો પાડોશી પરંતુ ખેડાના કાપડવંજમાં પાડોશી યુવક જ 17 વર્ષની યુવતીના મોતનું કારણ બન્યો છે. ખેડાના કપડવંજમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક અને તેના પરિવારના ત્રાંસ અને લગ્નની ધમકીથી 17 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી લીધી છે.
કપડવંજની 17 વર્ષીય યુવતીએ ગત 7 મેના રોજ સવારે 10:15 કલાકના અરસામાં તેના ઘરે પંખે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.જે તે સમયે બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે અકસ્માતે અવસાન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પરંતુ હવે 7 દિવસ બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં દીકરીની માતાએ પડોશીઓના ત્રાસથી દીકરીએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. ઘટના અંગે પાડોશમાં રહેતા ભરત મકવાણા, તેની પત્ની જયશ્રી મકવાણા દિકરો આકાશ અને હિમાશું વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
2021ના વર્ષમાં ભરત મકવાણાનો દિકરો આકાશ પાડોશી હંસાબેન પટેલની દિકરી મિત્તલ સામે ખરાબ નજરે જોઈ લગ્ન કરવા અંગે હેરાન કરતો હતો. આ અંગે દિકરીએ તેની માતાને કહેતા માતા ઠપકો કરવા જતાં ઝઘડો થયો હતો. તે સમયે ભરત મકવાણા અને તેની પત્નીએ કહેલ કે તમારી દીકરીને મારા દિકરા સાથે જ પરણાવવી પડશે, ગમે ત્યા પરણાવશો તો તેને ચેનથી જીવવા નય દઈએ, આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જો કે આ અંગે અંદરો અંદર સમાધાન થઇ ગયુ હતુ, અને તે સમયે આકાશે કહેલ કે હવે પછી હેરાન નહી કરૂ. પરંતુ થોડા સમય બાદ ફરીથી આકાશ, અને તેના માતા-પિતા અગાઉની જેમ હેરાન કરવાનું શરૂ કર્યુ હતુ.
દીકરીને તેની માતા હંસાબેન પટેલે ચાંદખેડા તેની માસીને ત્યાં મોકલી આપી હતી. જે અંગે પણ ભરત મકવાણા અને તેની પત્નીએ ઝઘડો કર્યો હતો. એક તરફી પ્રેમમાં પાગલ યુવક અને તેના પરિવારજનોના માનસિક ત્રાસથી દીકરી એટલી તો કંટાળી ગઈ હતી કે તેણે આખરે આ ફાની દુનિયાને અલવિદા કરવાનું નક્કી કર્યું અને 7 મેના રોજ સવારે માતા તેના ભાઈનું સર્ટી લેવા માટે શાળાએ ગઈ તે સમયે ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે દીકરીની માતાએ કપડવંજ ટાઉન પોલીસ મથકે આકાશ ભરત મકવાણા, ભરત અંબાલાલ મકવાણા, જયશ્રી ભરત મકવાણા અને નિલેષ ઉર્ફે પપ્પુ ઉર્ફે ડાટો પોપટ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.