Crime News: સુરતમાં ફરી શરમનાક ઘટના સામે આવી છે. 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આજે સવારે બાળકી ગુમ થઇ હતી. આ બાળકીનો પરિવાર કતારગામમાં રહે છે. જો કે બાદમાં માહિતી મળી કે બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. આ અંગે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.
ધાનેરામાં શિકારીઓએ ફાયરિંગ કરતા યુવકનું મોત
ધાનેરા તાલુકાના વાછોલ ગામે શિકારના શોધમાં આવેલા અજાણ્યા શખ્સોએ ગોળી ચલાવતા યુવકનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે પાથાવાડા પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલ ધાનેરા તાલુકાના વાછોલ ગામે ગઈકાલે ફાયરીંગમાં પ્રવિણ માજીરાણા નામના યુવકનું ભૂંડ મારવા આવેલા અજાણ્યા શખ્સોએ ગોળી ચલાવતા યુવકને માથાના ભાગે ગોળી વાગતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે પાંથવાડા રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર માટે ખસેડતા સમયે યુવકે દમ તોડી દીધો હતો. પરિવારની માંગ હતી કે આરોપી જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી લાશને સ્વીકારવામાં નહીં આવે પરંતુ પાંથાવાડા પોલીસે ગ્રામજનોને ખાતરી આપતા પરિવારે લાશનો સ્વીકાર કર્યો હતો. પરિવારએ માંગ કરી કે તાત્કાલિક ધોરણે આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહી થાય અને સરકાર યોગ્ય સહાય આપે.
લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં
જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે. રાજકોટના સર્વેસ્વર ચોકમાં મયુર સિંહ રાણા પર દેવાયત ખવડે હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હુમલો પુષ્કર એપાર્ટમેન્ટ નજીક કરવામાં આવ્યો છે. દેવાયત ખવડ સહિત બે શખ્સોએ હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હુમલામાં પીડિત યુવકના પગ ભાંગી ગયા છે. પીડિત યુવકનું નામ મયુરસિંહ છે. હુમલા બાદ મયુરસિંહને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી. રવિ રત્ન પાર્કમાં પાર્કિંગ બાબતે માથાકૂટ ચાલતી હોવાની વાત સામે આવી છે. હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ છે. દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ લાકડી વડે માર મારતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. હાલમાં સીસીટીવીના આધારે એ ડીવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.