જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામે લાખોની લૂંટની ઘટના બની હતી. અહીં રહેતા સોની વેપારી જીતેન્દ્ર લોઢીયાના ઘરેથી છરીની અણીએ લૂંટની ઘટનાને 3 ઈસમો દ્વારા અંજામ અપાયો હતો. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે રાજેસર ગામે જીતેન્દ્ર લોઢીયાના ઘરે તેના પરિચિત દિપક જોગીયા બેસવા માટે આવ્યા હતા.
દિપક જોગીયા પૂર્વેથી જ તેના પરિચયમા હતા. તેમની સાથે અન્ય 2 અજાણ્યા ઈસમો પણ આવેલ હતા. થોડી વાર બાદ દિપક જોગીયા અને અજાણ્યા 2 ઈસમો દ્વારા છરીની અણી અને અન્ય હથિયાર દ્વારા સોની વેપારી જીતેન્દ્ર લોઢીયાના ઘરમાં લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં 8 સોનાના બિસ્કિટ, 21કિલો ચાંદીની લૂંટ કરી હતી. આ ઉપરાંત 9 લાખ રોકડ રકમની પણ લૂંટ કરી નાસી ગયા હતા.
દિપક જોગીયા અને અન્ય 2 ઈસમ દ્વારા 81 લાખથી વધુની લૂંટ કરાઈ હતી. સમગ્ર મામલે સોની વેપારી દ્વારા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
મેનેજરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર
જૂનાગઢ શહેરમાં આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા ઓફિસરે બેંકની સામે જ આવેલી રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની રિજનલ બ્રાન્ચમાં ફરજ બજાવતા ઓફિસર સિયારામ પ્રસાદે આજે સાડાચાર વાગ્યે બેંકની સામે જ આવેલી રેલિંગમાં દુપટ્ટો બાંધી લટકી જઈ જિંદગી ટૂંકાવી હતી.
રાત્રિના સમયે જ ઘરેથી નીકળી ગયેલા સિયારામ પ્રસાદ તેમના ઘરે હાજર ન મળતાં તેમનાં પત્નીએ તેમની વાત તેમના સહકર્મચારીઓને કરી હતી. ત્યાર બાદ તેમનો પરિવાર અને અન્ય કર્મચારીઓ સિયારામ પ્રસાદને શોધવા માટે નીકળ્યા હતા. ત્યારે સિયારામ પ્રસાદે તેઓ જ્યાં નોકરી કરતા હતા એ બેંકની સામે જ રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની જાણ થતાં પરિવારો પર આભ ફાટ્યું હતું. પોલીસે એક સુસાઈડ નોટ પણ કબજે કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાલ આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાહેર થયું નથી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
નાણાકીય વ્યવસ્થા સાથે સંકળાયેલા બેંક મેનેજરે કયા કારણોસર આપઘાત કર્યો છે તેને લઈને સી ડિવિઝન પોલીસ દ્વારા વિધિવત તપાસ શરૂ કરાઈ છે. હાલ મૃતદેહનો કબજો લઈને સી ડિવિઝન પોલીસે પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.